ધંધાકીય એકમો અને સમય મર્યાદાને મળી છુટ : બજારો અસંત ખુલ્લી રહી છે

0

સોરઠ પંથકનું મહત્વનું શહેર જૂનાગઢ અને જૂનાગઢ જીલ્લો કોરોના મુકત આજ સુધી રહયો છે અને હજુપણ ઝડબેસલાક વ્યવસ્થાને કારણે રહેશે તેવા સંજોગોમાં ગ્રીનઝોનમાં આવેલા જૂનાગઢ શહેર અને જૂનાગઢ જીલ્લામાં અનેક પ્રકારની છુટછાટ અને સમય મર્યાદા પણ વધારવામાં આવી છે. ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા એક જાહેરનામુ બહાર પાડી અને વેપારી, ધંધાર્થીઓ તેમજ રોજગાર ક્ષેત્રને ઔદ્યોગિક એકમો માટે એક માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત આમજનતા અને વેપારીઓ-ધંધાર્થીઓને ઔદ્યોગિક એકમો માટેની આ ગાઈડ લાઈન અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. અને બીજા તબકકાનાં લોકડાઉનનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ત્યારે આજથી લોકડાઉન-૩નો પ્રારંભ થયો છે. અને તા. ૧૭ મે સુધી આ લોકડાઉન લંબાવેલ છે. ત્યારે જે છૂટછાટો કરવામાં આવી છે તેને લઈને આજે સવારથી જ છુટછાટવાળી બજારો ખુલવા માંડી હતી. અને લોકોની અવરજવર પણ વધી છે.
સમગ્ર જૂનાગઢ જીલ્લા વિસ્તારમાં આવેલ ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટી પ્લોટ, લગ્નવાડી, ગેઈમ ઝોન, રીક્રીએશન કલબ, સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, શોપીંગ મોલ (અતિ આવશ્યક ચીજ વસ્તુઓ અનાજ-કરીયાણા સિવાય), સિનેમા, ડાન્સ કલાસીસ, મેરેજ હોલ, મલ્ટી પ્લેકસ સિનેમા અને નાટયગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, કલબ હાઉસ તેમજ ભનવાથ વિસ્તાર, વિલીંગ્ડન ડેમ, સકકરબાગ, ઉપરકોટ સહીતનાં જૂનાગઢ જીલ્લામાં આવેલ તમામ પ્રવાસન સ્થળો કે જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા આ ઉપરાંત ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૩-પ-ર૦નાં જાહેરનામાની વિગતે સમગ્ર જૂનાગઢ જીલ્લા વિસ્તારમાં લીકરશોપ, પાન, ગુટખા, તમાકુનું વેંચાણ કરતી દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવાની રહેશે. સમગ્ર જૂનાગઢ જીલ્લા વિસ્તારમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ, ટયુશન કલાસ વિગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં આવે છે. પરંતુ આ સંસ્થાઓ ઓનલાઈન શિક્ષણ પ્રવૃતિ હાથ ધરી શકશે. આ બાબતે સરકારનાં શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવેલ સુચનાઓને અનુસરવાનું રહેશે. જીવન જરૂરીયાતને લગતી ચીજ વસ્તુઓની હેરફેર કરતા માલવાહક વાહનો, મેડીકલ ઈમરજન્સી, સામાજીક ઈમરજન્સી તથા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ, તથા સક્ષમ સત્તાધિકારીની મંજુરી મુજબનાં વાહન વ્યવહાર સિવાય તમામ આંતર જીલ્લા/આંતર રાજય વાહન વ્યવહાર બંધ રહેશે. પરંતુ જૂનાગઢ જીલ્લા વિસ્તાર પુરતી જીએસઆરટીસી ની બસની સેવાઓ પ૦ ટકા મુસાફરો સાથે ચાલુ રહેશે. તથા પ૦ ટકા ક્ષમતા સાથે બસ ડેપો કાર્યરત થશે.
ઉપરાંત અન્ય જીલ્લાઓ, રાજય, દેશમાંથી કે જૂનાગઢ જીલ્લાઓ/રાજયોમાં સક્ષમ સત્તાધિકારીની મંજુરી સિવાય લોકોની આવન-જાવન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. કોઈપણ વ્યકિત સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજુરી વિના જૂનાગઢ જીલ્લામાં પ્રવેશ કરી શકશે નહી કે બહાર જઈ શકશે નહી. જૂનાગઢ જીલ્લાનાં તમામ ધાર્મિક સ્થળો, દેવસ્થાનો, ધાર્મિક મેળાવડાઓ, સમુહ લગ્નો તથા લોકમેળા કે જે પ્રસંગે મોટી/વિશાળ સંખ્યામાં લોકો એકત્રીત થાય તેવા કોઈ આયોજન કરવા નહી. પરંતુ તમામ ધાર્મિક સ્થળોએ ફકત સંબંધીત પુજારી દ્વારા ધાર્મિક જગ્યાનો હવાલો ધરાવતા વ્યકિત દ્વારા તેમનાં ધર્મ મુજબની નિયમીત સેવા પૂજા કરી શકશે. સામાજીક, રાજકીય, મનોરંજન, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ધાર્મિક વગેરે કારણોસરના તમામ મેળાવડાઓ બંધ રહેશે. હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીનાં સ્થળો ઉપર ડાઈનીંગ સુવિધા આપવાની રહેશે નહી. પરંતુ હોમડીલવરી પાર્સલની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે.
આજ સવારથી જનજીવન ધિમીગતીએ શરૂ થયું છે. બજારમાં જરૂર જણાય તેટલી જ વસ્તુઓ ના છુટકે લોકો ખરીદી રહયા છે. લોકોનાં ચહેરા ઉપર નાણાંભીડની તિવ્ર અસર દેખાઈ રહી છે. ગુમસુમ અને નિસ્તેજ બનેલો માનવી યંગવત દુકાનની કાર્યવાહી કરી રહયો છે.

error: Content is protected !!