ચાંદીમાં ‘ચાંદી’.. બેફામ તેજી : ભાવ પ્રથમવાર 92,000ને પાર : સોનુ પણ ઉછળ્યું

0

 

સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક તેજી સર્જાયા બાદ થોડા દિવસ સ્થિર બન્યા હતા પરંતુ હવે એકાએક ફરી વખત ઉથલો માર્યો હોય એમ અભુતપૂર્વ તેજી નોંધાઇ હતી. ચાંદીનો ભાવ 92,000ની સપાટી કૂદાવી ગયો હતો જયારે સોનુ 76,000ને પાર થઇ ગયું હતું.

રાજકોટમાં સોનાનો ભાવ 76500ના સ્તરે પહોંચી ગયો હતો. ગઇકાલે એક જ દિવસમાં 700થી વધુ રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. વિશ્વસ્તરે જબરદસ્ત તેજી થઇ હતી. આંતરરાષ્ટ્રીય ભાવ 2400 ડોલરને વટાવીને 2413 ડોલર સાંપડયો હતો.

રાજકોટમાં હાજર ચાંદી 92500 થઇ હતી. ગઇકાલે બપોરે 89000નો ભાવ હતો. બપોર બાદ એકાએક મોટી તેજી થઇ હતી. એક જ દિવસમાં 4000 રૂપિયાથી વધુનો ભાવ વધારો થયો હતો. વિશ્વબજારમાં ચાંદી  31.77 ડોલર થઇ હતી. કોમોડીટી એકસચેંજમાં સોનાનો ભાવ 73750 તથા ચાંદીનો ભાવ 91150 સાંપડયો હતો.

ઝવેરી બજારમાં વેપારીઓના કહેવા પ્રમાણે સોનામાં તો અગાઉ પણ મોટી તેજી જોવા મળી હતી. પરંતુ ચાંદીની  આ અભુતપૂર્વ તેજીથી માર્કેટમાં પણ સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. ચાંદીમાં જંગી વેપાર થતા હોય છે અને મીનીટે મીનીટે ભાવમાં મોટો બદલાવ થતો હોવાના કારણે વેપાર પણ અટકી ગયા હોય તેવી હાલત સર્જાઇ હતી.

પ્રથમ વખત ચાંદીનો ભાવ 90000ની સપાટીને પાર કરી ગયો છે. આ તેજી પાછળ અનેક કારણો દર્શાવવામાં આવી રહ્યા છે. ઇલેકટ્રીક વ્હીકલ તથા સોલાર પેનલના યુગમાં ચાંદીનો ઔદ્યોગિક વપરાશ વધી ગયો છે. આ બંને ક્ષેત્રમાં ચાંદીનો નોંધપાત્ર વપરાશ થતો હોય છે. આવતો સમય ઇલેકટ્રીક વાહનોનો ગણાય છે. તે સંજોગોમાં ચાંદીની ડિમાન્ડ વધતી રહેવાના આશાવાદથી જોરદાર તેજી થઇ છે. આ સિવાય વૈશ્વિક કારણો પણ જવાબદાર રહ્યા છે.

અમેરિકામાં મોંઘવારી ધીમી પડતા આવતા દિવસોમાં વ્યાજદર ઘટવાની ગણતરી વ્યકત થઇ રહી છે તેના કારણે ભાવ વધારો થવા લાગ્યો છે.  બુલીયન માર્કેટના નિષ્ણાંતો ઘણા લાંબા વખતથી સોના-ચાંદીમાં મોટી તેજી થવાની અપેક્ષા રાખી જ રહ્યા હતા.

સોનાની તેજી પાછળ અમેરિકાનો વ્યાજદર ઘટાડો ઉપરાંત ભારત સહિતના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા લાંબા વખત થઇ રહેલી જંગી ખરીદી પણ જવાબદાર ગણવામાં આવી રહી છે. રીઝર્વ બેંકના તાજેતરના રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં રીઝર્વ બેંક પાસે સોનાનો સ્ટોક 40 ટકા વધ્યો છે. તેના આધારે જ સેન્ટ્રલ બેંકો દ્વારા થતી સોનાની ખરીદીનો અંદાજ નીકળી જાય છે.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચાંદીનો ભાવ હવે ટુંકાગાળામાં 1,00,000ની  સપાટીએ આંબી જવાની શકયતા છે. આ જ રીતે સોનાનો ભાવ પણ રૂા.80,000ને પાર થઇ શકે છે. વિશ્વસ્તરે ભૌગોલિક ટેન્શન ઉપરાંત અર્થતંત્રમાં થઇ રહેલા મોટા બદલાવ જેવા કારણો બંને કિંમતી ચીજોમાં તેજી આગળ ધપાવી શકે છે. સોનાના ધરખમ ઉંચા ભાવને કારણે રીટેલ માર્કેટમાં કેટલાક વખતથી ખરીદીને મોટો ફટકો પડયો જ છે. ભાવ વધારાનો દૌર ચાલુ રહેવાના સંજોગોમાં આવતા સમયમાં ડિમાન્ડને વધુ ઝટકો લાગી શકે છે.

ઝવેરીના કહેવા પ્રમાણે તાજેતરમાં અક્ષય તૃતિયાના પવિત્ર દિવસની સોનાની ખરીદીમાં અસર માલુમ પડી જ હતી. ગત વર્ષની સરખામણીએ સોનામાં માત્ર ત્રીજા ભાગની ખરીદી થઇ હતી. જે પાછળનું કારણ ઉંચા ભાવનું જ હતું. હજુ  ભાવો વધી જ રહ્યા છે અને આવતા દિવસોમાં વધુ તેજી થવાની ગણતરી રાખવામાં આવતી હોવાથી ખરીદીને વધુ  બ્રેક લાગી શકે છે.

જોકે હવે ટુંકાગાળામાં કોઇ મોટો લગ્નગાળો કે તહેવારોની સિઝન આવવાની નથી. સામાન્ય વર્ષોમાં પણ ચોમાસા વખતે ઝવેરી માર્કેટમાં ડલ સિઝન ગણાતી હોય છે. હવે શ્રાવણ અને નવરાત્રી, દિવાળીના દિવસોમાં જ મોટી ઘરાકી રહે છે અને ત્યાં સુધીમાં ભાવ સપાટી કેવી રહે છે તેના પર ભવિષ્યની ખરીદીનો આધાર રહેશે.

error: Content is protected !!