જૂનાગઢનાં જોષીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની સાયબર ક્રાઈમ સેલને મળેલી બાતમીનાં આધારે દરોડો પાડી રોકડ, મોબાઈલ અને બાઈક સહીત કુલ રૂ. ૪.૧૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતાં. પોલીસમાંથી મળતી માહિતી મુજબ જૂનાગઢ રેન્જના સાયબર ક્રાઈમ સેલે જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપરનાં હરીઓમનગરમાં રહેતો દિવ્યેશ ઉર્ફે દીવુ દીલીપ સેજપાલ પોતાનાં મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અડ્ડો ચલાવી રહયો છે. આ બાતમીનાં આધારે બી ડીવીઝન પોલીસને અંધારામાં રાખી સાયબર ક્રાઈમ સેલની ટીમે આ મકાનમાં દરોડો પાડી દિવ્યેશ સેજપાલ, અભિષેક ઉર્ફે અભી રાજાણી, વિવેક ભાટુ, ડેનીસ ઘેટીયા અને હિતેષ દુબેને જુગાર રમતા ઝડપી લીધા હતાં. અને સ્થળ ઉપરથી રોકડ રૂ. પ૩,ર૦૦, મોબાઈલ-પ, બાઈક-૩ સહીત કુલ રૂ. ૪,૧૮,ર૦૦નો મુદામાલ કબ્જે કરી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.