જૂનાગઢમાં છાયા બજારમાં બેકાબુ કારે અનેક વાહનોને ઉડાડયા : દોડધામ મચી

0

જૂનાગઢ શહેરની છાયા બજારમાં અચાનક એક બેકાબુ કાર ચાલકે આઠથી દશ વાહનોને ટક્કર મારતા બે લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સાંકડી ગલી હોય અને બજારમાં લોકોની સતત અવર-જવર હોવાને લીધે મોટા વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવી રસ્તો એક માર્ગિય કરવા વેપારીઓએ માંગ કરી છે. પોલીસે ઘટનાને પગલે સ્થળ ઉપરથી કાર ચાલકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરના અતિ ગીચ વિસ્તાર ધરાવતા છાયા બજાર વિસ્તારમાં એક બેકાબુ કાર ઘુસી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કાર ચાલકે બેફિકરાયથી હંકારતા રસ્તામાં આઠથી દશ જેટલા વાહનોને હડફેટે લીધા અને બે લોકોને ઈજા પહોંચાડતા હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવને પગલે પોલીસે કાર ચાલકને ઝડપી પાડી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન આ વિસ્તારમાં બજારમાં મહિલાઓ અને બાળકો સાથે પરિવાર ખરીદી કરવા આવતો હોય અને સતત અવર-જવર રહેતી હોય તેવી આ બજારમાં આવી ઘટના બનતા લોકોએ ભારે રોષ વ્યકત કર્યો હતો. દરમ્યાન મોડેથી પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર આ લખાય છે ત્યારે બેકાબુ બનેલી કારના ચાલક વિરૂધ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી અને સમાધાન થયું હોવાનું જાણવા મળે છે. દરમ્યાન લોકોમાં આ બનાવથી તીવ્ર રોષની લાગણી ફેલાયેલી છે અને એટલું જ નહી શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર-નવાર બનતા આવા બનાવો ફરીવાર ન બને તે માટે કડક કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી રહી છે અને મોટા વાહનો ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરવામાં આવી છે.

error: Content is protected !!