કોરોના મહામારી સામે લડત ચાલુ રાખી પ્રજાને બચાવવા રાજય સરકાર અનેકવિધ પ્રજાહિતના કાર્યો કરી રહી છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા વહીવટી સહિતના તમામ વિભાગો આગોતરૂ આયોજન કરવાની સાથે સરકારની સુચના મુજબના તમામ કાર્યો કરી રહયા છે. દરમ્યાન જીલ્લાના પ્રભારી સચીવ જે.પી. ગુપ્તા જીલ્લા મથક વેરાવળ આવી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સચીવ ગુપ્તાએ જીલ્લા મથકમાં કોવીડ-૧૯ની બે હોસ્પીટલોની અને તેમાં સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓની માહિતી મેળવી જરૂરી સુચનાઓ આપી હતી. ત્યારબાદ સરકારની સુચનાથી વેરાવળની સીવીલ અને એક ખાનગી બિરલા હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની સઘન સારવાર થઇ શકે તે માટે કોવીડ-૧૯ હોસ્પીટલ તરીકે કાર્યરત કરી છે. આ બંન્ને હોસ્પીટલોની પ્રભારી સચીવ જે.પી. ગુપ્તાએ કલેકટર અજયપ્રકાશ સહિતના સાથે મુલાકાત લીધી હતી. બંનને હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓને કઈ રીતે સારવાર આપવામાં આવી રહી છે તેની જાણકારી માંગતા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતા, બિરલા હોસ્પીટલના ડો. રાજુભાઇ ક્રિષ્નાનીએ માહિતી આપતા જણાવેલ કે, સીવીલમાં ૧૦૦ બેડ અને બિરલામાં ૫૦ બેડની વ્યવસ્થા ઉભી કરાયેલ છે. હોસ્પીટલોમાં કોરોના દર્દી માટે વેન્ટીલેટર્સ, ડિઝીટલ એક્સ-રે મશીન, પોર્ટેબલ એક્સ-રે જેવા આધુનિક સાધનો સતત કાર્યરત રાખી સારવાર આપી શકાય તેવી વ્યવસ્થાઓ છે. આ ઉપરાંત સામાન્ય ફ્લુ અને ઓપીડી ચલાવવા માટે પુરતા સાધનો, દવા પણ ઉપલબ્ધ છે. આમ, ગીર સોમનાથ જીલ્લા મથકમાં કોવીડ-૧૯ સામે લડવા માટે સરકારની સુચનાથી જીલ્લા તંત્રએ કરેલ આયોજન-કામગીરી અંગે પ્રભારી સચીવ ગુપ્તાએ સંતોષ વ્યકત કર્યો હતો. આ મુલાકાત સમયે આરોગ્યના નાયબ નિયામક ડો. પટ્ટીવાલા, ડીડીઓ ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટર જે.એસ. પ્રજાપતિ, કોરોના નોડલ અધિકારી ડો. નિમાવત, સિવિલ સર્જન ડો. જીજ્ઞેશ પરમાર સહિતના હાજર રહ્યા હતા.