જૂનાગઢ અને સોરઠ પંથકની પ્રથમ હરોળની અને સુપર આરોગ્ય સેવા પુરી પાડતી ત્રિમૂર્તિ હોÂસ્પટલ કે જે જાણીતાં સર્જન ડો.ડી.પી.ચિખલીયાનાં વડપણ હેઠળ આ હોસ્પિટલ ખુબ જ સારી આરોગ્ય સેવા પુરી પાડી રહી છે. જૂનાગઢ સહિત આસપાસનાં જીલ્લાઓમાંથી પણ ઈમરજન્સી કેસો તેમજ દરેક પ્રકારનાં દર્દીઓ આ હોસ્પિટલમાં આવતાં હોય છે અને તેઓને યોગ્ય અને તાત્કાલિક સારવાર પુરી પાડવામાં આવતી હોય છે અને નવી જીંદગી બક્ષવામાં ત્રિમૂર્તિ હોસ્પિટલ નિમિત્ત બને છે આવી આ હોસ્પિટલને વર્તમાન સંજાગોમાં એટલે કે કોરોનાની બિમારીનો ગંભીર ખતરો સર્વત્ર તોળાઈ રહ્યો છે ત્યારે સાવચેતીનાં ભાગરૂપે અને એક સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવાનાં ભાગરૂપે જૂનાગઢ ત્રિમૂર્તિ હોસ્પિટલનાં વડા ડો.ડી.પી.ચિખલીયાએ ત્રિમૂર્તિ હોસ્પિટલને સરકારને કોરોના સ્પેશ્યલ માટે સોંપી દેવામાં આવી છે અને માનવતાભર્યા આ અભિગમને સર્વત્ર આવકારવામાં આવી રહેલ છે.
કોરોના સામેનું એક યુધ્ધ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર ચલાવી રહી છે અને સંભવિત કોરોનાના ખતરા સામે શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપવાની જ્યારે વાત છે અને કોરોનાનાં દર્દીઓને વધુ સારી આરોગ્ય સુવિધા મળી શકે તે અત્યંત જરૂરી છે. જૂનાગઢ બસ સ્ટેશન નજીક આવેલી ત્રિમૂર્તિ હોસ્પિટલ કે જે જાણીતાં સર્જન ડો.ડી.પી.ચિખલીયાનાં વડપણ હેઠળ કાર્યરત છે. આ હોસ્પિટલનાં આઈસીયુ યુનિટનાં એડમિનિસ્ટેટ્રર અને યુનિટ હેડ ડો.શૈલેષ જાદવ અને હોસ્પિટલનાં તમામ નિષ્ણાંત ડોકટરો અને કેળવાયેલાં સ્ટાફ દ્વારા પ્રશંસનીય આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. આ દરમ્યાન કોરોના સામેનાં આ યુધ્ધમાં સરકારે તબીબો પોતાની હોસ્પિટલ સરકારને કોરોનાનાં દર્દીઓ માટે આપવા માંગતા હોય તે માટેની એક અપીલ કરી હતી અને આ અપીલને માન આપી ડો.ડી.પી.ચિખલીયા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો અને ત્રિમૂર્તિ હોસ્પિટલ કોરોના માટે સરકારને સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં ડો.ડી.પી. ચિખલીયાએ જણાવ્યું હતું કે કોરોના સામેનાં ખતરા સામે તેમજ કોરોનાના દર્દીઓને સારવાર પુરી પાડવા તેમજ હાલનાં સંજાગોમાં સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવાનાં એક માત્ર ઉપદેશ સાથે અમોએ આ નિર્ણય લીધો છે. ત્રિમૂર્તિ હોસ્પિટલમાં હાલ ૧૩૦ બેડની સુવિધા છે તેમજ ૧ર જેટલાં આઈસીયુ યુનિટ છે. ચાર ઓપરેશન થિયેટર તેમજ ૩૦ હજાર સ્કેવર ફુટની જગ્યા ધરાવતી આ હોસ્પિટલ અદ્યતન સુવિધાથી સજ્જ છે. તમામ પ્રકારનાં આરોગ્ય માટેનાં સાધનો અહીં ઉપલબ્ધ છે. આ હોસ્પિટલને કોરોનાના દર્દીઓ માટે અને કોરોના કેસ માટે ઉપયોગમાં આવી શકે તે માટે સરકારને સોંપવામાં આવી છે અને જ્યાં સુધી કોરોના સામેની લડાઈ ખતમ નહીં થાય ત્યાં સુધી અમારી આ હોસ્પિટલમાં કોરોના કેસની જ કાર્યવાહી થશે. તબીબી નિષ્ણાંતો, નર્સીંગ સ્ટાફ તથા તબીબી ઉપકરણો સાથે એટલું જ નહીં હોસ્પિટલનાં નિષ્ણાંત તબીબો, સ્ટાફ, કોરોનાને લગતી જ કાર્યવાહી કરશે અને આરોગ્ય સેવા પુરી પાડશે. વિશેષમાં હાલ જે દર્દીઓ ત્રિમૂર્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે તે તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે તેમ ડો.ડી.પી.ચિખલીયાએ જણાવ્યું હતું.