ટેમ્પરી સર્વિસ રોડ આપવા સહિતની વિવિધ માંગણીઓ અંતર્ગત તંત્રને અપાયું આવેદનપત્ર
જૂનાગઢ તા.૧૭
જૂનાગઢ વિકાસ સમિતિનાં અધ્યક્ષ ભાવેશ વેકરીયા અને કાર્યકતાઓએ એક આવેદનપત્ર ગઈકાલે સંબંધિત તંત્રને આપી અને હાલ જૂના બાયપાસની કામગીરી ચાલી રહી છે ત્યારે પડતી મુશ્કેલી નિવારવાની માંગણી કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં વધુમાં જણાવેલ છે કે જૂનાગઢ બાયપાસનું સમારકામ ચાલુ હોય અને બાયપાસ રોડ ખોદી નાખવામાં આવેલ હોય જેથી જાષીપરા-ખલીલપુર, ઝાંઝરડા, ખામધ્રોળ, સરગવાડા ગામમાં અગણીત ખેડુતો, બાયપાસ રોડના કારણે રોડ ઉપર આવેલ અગણીત કારખાના, સ્કુલો, પેટ્રોલપંપો, ખેતરો અને પાર્ટી પ્લોટને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. બાળકોને આવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે. પાર્ટીપ્લોટમાં પ્રસંગોને ઉજવવાનાં ખુબ હાડ મારી થઈ રહી છે. પેટ્રોલપંપ અને કારખાનાનો ધંધો સાવ ચોપાટ થઈ રહ્યો છે તેમજ ખેડૂતો પોતાનાં ખેતરોમાંથી જણશ (ખેત ઉત્પાદન) લઈ જવા અને લાવવા માટે ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ તમામ મુશ્કેલી લોકો વેઠી રહ્યાં છે ત્યારે જૂનાગઢ વિકાસ સમિતિ દ્વારા આવેદનપત્રમાં માંગણી કરતાં જણાવેલ છે કે અમને ટેમ્પરી સર્વિસ રોડ આપવો, ઝાંઝરડા, જાષીપુરા, ખામધ્રોળ અને સરગવાડાનાં રોડ ક્રોસિંગ ચાલુ રાખવા. આ ઉપરાંત રોડનું કામ દિવસ-રાત ચાલુ રાખી વ્હેલીતકે પૂર્ણ કરવું, ખેડુતો કારખાનાં-સ્કુલ સંચાલકો અને પાર્ટી પ્લોટને જે નુકશાન થઈ રહ્યું છે તેનું સરકાર દ્વારા વળતર આપવું. બાયપાસ રોડની કામગીરીમાં એક મોનીટરીગ કમિટીની રચના કરવી અને જેમાં અમોને સ્થાન આપવું. રોડનું લેવલ તેમજ ઢાળ યોગ્ય આપવા જેથી પાણીનો નિકાલ થાય અને રોડ તુટે નહીં એમ જણાવી વિશેષમાં જણાવ્યું હતું કે જૂનાગઢનાં વિકાસનાં અમે પણ આગ્રહી છીએ. બાયપાસ રોડએ ગામડાઓ માટે જૂનાગઢમાં આવવા-જવાની મુખ્ય કરોડરજ્જુ સમાન હોય આ રોડનું કામ પ્રમાણિકતાથી થાય અને લાંબા સમય સુધી રોડનું સમારકામ ન કરવું પડે તે રીતે કામગીરી કરવાની પણ રજુઆત કરવામાં આવી છે.