કોરોના મહામારીની વચ્ચે જૂનાગઢની મહિલાઓ ચલાવી રહી છે જરૂરિયાતમંદ લોકોનો જઠરાગ્નિ ઠારવા માટેનો મહાયજ્ઞ

કોરોના મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં આવેલા રાયજીનગર ખાતે મોનાર્ક ૪ રેસીડેન્સી ખાતે મોનાર્ક ફોર લેડીઝ કલબની બહેનો દ્વારા ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે સેવાયજ્ઞ પ્રજ્વલિત કરી રહી છે. મોનાર્ક ફોર રેસીડેન્સી ખાતેની પાંચ વિંગના ૧૮૦ બ્લોકના તમામ પરિવારોની મહિલાઓ દ્વારા લેડીઝ ક્લબની સ્થાપના કરવામાં આવ્યા બાદ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. હાલ લોકડાઉનને લઈને અનેક પરિવારો બેરોજગાર થઇ ગયા છે જેથી કરીને ઘણા કુટુંબો એવા છે કે જેમને એક ટંકનું પણ ભોજન મળી ન શકતું હોય ત્યારે મોનાર્ક ફોર રેસિડેન્સીમાં ઇ-વિંગમાં રહેતા અને સિંગરનું કામ કરતા મોહિતભાઈ પંડયા અને દાતાઓ તેમજ પરિવાર અને મિત્ર મંડળના સહયોગથી ૧૭ થી વધુ ચીજ વસ્તુઓ ધરાવતી અનાજ કરીયાણાની ૧૦૦૦ જેટલી કીટનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે અને હાલ પણ સેવાયજ્ઞ અવીરત પણે શરૂ છે ત્યારે મોનાર્ક ફોર રેસિડેન્સીમાં કાર્યરત મોનાર્ક ફોર લેડીઝ કલબ અને બધા ભાઈઓના સહયોગથી લેડીઝ કલબ દ્વારા ૧૮૦ બ્લોકના મેમ્બરોને જાણ કરીને બ્લોક દીઠ શક્ય હોય એટલી રોટલી બનાવી મહાનગરપાલિકા જૂનાગઢ શહેર અને આસપાસમાં સેવા કરતી સામાજિક સંગઠનોને અર્પણ કરીને લોકોને જઠરાગ્નિ ઠારવાનો અનુકરણીય પ્રયાસ કરી રહી છે. જેમાં મોનાર્ક લેડીઝ ક્લબના પૂજાબેન કારિયા. નીતાબેન ઉનડકટ. શ્યામાબેન પંડયા, વૈશાલીબેન પારેખ, દર્શનાબેન દોશી, ભાર્ગવીબેન જોષી, સ્વીટીબેન રાતિયા, ટીનાબેન ઠક્કરની રાહબરી હેઠળ પાંચે પાંચ વિંગના બહેનો સ્વેચ્છાએ પોતાના ઘરે રોટલી બનાવીને આ સેવા યજ્ઞમાં તેમનાથી યથાશક્તિ બનતી આહુતિ પણ આપી રહી છે. મોનાર્ક ફોર રેસીડેન્સી લેડીઝ કલબ દ્વારા પાંચે પાંચ વિંગમાં પ્રથમ માળે એક ડબ્બો મૂકવામાં આવ્યો છે. જે ડબ્બામાં દરેક વિંગના બ્લોક ધારક બહેનો પોત પોતાની બનાવેલી રોટલી એકત્ર કરવામાં આવે છે. આમ પાંચે પાંચ વિંગમાં એકઠી કરાયેલી રોટલી અંદાજે ૧૫૦૦ થી ૧૮૦૦ થવા પામે છે. આ સેવાકાર્યમાં ઘઉંના લોટ બળતણ અને ચોખ્ખા ઘીની સાથે તેલ પણ આ મહિલાઓ પોતાના સ્વખર્ચે અને રાજીખુશીથી સહભાગી થઇ રહી છે.

error: Content is protected !!