જૂનાગઢ સહિત સોરઠમાં બુધવારે તાપમાનનો પારો ૩૯ ડિગ્રીની નીચે ઉતરી જવા છતાં બફારોથી લોકો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. શુક્રવારથી રાત્રિનું શરૂ થયેલું ૩૦ ડિગ્રી સતત ૫માં દિવસે એટલે કે મંગળવારની રાત્રે પણ ૩૦.૪ ડિગ્રી નોંધાયું હતું. રાત્રિનું તાપમાન ઓછું થતું ન હોય સવારે લઘુતમ તાપમાનનો પારો પણ યથાવત રહેવા પામ્યો છે. બુધવારની સવારે લઘુતમ તાપમાન ૨૮.૫ ડિગ્રી રહ્યું હતું અને વાતાવરણમાં ભેજ ૭૬ ટકા રહ્યો હતો. આમ વરસાદની પ્રતિક્ષા વચ્ચે બુધવારની બપોરે મહતમ તાપમાન ઘટીને ૩૮.૯ ડિગ્રી થઈ ગયું હતું. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા રહ્યું હતું જેના પરિણામે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. બીજી તરફ હજુ ચોમાસુ શરૂ થવાની શક્યતા નથી. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે પરંતુ સૌરાષ્ટ્રવાસીઓએ ચોમાસાની ગતિ મંદ પડી ગઈ હોવાથી વરસાદની રાહ જાેવી પડશે અને ૩૮થી ૩૯ ડિગ્રી તાપમાન અને બફારોનો લોકોએ સામનો કરવો પડશે.