ધંધા-રોજગાર બંધ છે તેવા સંજાગોમાં વિજ વપરાશ માટે ‘રાહત પેકેજ’ની જરૂર

0

એક તરફ ર૪મી માર્ચ મધ્યરાત્રીથી દેશભરમાં લોકડાઉન ર૧ દિવસ માટે જાહેર કરતાંની સાથે જ ‘ઘરબંધી’ની અમલવારી શરૂ થઈ છે. આવશ્યક સેવાઓને બાદ કરતાં લોકો મોટાભાગે ઘરમાં જ રહેતા હોવાનાં કારણે છેલ્લા કેટલાક દિવસો થયા ઈલેકટ્રીક ઉપકરણોનો વપરાશ સતત વધી રહયો છે. આવા સંજાગોમાં લોકોને માટે ખાસ વિજળીનું રાહત પેકેજ જાહેર કરવાની તાતી જરૂર છે. આ પ્રશ્ન એકલા જૂનાગઢ માટેનો નથી પરંતુ ગુજરાત વ્યાપી છે ત્યારે આ બાબતે સરકાર કોઈ રાહત જારી કરે તેવી લાગણી અને માંગણી પ્રવર્તી રહી છે.
કોરોનાં વાયરસનાં સંક્રમણને ખાળવા માટેના એકમાત્ર ઉપાય એટલે સંપૂર્ણ લોકડાઉન અને જેને સ્વીકારી ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન જારી કરી લોકોને લોકડાઉનમાં સંપૂર્ણ સહયોગ આપવાની કરેલી અપીલને માન આપી લોકો લોકડાઉનમાં સહયોગ આપી રહયા છે. આ લોકડાઉનમાં તમામ પ્રકારનાં ધંધા રોજગાર બંધ થતાં આર્થિક મંદીનું ચક્ર શરૂ થયું છે. આવશ્યક સેવાઓ ભલે ચાલુ રહી છે પરંતુ મોટાભાગનાં વ્યવસાય એટલે કે ટોપ ટુ બોટમ સુધીનાં વ્યવસાયો આજે બંધ છે. હજારો નહી લાખો લોકો બેરોજગારીનાં અજગર ભરડામાં પીસાયલા છે. ઘરમાં પડેલો રૂપિયો બહાર ન કાઢવાનું મન થાય તેવા સંજાગો છે. સરકારે ખાસ કરીને ગરીબ વર્ગનાં અને રોજેરોજનું કરી ખાતા જરૂરીયાતમંદોની ચિંતા કરી તેમને માટે એક માસનો અનાજ પુરવઠો રેશનાકર્ડની કેટેગરી પ્રમાણે આપવાની વ્યવસ્થા કરી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રાહત માટેનાં વિશેષ પેકેજ જુદા જુદા વર્ગ અને સમુદાય માટે જારી કરવામાં આવેલ છે તે ખુબ જ આવકારદાયક છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલનાં કટોકટીનાં સમયમાં પણ વિજ વપરાશકારોને પોતાનાં વિજ બીલ ભરવાની મુદત વધારી આપી છે એ બાબતને પણ લોકોએ વધાવી લીધી છે. પરંતુ એક અન્ય બાબતમાં રહેલું જે ‘સત્ય’ અને વાસ્વીકતા છે તેની તરફ પણ ધ્યાન દોરવાનો નાગરીકોનો નમ્ર પ્રયાસ છે અને તેની ઉપર પણ ધ્યાન આપવાની પણ ખાસ જરૂર છે.
લોકડાઉનની સ્થિતીમાં ધંધા, રોજગાર સહીતની તમામ પ્રવૃતિ હાલ બંધ છે. લોકો હાલ ઘરમાં જ રહે તેવી સ્થિતી છે અને તેનું પાલન પણ થાયછે. આવા સંજાગોમાં પરીવારનાં સભ્યો બધા જ ઘરમાં હાજર રહેતા હોય તેવા સમયે ખાવાપીવાથી લઈ ઘરેલું સોશ્યલ પ્રવૃતિ વધી જતી હોય છે. આ સાથે જ ઈલેકટ્રીક ઉપકરણો જેવા કે લાઈટ, એસી, ફ્રીઝ, પંખા, ઘરઘંટી, વોશીંગ મશીન, ટીવી જેવા ઉપકરણોનો વધુ પડતો વપરાશ થાય છે અને જેનાં કારણે વિજળીનો વપરાશ એક માસમાં કે દોઢ માસમાં સૌથી વધુ થનારો હોય તેનાં પ્રમાણમાં હાલ સ્થિતી એવી છે કે જૂનાગઢ સહીત ગુજરાતમાં ઘરે ઘર વિજ વપરાશ કેટલો વધ્યો છે તેની સ્થિતીની સમીક્ષા કરવામાં આવે તો છેલ્લા ૧૪ દિવસમાં ખુબ જ વધી ગયો છે. આ સાથે જ ઉનાળાનાં આ સમયમાં ગરમીનું પ્રમાણ પણ વધતું જાય છે. તા. ૧૧ એપ્રીલ માસથી હીટવેવ જેવી સ્થિતી રહેલી છે. આમ એક તરફ ગરમી બીજી તરફ લોકો વધુ સમય ઘરમાં જ ગાળતાં હોવાનાં કારણે વિજળીનાં ઉપકરણોનો વપરાશ વધ્યો છે. જેની સામે ધંધા, રોજગાર બંધ છે ત્યારે હાલનાં સંજાગો અનુસાર વિજ વપરાશકારોને અમુક સમય માટે સસ્તા દરે વિજળી મળે તે માટેનું વિજ રાહત પેકેજ જાહેર કરવાની માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!