જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ૧ દિવસમાં શાકભાજીની આવક ૧૦૧ ક્વિન્ટલ ઘટી

0

આવક ઘટતા યાર્ડ કરતા બજારમાં ભાવમાં વધારો

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા બજારમાં વેચાતા શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. યાર્ડ કરતા બજારમાં શાકભાજીના ભાવમાં ૫૦ ટકા કરતા વધુનો વધારો જાેવા મળી રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. હાલમાં ઉનાળાની ઋતુના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોમવાર ઉઘડતી બજારે ૩૨૯ ક્વિન્ટલ શાકભાજીની આવક થઇ હતી. જ્યારે મંગળવાર ૧૦૧ ક્વિન્ટલ ઘટીને આવક ૨૨૮ ક્વિન્ટલ થઇ ગઇ હતી. આમ, એક જ દિવસમાં યાર્ડમાં શાકભાજીની આવક ૩૧ ટકા ઘટી હતી. આવક ઘટતાં અને માંગ એટલી જ રહેતા ભાવ આસમાને પહોંચ્યા છે. એક તરફ શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. બીજી તરફ સામાન્ય રીતે શાકભાજીના ભાવ વધતા હોય ત્યારે ગૃહિણીઓ શાકભાજીના બદલે કઠોળ તરફ વળતી હોય છે. જાેકે, હાલમાં કઠોળના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. ચણા સહિતના કઠોળ, તુવેરની દાળ વગેરેના ભાવમાં પણ ૧૦ ટકાનો વધારો થયો છે. આમ, શાકભાજી અને કઠોળ બન્નેના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ રહ્યું છે. દરમ્યાન માર્કેટિંગ યાર્ડના હરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, એક તો ઉનાળાની ઋતુના કારણે શાકભાજીની આવક ઘટી રહી છે. બીજું મહત્વનું કારણ એ છેકે, નજીકના સમયમાં જ ચોમાસાની ઋતુ આવવાની હોય ખેડૂતો વાવણી માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. પરિણામે ખેતરમાંથી શાકભાજીના છોડ ઉખેડી નાંખતા આવક ઘટી રહી છે. હવે મોટાભાગના ખેડૂતો વરસાદી ઋતુને લઇને મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાટે ખેતર તૈયાર કરી રહ્યા હોય શાકભાજીની આવક ઘટી રહી છે. યાર્ડમાં રીંગણાનો કીલોનો ભાવ ૨૫, ગુવારનો ભાવ ૯૦,લીંબુ ૬૦, ભીંડો ૪૦, કોબી ૧૫, ફ્લાવર ૨૦, ટમેટા ૩૦, લીલાવટાણા ૧૦૦, તુરીયા ૪૦, કારેલા ૪૦, દૂધી ૨૦, ગલકાં ૪૦ મરચા ૩૦નો ભાવ રહ્યો છે. જ્યારે બજારમાં કિલોનો ભાવ રીંગણા ૪૦થી ૬૦, ગુવાર ૧૨૦થી ૧૬૦, લીંબુ ૮૦થી ૧૨૦, ભીંડો ૬૦ થી ૮૦, કોબી ૪૦ થી ૬૦, ફ્લાવર ૪૦ થી ૬૦, ટમેટાં ૬૦ થી ૮૦, લીલા વટાણાં ૧૬૦થી ૧૮૦, તુરીયા ૬૦ થી ૮૦, કારેલા ૬૦ થી ૮૦, દૂધી ૪૦ થી ૬૦, ગલકાં ૬૦થી ૮૦ અને મરચાનો ભાવ કિલોનો ૮૦ થી ૧૨૦નો રહ્યો છે. યાર્ડમાં લીલાવટાણા, રીંગણા, ગુવાર, ભીંડો, તુરીયા, કારેલા, દૂધી, ગાજર, ગલકા, કોબી, ટમેટાં, મરચા, લીંબુ, ફ્લાવર વગેરે શાકભાજીની આવક સોમવારે ૩૨૯ ક્વિન્ટલ થઇ હતી જે મંગળવારે ૨૨૮ ક્વિન્ટલ થઇ હતી. આમ, એક જ દિવસમાં ૩૧ ટકા આવક ઘટી હતી. જાેકે, સોમવારે માત્ર ૧૦ ટકા આવક વધી હતી જેમાં મોટાભાગે કોબી, ભીંડા અને ટમેટાની આવક વધી હતી.

error: Content is protected !!