જૂનાગઢમાં ચમરબંધીની પણ શેહશરમ ન રાખે તેવા નેતા અને અધિકારી જાેઈએ છે

0

મુખ્યમંત્રીએ વોંકળાના દબાણો દુર કરવા ૩ વખત કહયું હોવા છતાં માત્ર ઝુંપડા તોડીને દબાણ હટાવવાની કામગીરી અટકાવી દેનારા કોઈની જનતાને જરૂર નથી!


જૂનાગઢ શહેરના ભાગ્ય કહો કે કરમ કઠણાઈ, અહીં પ્રજાના અનેક કામો અટકેલા રહયા છે. વિકાસના કામો મોટાભાગે આડેધડ થતા હોવાથી પુરાવા સહિતની ફરીયાદો ઉઠવા પામી છે તો બીજીતરફ ગત વર્ષે જલ હોનારતની જે ઘટના બની હતી તેના એક માત્ર કારણમાં ચોખ્ખુંચટ તારણ વોકળા ઉપરના ગેરકાયદેસર બાંધકામોના ખડકલા થયેલા છે અને તેના કારણે જૂનાગઢ ભયંકર આપતિમાં ઘેરાયું હતું અને આ બાબતે ગુજરાતનાં મુખ્યમંત્રીને પણ રજુઆતો થઈ છે. મુખ્યમંત્રી ત્રણ વખત જૂનાગઢની મુલાકાતે આવી ગયા હતા. જેમાં પ્રથમ નવનિર્મીત ઉપરકોટ સહિતનાં લોકાર્પણનાં કાર્યક્રમમાં ત્યારબાદ ૧પમી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી માટે આ ઉપરાંત લોકસભાની ચુંટણીનાં અનુસંધાને આમ સતત ત્રણ વખત મુખ્યમંત્રી જૂનાગઢ આવેલ અને જૂનાગઢની જનતાના પ્રશ્નો તેમજ સમસ્યાઓ હલ કરવા અને ખાસ કરીને વોકળાના દબાણો દુર કરવામાં આવશે તેવું ચોખ્ખું કહયું હોવા છતાં વોકળાના દબાણો એટલે કે ગેરકાયદેસર મોટા માથાઓમાં બાંધકામો આજની તારીખે યથાવત છે અને દબાણના નામે નાના માણસોનાં ઝુંપડા તોડી નાખવામાં આવે છે તો કયારેક રસ્તા ઉપર નાના માણસોની લારી, રેકડીઓને હટાવી દંડ ફટકારવામાં આવે છે. જયારે નાના માણસોને મનપા તંત્ર હેરાન કરે છે પરંતુ વગધારીઓને તો કાંઈ કહી શકાતું નથી.
આ ઉપરાંત મનપા તંત્ર સામે લોકોમાંથી અનેક ફરીયાદો રહેલી છે. જૂનાગઢ શહેરમાં પણ ક્ષતિઓ વાળા ગેમ ઝોન ઘણા સમયથી ચાલતા હતા જે હમણા સીલ કરવામાં આવ્યા છે. જયારે અનેક બિલ્ડીંગોમાં ફાયર એનઓસી છે જ નહીં તેવી પણ ચોંકાવનારી વિગતોની ચર્ચા થાય છે. જૂનાગઢમાં બોગસ એનઓસી પ્રકરણ પણ ગાજી રહયું છે. આમ ‘પોપાબાઈના રાજ’ની માફક ઘણાં કૌભાંડો મનપામાં ચાલી રહયા છે.
મનપાના કેટલાક વિભાગોનું સઘન ચેકીંગ કરવામાં આવે તો ખળભળાટ મચી જાય તેમ છે. આ ઉપરાંત પદાધિકારીઓની ગાડીઓના ફેરાની લોગબુક અંગે તપાસ થાય તો પણ ઘણી જ ચોંકાવનારી વિગત બહાર આવે તેમ છે. ટુંકમાં જૂનાગઢ વાસીઓને માથે થોપી બેસાડેલા કહેવાતા પદાધિકારીઓ પ્રજાના કોઈ કામમાં ભલીવાર દેખાડી શકયા નથી અને જેનો પડઘો પણ આગામી મનપાની ચુંટણીમાં પડશે જ તેવું જનમાનસ છે.
જૂનાગઢને જાેઈએ છે નિષ્ઠાવાન નેતા અને અધિકારી
જૂનાગઢ શહેરની જનતાને પ્રાથમિક સુવિધાના પ્રશ્ને, વિકાસના પ્રશ્ને તેમજ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને એવા નેતા અને અધિકારી જાેઈએ છે કે જેમની નિષ્ઠાવાન કામગીરીને કારણે તેમના સામે કોઈપણ ફરીયાદ ન રહે.
અહીં એક બાબત ખાસ નોંધવાની જરૂર છે અને યાદ આપવી જ રહી કે ગુજરાતની ગાદી ઉપર તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જે સમયે કેશુભાઈ પટેલ બિરાજમાન હતા ત્યારે રાજકોટના શાપર વેરાવળ પાસે એક કારખાનાનાં ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં તેઓને આમંત્રણ મળ્યું હતું. ત્યારે પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે આ કારખાનાને લાયસન્સ છે કે નહીં તેની તપાસ કરાવી હતી અને કારખાનાને લાયસન્સ મળ્યા બાદ ઉદ્‌ઘાટન સમારોહમાં આવ્યા હતા. જયારે બીજા એક અધિકારી એટલે કે તત્કાલીન રાજકોટનાં કમિશ્નર જગદીશનને કાલાવડ રોડ ઉપરની એક હોટલનાં ઉદ્‌ઘાટન સમારોહમાં હાજરી આપવાની હતી ત્યારે કમિશ્નર જગદીશન ત્યાં ગયા અને તે વખતે તેમને લાગ્યું કે અહીં દબાણ થયેલું છે જેથી તાત્કાલીક મામલતદાર પાસે નોટીસ ફટકારી અને દંડ વસુલ કર્યો હતો અને આજે પણ રાજકોટ વાસીઓ કેશુભાઈ પટેલ અને જગદીશનને યાદ કરે છે. જૂનાગઢને પણ આવા નેતા અને આવા અધિકારીની ખાસ જરૂર છે તેમ
નથી લાગતું?

error: Content is protected !!