આજથી જૂનાગઢ જીલ્લાની ૧પ૮પ શાળાઓ ખુલ્લી : આરટીઓનું સવારથી વાહન ચેકિંગ શરૂ

0

સમગ્ર રાજયમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજથી તમામ શાળઓમાં શૈક્ષણીક કાર્ય શરૂ થયું છે. ત્યારે જૂનાગઢ જીલ્લામાં પણ આવેલી કુલ ૧પ૮પ શાળાઓ ખુલી છે અને આશરે ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ શાળાએ આવશે. વેકેશન દરમ્યાન જે રીતે રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બની તેને ધ્યાને લઈને રાજય સરકારે ફાયર સેફટીને લઈને તપાસના આદેશ ફાયર સેફટીને લઈને તપાસના આદેશ આપ્યા હતા. તેમાય ખાસ કરીને શાળામાં ચાલતા સ્કૂલ વાહનોની ચકાસણી કરવાનો દરેક આરટીઓને આદેશ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયએ કહ્યું કે, જીલ્લામાં કુલ ૧પ૮પ શાળાઓ આવેલી છે. જેમાં ૧૧૬૬ પ્રાથમિક શાળાઓ અને ૪૧૬ ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે. જેને લઈને જૂનાગઢ જીલ્લા આરટીઓ કચેરી પણ વેકેશન દરમ્યાન સ્કૂલ વાહન ચાલકો અને શાળા સંચાલકો સાથે ફાયર સેફટી અને સરકારના નિયમો અંગે વાકેફ કરીને તેનું પાલન કરવા સુચના આપી હતી. તેમજ સમયાંતરે બેઠકો કરી હતી. સરકારના આદેશ અનુસાર આજથી તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જીલ્લા આરટીઓ અધિકારી પંચાલએ કહ્યું કે, આજથી સવારથી શાળા શરૂ થવા સમયે અને છુટવા સમયે અલગ-અલગ ઈન્સ્પેકટરની ટીમ વાહન ચેકિંગ કરશે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ-મુસાફરોનું પરિવહન કરતા વાહનોમાં ફિટનેશ સર્ટીફિકેટ, પીયુસી, પરમીટ, લાયસન્સ, ફાયર સેફટી અંગેની પૂર્તતા ચકાસવામાં આવશે. તેમજ ટેકસી ઈન્સ્યોરન્સ, વાહનની સ્પીડ, વાહનમાં દફતર બહાર નહી લટકાવવા, પ્રાથમિક સારવારની કીટ, વાહનના દરવાજા લોક કરવા, સ્કૂલ વાહનની આગળ પાછળ લાલ અક્ષરે સ્કૂલ વાન ફરજીયાત લખવું સહિતના નિયમો અંગે ચકાસણી કરવામાં આવશે. સાથે રોડ સેફટીને લઈને પણ આરટીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે. તો બીજી તરફ ગેમઝોનની ઘટનાને લઈને જૂનાગઢ મહાપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે શહેરની શાળાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં ૧૦૦ જેટલી શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસ કરીને ફાયર એનઓસી પૂર્ણ થયેલી ર૦ શાળાઓમાં ફાયર શાખા દ્વારા તાલીમ આપવામાં આવી છે અને ફાયર એનઓસી રિન્યુ કરવા તાકીદ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં ૪૩ જેટલા ટયુશન કલાસીસને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં સ્કૂલમાં ચાલતા ખાનગી વાહનોના ચાલકો સરકારના કડક વલણથી અવઢવમાં મુકાયા છે. કારણ કે, મોટાભાગના વાહન ચાલકો પાસે ટેકસી પાસીંગ નથી જેથી ચેકિંગમાં તેમને દંડ થવાની કે વાહન ડીટેઈન થવાનો ડર છે. જેથી શહેરમાં આવેલા આશરે ૧૦૦૦ જેટલા સ્કૂલ વાહનો જેમાં સ્કૂલ રિક્ષા, મેજીક, વાનનો સમાવેશ થાય છે. તેમના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને તેમને સમય આપીને છુટછાટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ તમામ સ્કૂલ વાહન ચાલકોની એક બેઠક મળી હતી જેમાં મોટાભાગના વાહન ચાલકો બંધ રહે તેવી પણ શકયતાઓ સેવાઈ રહી છે.

error: Content is protected !!