જૂનાગઢ સહીત ગુજરાતનાં ખેડુતોને પાક ધિરાણ મુદ્દે સહી કરી નવા-જુની કરી આપવા મુખ્યમંત્રીને રજુઆત

0

આપણામાં એક કહેવત છે કે, વારસાગત સંસ્કારો અને સેવા પારાયણની ભાવનાથી દરેક માનવી પુલંકિત હોય છે અને જયારે પણ અવસર આવે છે ત્યારે લોકો પોતાનામાં રહેલી સેવાકીય ભાવનાને ઉજાગર કરતાં હોય છે. બસ આવું જ વિસાવદર, બિલખા અને ભેંસાણ વિસ્તારનાં કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા અને તેમનાં ધર્મપત્ની નિશાબેન રીબડીયા અને પરિવારજનો દ્વારા સેવાની અને પારાયણતાની જ્યોત પ્રગટાવવામાં આવી રહી છે કોરોનાનાં સંકટ સમયનાં કાળમાં આ પરિવાર દ્વારા કરવામાં આવતી સેવાની કામગીરીની સર્વત્ર નોંધ લેવાઈ રહી છે દરમ્યાન વિસાવદર, બિલખા, ભેંસાણ મત વિસ્તારનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અને વિધાનસભા વિરોધપક્ષનાં ઉપદંડક હર્ષદભાઈ રીબડીયાએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને ખેડુતોને પાક ધિરાણ અંગેનાં પ્રશ્ને તાત્કાલિક અસરથી નિર્ણય લઈ અને તેઓને સહાયભૂત બનવા તેમજ હાલનાં સમયમાં ખેડુતોને માત્ર સહિ કરાવીને નવા-જુની લોન રીન્યુ કરી દેવાની વિનંતી સાથે ગુજરાત સરકાર સમક્ષ માંગણી વ્યકત કરી છે.  હાલ જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાની મહામારીનો ગંભીર સંકટ કાળ ચાલી રહ્યો છે અને લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે આ લોકડાઉનને કારણે જૂનાગઢ સહિત ગુજરાતભરનાં દરેક વર્ગનાં લોકોને ખાસ કરીને જરૂરીયાતમંદ અને ગરીબવર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સાથે-સાથે જગતનો તાત એવા ખેડુત વર્ગને માટે પણ મુશ્કેલીનો પહાડ તુટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાણી છે. ખેડુત વર્ગ માટે હાલ સિઝન છે અને તેઓને વિવિધ બેંકોમાં, સહકારી મંડળીઓમાં નવા-જુની લોનની (ભરપાઈ કરીને ઉપાડવા)નો સમય છે પરંતુ સમગ્ર દેશ અને રાજય કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યાં છે અને લોકડાઉન અમલમાં છે તેવા સંજાગોમાં જગતનાં તાત ખેડુત પાસે ગઈ સિઝનનો પાક તૈયાર છે અને પોતાનાં ઘરે પડેલો છે તેનું વેંચાણ થઈ શકે તેમ નથી અને હાલ ખેડુતોની પાસે કૃષિ ઉપજ હોવા છતાં છતી ઉપજે પેટનો ખાડો પુરવાની પણ મુશ્કેલી છે ત્યારે હાલમાં ખેડુતોને પોતાનું પાક ધિરાણ નવા-જુનું રીન્યુ કરવાનો સમય છે એવા સંજાગોમાં સરકાર પાસે ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ રજુઆત સાથે માંગણી કરી છે કે તાત્કાલિક સહાયરૂપ બનવું જાઈએ. રાજયનાં ખેડુતો પાસે ગત વર્ષની ખેત ઉત્પાદનની જણસ પોતાનાં ઘરમાં જ પડી હોય ત્યારે આ સ્થિતિમાં પાક ધિરાણનું નવા-જુનું ધિરાણ રીટર્ન ભરી શકે તેમ નથી. તેટલું જ નહીં પાક ધિરાણ નવા-જુની કરવાનાં કામ માટે ૭/૧ર અને ૮-અનાં ઉતારાની નકલોની જરૂર પડશે. આ ઉપરાંત પાક ધિરાણ માટે નવા-જુની કરવા અંગે ખેડુતોને માત્ર એક કે બે દિવસ માટે પૈસાની વ્યવસ્થા પણ કરવી પડશે અને તેનાં માટે આ ખેડુત જયાંથી મળે ત્યાંથી વ્યાજની રકમ ઉભી કરી અને આ પૈસા ભરપાઈ કરશે. એક દિવસ પુરતાં જ ઉછીનાં લીધેલા પૈસા માટે ખેડુતને ઉચું વ્યાજ ચુકવવું પડતું હોવાની ફરીયાદ પણ વિસાવદર-ભેંસાણ મત વિસ્તારનાં હર્ષદભાઈ રીબડીયાએ આ પત્રમાં રજુ કરી છે. ૭/૧ર અને ૮-અનાં દાખલાં કઢાવવા માટે પણ ઈ-ધારાની શાખાઓ પણ બંધ છે અને ૩ મે બાદ જા આ શાખાઓ ખુલશે તો ખેડુતોની લાંબી લાઈનો લાગશે અને જેનાં કારણે સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાશે નહીં. જેથી હાલનાં સંજાગોને ધ્યાને લઈ ખેડુતોને પાક ધિરાણ અને લોન અંગેની બાબતનું નવા-જુની કરવા માટે જે-તે બેંક અને સહકારી મંડળીઓ ખેડુત વર્ગ પાસેથી સહીઓ મેળવી લઈ અને નવાં-જુનું ધિરાણ કરી આપે તેવી વ્યવસ્થા કરી આપવાની લાગણી અને માંગણી ગુજરાતભરનાં ખેડુતો વતી હર્ષદભાઈ રીબડીયાએ કરી છે અને સરકાર સમક્ષ આ બાબતે તાત્કાલિક અસરથી યોગ્ય થશે તેવી અપેક્ષા પણ રાખી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર-બિલખા અને ભેંસાણ મત વિસ્તારનાં કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાની વિધાનસભ્ય તરીકેની આ બીજી ઈનિંગ છે તેઓનાં ધારાસભ્ય તરીકેનાં પદ સંભાળ્યા બાદ તેઓનાં મત વિસ્તારનાં આમ પ્રજાનાં કોઈપણ પ્રશ્નો હોય, ખેડુતોનાં પ્રશ્નો હોય તો તેઓ અડધી રાત્રે પણ રજુઆત કરવા માટે દોડી જતાં હોય છે અને જ્યાં જરૂર પડે ત્યાં અસરકારક રજુઆતો પણ કરે છે એટલું જ નહીં વિસાવદર-બિલખા અને ભેંસાણ મત વિસ્તારમાં આવેલાં સામુહિક આરોગ્ય કેન્દ્રને જયારે પણ જરૂર પડી છે ત્યારે જાઈએ તેટલી ગ્રાન્ટ પુરી પાડી છે અને પુરી પાડતાં રહેશે તેવી માહિતી સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં હર્ષદભાઈ રીબડીયાએ આપી છે.
આ ઉપરાંત ખેડુતોનાં કોઈપણ પ્રશ્ને પછી તે મગફળીનો હોય, તુવેરદાળનો હોય કે ચણાદાળનો હર્ષદભાઈ રીબડીયા અને તેમની ટીમ દ્વારા અવારનવાર જનતા રેઈડ પણ પાડવામાં આવી છે અને કૌભાંડો પણ ખુલ્લા પાડવામાં આવેલ છે. એક બીજી બાબતની પણ આ તકે નોંધ આપવી જ રહી, અગાઉ નવાબી શાસનકાળ દરમ્યાન પણ વિસાવદર મહાલનાં પટેલ શ્રી ફુલ્લા ધના તથા તાલાલાનાં આંકોલવાડીનાં વાજસુરભાઈ બોરીચા ખેડુતનાં પ્રતિનિધીઓ અને પટેલ હતા અને જૂનાગઢનાં તત્કાલીન નવાબને ગમે ત્યારે મળી શકતા અને ખેડુતોની અસરકારક રજુઆતો પણ કરતાં આ ઉપરાંત અંગ્રેજ દિવાન સાથે પણ તેઓ વાતો કરી શકતા હતાં અને કુદરતી આપત્તિ વખતે ખેડુતોનાં દેવા માફ કરાવવામાં પણ આ ખેડુતોનું  યોગદાન રહેલું હતું. ફુલાભાઈ પટેલ કે જેઓ વિસાવદરનાં પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ રીબડીયાનાં પિતાશ્રી થાય અને આજનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાનાં દાદા બાપુજી થાય છે ત્યારે ચાર પેઢીથી સેવાકીય ભાવનાને પંથે ચાલનારા પૌત્ર હર્ષદભાઈ રીબડીયાની સેવાકીય પ્રવૃત્તિની વિસાવદર-બિલખા અને ભેંસાણ પંથકમાં સરાહના કરવામાં આવી રહી છે.

error: Content is protected !!