મૃતદેહને મોપેડ ઉપર લઈ જઈ ચુંદડી સળગાવી પુરાવાનો નાશ કર્યો હોવાની વિગત બહાર આવતા ચકચાર
માળીયાહાટીના તાલુકાના લાઠોદ્રા ગામનાં દિપક નારણભાઈ લખધીર નામના યુવાનના આપઘાતનો ભેદ ૧૧ મહિને પોલીસે ઉકેલી મૃતક યુવકની પ્રેમિકા તથા તેણીના ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મરનાર દિપક લખધીરને તેના જ ગામની કાજલ પરબતભાઈ ઝણકાત નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ કાજલે આ પ્રેમ સંબંધ તોડી નાખી દિપકને માનસિક ત્રાસ આપી તેની સાથે જીવવાનો કોલ આપ્યો હતો તે નિભાવેલ નહિ. યુવાન કાજલ વગર જીવી શકે તેમ ન હોય જેથી તેણે પ્રેમિકાને ફોન કરી પોતે મરી જશે. આમ છતાં પણ પ્રેમિકાએ કોઈને જાણ ન કરી મરવા દેતા દીપક લખધીરે ગત ૧૧ માર્ચની રાત્રે કાજલની વાડીએ જઈ મકાનના ઢાળીયામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી કાજલ અને તેનો ભાઈ કાંધલ પરબતભાઈએ દિપકના મૃતદેહને મોપેડ ઉપર લઈ જઈ વોંકળામાં મૂકી ગયા હતા અને યુવકે ફાંસો ખાધેલ ચુંદડી બંનેએ સળગાવી દઇ પુરાવાનો નાશ કર્યો હતો. આ અંગે મૃતકના માતા મનિષાબેન લખધીરની ફરિયાદ મળ્યાના પીએસઆઇ પી.કે. ગઢવીએ લઈ બંને વિરુદ્ધ કલમ હેઠળ નોંધીને કાર્યવાહી કરી હતી અને ત્વરિત તપાસ હાથ ધરીને કાજલ તેમજ તેના ભાઈ કાંધલની ધરપકડ કરી અને મૃતદેહને લઈ જવા માટે ઉપયોગમાં લીધેલ મોપેડ પણ કબજે કર્યું હતું. આ અંગે માળીયાહાટીના પીએસઆઈ કે.પી ગઢવીએ જણાવ્યું હતું કે, ગત ૧૨ માર્ચની સવારે મૃતક યુવકનો મૃતદેહ લાઠોદ્રા ગામનાં વોકળામાંથી મળી આવ્યો હતો. પરંતુ મૃતકના વિસેરા પૃથક્કરણ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ૫ પ્રકારે તેનું પૃથક્કરણ કરવામાં આવ્યા બાદ યુવાનનું મોત ગળેફાંસો ખાઇ લેવાથી જ થયું હોવાનું જણાયું હતું. આ પ્રમાણેના ફોરેન્સિક રિપોર્ટના આધારે સમગ્ર ભંડાફોડ થયો હતો અને મૃતકની માતાની ફરિયાદ લઇ પ્રેમિકા અને તેના ભાઈની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.