ધોળકાનાં નિવૃત્ત શિક્ષિકાએ પેન્શનની જમા રકમનો ચેક અર્પણ કરી પોતાનું યોગદાન આપ્યું

0

હાલ કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનને કારણે લોકો કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યાં છે અને આ કપરાકાળ દરમ્યાન અનેક સેવાકીય સંસ્થાઓ, સેવાકીય લોકો, અગ્રણીઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોને વિવિધ રીતે મદદ કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢનાં ધોળકા ખાતેનાં એક નિવૃત શિક્ષિકાએ પોતાનાં પેન્શનની જમા રકમમાંથી પોતાનું યોગદાન આપ્યું હતું.
જૂનાગઢનાં ધોળકા ખાતે એક નિવૃત શિક્ષિકા રંજનબેન નટવરલાલ શાહ (ઉ.વ.૯૦ વર્ષ) કે જે ૨૮ વર્ષથી નિવૃત થયેલ છે. રંજનબેન શાહે એમની પેન્શનની જમા રકમમાંથી રૂ.૧,૧૧,૧૧૧નો ચેક અર્પણ કર્યો હતો અને બીજા રૂ.૫૦,૦૦૦ સ્થાનિક સેવાકાર્ય માટે આપ્યા હતા. તેમજ રંજનબેન શાહે પોતાનાં ખાતામાં માત્ર રૂ.૧૦,૦૦૦ જમા રાખ્યા હતાં અને કુટુંબને જણાવ્યું હતું કે આ જમા રકમ મારા અંતિમ સંસ્કારમાં વાપરજો. ચેક સાથે મુખ્યમંત્રીશ્રી ઉપર લખેલા પત્રમાં રંજનબેન શાહએ જણાવ્યું હતું કે, પ્રભુ હું શું લાવી હતી અને શું લઈ જવાની છું ? કંઈ જ નહીં. એક વખત એવો હતો કે હું કોઈને ૫૦ રૂપિયા આપવા ધારૂં તો પણ આપી શકતી નહોતી. આજે મારી પાસે જે કંઈ પણ છે, એ ઇશ્વર તારૂં જ આપેલું છે, જે મને પેન્શનના રૂપમાં મળ્યું છે. ઈશ્વર કૃપાથી મારા બાળકો પણ સંતોષી છે. જે મારા પેન્શનનો ઉપયોગ સત્કાર્યમાં કરવા દે છે. આજે તારા જ બાળકો (પ્રજા) મુશ્કેલીમાં છે, તો હું ચૂપ કેમ રહી શકું ? મારો ફાળો એક બિંદુ સમાન જ છે, પણ મને રામની ખિસકોલી બન્યાનો સંતોષ છે.