ભવનાથમાં બે વૃધ્ધનો ભોગ લેનાર દિપડાને આજીવન કેદમાં રખાશે

ભવનાથ વિસ્તારમાં દિપડાની રંજાડ વધી હતી અને આદમખોર બની ગયેલા દિપડાએ વધુ એક સાધુ ઉપર હુમલો કરવાનાં બનાવને પગલે ભય વ્યાપી ગયો હતો. આ દરમ્યાન વન વિભાગ દ્વારા આ દિપડાને પાંજરે પુરવા જહેમત ઉઠાવ્યા બાદ આખરે દિપડાને પાંજરે પુરવામાં આવેલ છે અને આ આદમખોર દિપડાને આજીવન કારાવાસની સજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ વન વિભાગ હેઠળના ડુંગર દક્ષિણ રેન્જનાં ભવનાથ રાઉન્ડમાં આવતી આમકું બીટમાં તા. ૧૭-૪-ર૦નાં રોજ સવારે ગિરનાર સીડી ર૦૦ પગથીયા પાસેનાં શીતળા માતાજી મંદીરમાં સેવાપૂજા કરતા રામ બાપા (ઉ.વ. ૭પ)નો મૃતદેહ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં મળતા વન વિભાગ, પોલીસ વિભાગનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને પ્રથમ દ્રષ્ટીએ વન્યપ્રાણી દ્વારા મૃત્યું થતાં વન વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ વન્યપ્રાણી દિપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતાં. પણ શંકાસ્પદ દિપડો પકડવામાં સફળતા મળી નથી. તા. રપ-૪-ર૦નાં રોજ સવારે ભવનાથ તળેટીમાં ડોમની પાછળના ભાગે સાધુ ઓમકારગીરી મહારાજ (ઉ.વ. પર)નો મૃતદેહ મળી આવતાં નાયબ વન સંરક્ષક, જૂનાગઢ ડો. એસ.કે. બેરવાલ અને મદદનીશ વન સંરક્ષક જે.આર. પટેલનાં માર્ગદર્શન હેઠળ ડુંગર દક્ષિણ રેન્જનાં પરીક્ષેત્ર વન અધિકારી, ભગીરથસિંહ ઝાલા, ડો. અપારનાથી, ભવનાથ રાઉન્ડના વનપાલ યુ.જે. ડાકીએ વિસ્તારની સઘન તપાસ અને વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરતાં દિપડાને પકડવાની કામગીરી હાથ ધરી ૩ ટીમોએ અથાગ પ્રયાસોથી તા. રપ-૪-ર૦ના રોજ સાંજે શંકાસ્પદ દિપડાને પકડવામાં સફળતા મળી હતી. અને દિપડા સ્કેટ-સેમ્પલ મેળવી લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં.
આ દિપડાની બંને માનવ હુમલામાં ખરાઈ કરી લેવામાં આવેલ છે. પકડાયેલ દિપડા (ઉ.વ. અંદાજે ૭ વર્ષ) ને આજીવન છોડવામાં આવશે નહી અને તેને સકકરબાગ ઝુ ખાતે મોકલવામાં આવશે. જેથી ભવિષ્યમાં આ દિપડા દ્વારા કોઈ દુર્ઘટના નહી થાય તેમ નાયબ વન સંરક્ષક જૂનાગઢની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!