અમરેલીનાં તુલશીશ્યામ રેન્જમાંથી ૪ વર્ષનાં સિંહનો મૃતદેહ મળતાં જંગલમાં દોડધામ : સિંહોનાં અકાળે મૃત્યું માટે કોણ જવાબદાર ?

0

છેલ્લા ત્રણ માસમાં ર૧ જેટલા સિંહોનાં મોત થયા છે. એવો સવાલ ઉઠી રહયો છે કે સિંહો કોઈ ઝેરી વાયરસ કે રોગનો ભોગ બની રહયા છે. અને સિંહોનો રેસ્કયુ અને ચેકઅપ કરવામાં આવે છે તેને વન વિભાગ રૂટીન મુજબનુ ગણી રહયું છે. ત્યારે આ બાબતે સંબંધીત વન તંત્ર વિભાગ દ્વારા તપાસની કામગીરી હાથ ધરી અને યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી છે. નહીતર જંગલનાં રાજા એવા વનરાજનું ટપોટપ મૃત્યું થવાનાં બનાવો વધી જવાની ગંભીરતા પણ દર્શાવાઈ રહી છે.
ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ખાંભા રેન્જનાં કોઠારીયા જંગલ વિસ્તારની નજીક આવેલ નિતલી રેવન્યુ વિસ્તારમાંથી હવે પાંચેક વર્ષના સિંહનો દસ દિવસ જુનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. છેલ્લા ઘણા દિવસથી વન વિભાગનાં મૌનનો અંત આવ્યો હોય તેમ ત્રણ માસમાં ર૧ સિંહોના મોત થયા છે. ત્યારે રેસ્કયુ કરવાની અને સેમ્પલ કરવાની કામગીરી ચાલે છે તેને વન વિભાગે તેને રૂટીન ગણાવી સિંહોમાં કોઈ ગંભીર રોગ ન હોવાનો દાવો કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી ધારી ગીર પૂર્વનાં સિંહોનાં રેસ્કયુ કરવાની નિરીક્ષણમાં રાખવાની સેમ્પલ લેવાની કામગીરી તેજ બની ગઈ છે. ઉચ્ચ્તર વન વિભાગનાં અધિકારીઓ ત્યાં ધામા નાંખીને બેઠા છે. છતાં કોઈ ગંભીર રોગ કે કેનાઈન ડીસ્ટેમ્પર ન હોવાનો વન વિભાગનાં સીસીએફ વસાવડાએ દાવો કર્યો છે અને કહયું છે કે ત્રણ માસમાં ધારી ગીર પૂર્વમાં ર૧ સિંહોનાં મોત થયા છે. જેમાં હડાળા રેન્જમાં બે, સાવરકુંડલા બે, જસાધાર સાત, તુલશીશ્યામમાં ૮ સિંહોનાં મોત ગણાવે છે. આમ કુલ ૧૯ સિંહોનાં મોત થયા છે. અને પોતે ર૧ મોતનો સ્વીકાર કરે છે જેથી તેના ગણતરીમાં ભેદભરમ જોવા મળી રહયો છે.
૧૪ સિંહોને જસાધાર એનીમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હોવાનો સ્વીકાર કરી જણાવ્યું છે કે તેમાંથી માત્ર બે સિંહોને હિમોગ્લોબીનની ઘટ છે અને આ ઘટ પાછળનું કારણ ઈતડી હોય સમગ્ર વિસ્તારમાં રેસ્કયુની જે કામગીરી ચાલી રહી છે. વન વિભાગની રૂટીન કામગીરી હોય તેમ જણાવી કોઈ ગંભીર રોગ કે કેનાઈન ડીસ્ટેમ્પર ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ આજ સુધી કુલ કેટલા સિંહોનાં સેમ્પલ લેવામાં આવ્યા છે અને શું તપાસ કરવામાં આવી છે તેનાં આંકડા વિષે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
સીસીએફનાં નિવેદનથી વન્ય પ્રાણીપ્રેમીઓ આઘાતમાં મુકાઈ ગયા છે. જો કોઈ રોગચાળો ના હોય તો શા માટે ર૦થી વધુ સિંહોને પકડીને આટલા સમયથી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જો સિંહોનાં મૃત્યું દર નોર્મલ હોય તો શા માટે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ ગીરમાં ખડકાઈ ગઈ છે. જો સિંહોનાં મૃત્યું દર નોર્મલ હોય તો શા માટે સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડનાં સભ્ય વન અધિકારીઓને આ ઘટનાની ગંભીરતા બાબતે ધ્યાન દોરી રહયા છે. જો મૃત્યું દર નોર્મલ હોય તો શા માટે સાંસદ જેવા પર્યાવરણવિદ વ્યકતીએ સરકારનું ધ્યાન દોરવું પડયું છે. જો મૃત્યું દર નોર્મલ હોય તો શા માટે તાત્કાલીક ધોરણે અંશુમાન શર્મા જેવા ડીસીએફની પોસ્ટીંગ ધારીમાં કરવી પડી છે. જો આ મૃત્યું દર નોર્મલ હોય તો શા માટે ડોકટર રામ રતન નાલને કેવડીયા ખાતેથી અહીયાં બોલાવવા પડયાં છે. જો આ મૃત્યું દર નોર્મલ હોય તો શા માટે વાઈલ્ડ લાઈફ પ્રિસીસીએફ બન્યા પછી એક વર્ષમાં સૌ પ્રથમવાર શ્યામલ ટીકાદારને ગીરમાં આટલો સમય કાઢવાની ફરજ પડી છે.
દરમ્યાન છેલ્લા બે માસમાં ર૧થી વધુ સિંહનાં મૃત્યુંનાં બનાવને પગલે દોડધામ મચી જવા પામી છે. જયારે ગીર પૂર્વનાં ર૧ સિંહોનાં રેસ્કયુ કરી સારવારમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત વધુ બે સિંહોનું તુલીશ્યામ રેન્જમાં રેસ્કયુ કરાયું છે. અને બંને સિંહોનાં લોહી અને મળમૂત્રનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. હવે સવાલો એ ઉઠી રહયા છે કે સિંહોનાં મોત અને રેસ્કયુ ધારી પૂર્વ ગીરમાં જ કેમ ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. ગિરનાં જંગલમાં થોડા થોડા અંતરે સિંહ, બાળ પાઠડા સિંહનો મૃત્યું માટે કોણ જવાબદાર ? શું વાયરસ કે અન્ય કારણ છે તેની વિગો હવે ધિમે ધિમે બહાર આવી રહી છે.

error: Content is protected !!