લેક્ચરર પાસેથી ૧૪ લાખ પડાવનાર વડોદરાની મહિલા સહિત બે ઝડપાયા

0

ડ્રગ્સના પાર્સલમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે તેમ કહીને ઘરમાં ગોંધી રાખી પૈસા પડવ્યા હતા

 

જૂનાગઢની સરકારી આયુર્વેદ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા મૂળ પશ્ચિમ બંગાળના વતની અમિતાભ અનાથ માપદારને થોડા દિવસો પૂર્વે અજાણ્યા શખ્સોએ કસ્ટમ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી મુંબઈથી તાઇવાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે, જેમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે અને આપને ૯૦ દિવસની જેલ થવાની છે એમ કહીને ડરાવ્યા બાદ સ્કાઇપી એપ ડાઉનલોડ કરાવી ૬ દિવસ સુધી કેમેરા સામે ઓનલાઈન વિડીયો ચાલુ રાખી દંપતીને તેમના ઘરમાં ગોંધી રાખ્યા હતા. બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી તેમના બેંક એકાઉન્ટમાંથી ૧૪.૧૮ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતાં બનાવની ગંભીરતા જાેઈ જૂનાગઢ સાયબર પોલીસે તમામ તાકાત લગાવીને વડોદરાની એક મહિલા અને એક પુરૂષની ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બનાવની વિગતો મુજબ થોડા દિવસો પૂર્વે શહેરની સરકારી આયુર્વેદ કોલેજમાં ફરજ બજાવતા કર્મચારી અમિતાભ અનાથ માપદારને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં જાણે વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરતા તેમને કહ્યું હતું કે પોતે કસ્ટમ ઓફિસર છે અને તેઓએ મુંબઈથી તાઇવાન જે પાર્સલ મોકલ્યું છે તેમાં ક્રેડિટ કાર્ડ, ૩૫ હજાર રૂપિયા રોકડા, કપડા અને ડ્રગ્સ અમારી તપાસમાં મળી આવ્યું છે. જેમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયેલો છે. આથી કોલેજ કર્મચારી ગભરાઈ ગયા હતા. જે બાદ ફોન કરનાર વ્યક્તિએ તેમનો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી સાથે સંપર્ક કરાવી આપું છું તેમ કહી અન્ય વ્યક્તિ સાથે વાત કરાવી હતી. જે વ્યક્તિએ પણ તેમને જ્યાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી તમારે તથા તમારા ફેમિલી એ વીડિયો કોલમાં ઓનલાઈન રહેવું પડશે. તેમ કહી સ્કાઈપી એપ ડાઉનલોડ કરાવી સતત તેમને ૬ દિવસ કેમેરા સામે ઓનલાઇન રાખી કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી ગોંધી રાખ્યા હતા. જે બાદ અજાણ્યા વ્યક્તિઓએ જૂનાગઢના દંપતીને આધાર કાર્ડ બતાવી તેનો ઉપયોગ કર્ણાટક અને ગોવામાં થયો છે. જેના આધારે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે અને ગેરકાયદેસર રીતે વિદેશમાં રૂપિયા મોકલ્યા છે. તમે કેસમાં સામે જાે તેવા પુરાવા મળ્યા છે. તમને ૯૦ દિવસ જેલમાં રહેવું પડશે તેમ કહી ડરાવ્યા હતાં અને તેમની પાસેથી ૧૪.૧૮ લાખની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી. જેથી તેઓએ પરિવારના સભ્યોને જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ વડોદરામાં અહેમદ પાર્ક, રામપાર્ક સોસાયટી, આજવા રોડ વિસ્તારમાં રહેતો ફૈયાઝ અસગર રાજકોટવાલા અને શ્રીકુંજ ગ્રીન સોસાયટી, લક્ષ્મીપુરા, ન્યુ અલકાપુરી વડોદરાની રચના વિહંગભાઈ ગાંધીને ઝડપી લઇ વધુ તપાસ માટે બંનેને ૨ દિવસનાં રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે. આરોપી ફૈયાઝ અને રચના પાસેથી પોલીસે જુદા જુદા બે આઈએમઈઆઈ નંબર ધરાવતા આઇ ફોન સહિત ત્રણ મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા છે. આ મોબાઇલના નંબર વગેરે મુદ્દે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. લેક્ચરર અમિતાભ અનાથ માપદાર સાથેની નાણાકીય છેતરપિંડી આચરવા માટે ફૈયાઝ રાજકોટવાલા અને રચના ગાંધીએ યસ બેંક, ઇન્ડુસિન્ડ બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. આ બેંક એકાઉન્ટ વિરૂધ્ધ નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર કુલ ૧૧૮ જેટલી ફરિયાદ નોંધાવી હોવાનું પોલીસ તપાસ દરમ્યાન માલુમ પડ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

error: Content is protected !!