જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાનાં ગંભીર રોગચાળા સામે લોકડાઉન પ્રવર્તી રહ્યું છે ત્યારે આવી પડેલી પરિસ્થિતીમાં જરૂરીયાતમંદોને સહાયરૂપ બનવા માટે જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળનાં સેવાભાવી કાર્યકતાઓ દ્વારા સખ્ત જહેમત ઉઠાવવામાં આવી રહી છે. છેલ્લાં ૩૮ દિવસથી સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ગુંદી-ગાંઠીયાનાં પેકેટો તૈયાર કરી અને જરૂરીયાતમંદોને આપવામાં આવી રહ્યાં છે. આ સેવાકાર્યમાં ગાંધીગ્રામ વિસ્તારની જનતા સંપૂર્ણ સહયોગ આપી રહી છે. તેમજ ગાંધીગ્રામ ગરબી મંડળનાં કાર્યકતાઓ કિશોરભાઈ ચૌહાણ, મેણસીભાઈ વાજા, ચંદુભાઈ હિંડોચા, સુરેશભાઈ સંચાણીયા, નાથાભાઈ આહીર, ગોવિંદભાઈ જયસ્વાલ, મનસુખભાઈ હડીયલ તેમજ અન્ય સેવાભાવી કાર્યકતાઓ સતત જહેમત ઉઠાવી રહ્યાં છે તેમ ગાંધીગ્રામ ગરબી મંડળનાં વિરાભાઈ મોરીની એક યાદીમાં જણાવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા જરૂરીયાતમંદોને સહાયભુત થવા માટે જે સેવાયજ્ઞ ચાલી રહ્યો છે તે કામગીરીની સર્વત્ર સરાહના થઈ રહી છે. એટલું જ નહીં અગ્રણી, આગેવાનોએ પણ આ સેવાનાં કાર્યની નોંધ લઈ અને અભિનંદન પાઠવ્યાં છે.