આજે વૈશાખી પૂનમ – નરસિંહ મહેતાજીની ૬૧રમી જન્મજયંતિ

0

તળાજામાં જન્મી, ગોપનાથમાં ભગવાન આસુતોષની આરાધના કરીને માંગરોળ અને વડનગર બાલ્યકાળ પૂર્ણ કરી જૂનાગઢમાં ગિરિતળેટીને કુંડ દામોદરથી વૃંદાવનીય પ્રેમભકિતની કાવ્યધારા વહેતી કરનાર શ્રી નરસિંહ મહેતાજીની ૬૧રમી જન્મ જયંતિ વૈશાખી પૂનમને તા.૭-પ-ર૦નાં છે. શ્રી દયાનંદ સરસ્વતીજી પહેલા ગુજરાતને વિશ્વ ફલક ઉપર જાણીતું કર્યું, ભગવાન શ્રી વલ્લભ મહાપ્રભુજીનાં જન્મ પહેલા કૃષ્ણ ભકિતનો મહીમા ગાયો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પહેલા ગુજરાતની ભૂમિ ઉપર પોતાની નાતનાં ઉપહાસનો વિચાર કર્યા વગર કૃષ્ણ ભકિત દ્વારા સામાજીક સમરસતા શીખવાડી જૂગ જૂગથી અવહેલના પામતા વર્ગની બાજુમાં ઉભા રહીને અપનાવ્યા, જે સમાજ જીવન માટે પવિત્ર અને ગોરવવંતી ક્ષણ છે. શ્રી નરસિંહ મહેતાજીએ શ્રી કૃષ્ણની પ્રેમ ભકિતનાં પ્રવાહમાં ગુજરાતી કવિતાને તરતી મુકી દીધી અને તેઓએ આપેલ વૈષ્ણવ જનનો સંદેશ આદર્શ આ યુગમાં મહાત્મા ગાંધીજીએ સંત-ભકતનાં માપદંડ તરીકે સ્વીકાર્યો છે. ગુજરાતનાં ગામડે ગામડે જેની રચનાઓ જેના પદો લોકકંઠે ગુંજે છે. આ ભકતરાજે ઈશ્વર પ્રત્યેનો શરણાગતીનો ભાવ ઉત્કૃષ્ટ બુલંદીથી ગાયો છે. શ્રી કૃષ્ણચંદ મહારાજનાં ‘‘સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ’’ને ચરિતાર્થ કરેલ છે. સામે પક્ષે શ્રી કૃષ્ણ ભગવાને પણ ‘‘યોગક્ષેમ વહામ્યહમ’’ મુજબ શ્રી નરસિંહ મહેતાજીનાં બધા જ કામો, પ્રસંગો સુપેરે પાર પાડેલ છે. શ્રી કૃષ્ણ કેવળ નરસૈયાના જ ન હતા કે કેવળ અજૂર્નનાં જ સારથી નથી તેઓ આપણા સહુના જીવન રથના સારથી છે. તેઓ સ્મિત પૂર્વક આપણી પ્રતિક્ષા કરી રહ્યા છે. બસ જાગીએ એટલી વાર છે. નરસિંહ મહેતાજીની જન્મ જયંતિનાં શુભ અવસરે આ દિવ્ય ચેતનાને કોટી કોટી વંદનાં.

error: Content is protected !!