જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ખાતે આવેલાં સામુહિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ તેમજ અન્ય એક કર્મચારીને કોરોના પોઝિટીવ આવતાં ભેંસાણ પંથકમાં ભયનો માહોલ છવાયો છે અને ભેંસાણને કન્ટેઈન્મેન્ટ એરીયા જાહેર કરી અને કડક પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત આવશ્યક સેવાઓને યથાવત રાખી તમામ પ્રકારની અન્ય ગતિવિધી ઉપર સંપૂર્ણ બંધનો આદેશ જારી કરવામાં આવેલ છે અને જે પોઝિટીવ કેસો આવ્યાં છે તે તબીબ અને તેનાં કર્મચારીનાં સંપર્કમાં જે લોકો આવ્યાં હોય તેમાંથી તેઓનાં સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જે સેમ્પલો લેવામાં આવ્યા હતાં તેમાંથી ગઈકાલે જે રિપોર્ટ આવી ગયાં છે તેમાંથી ૮૭ સેમ્પલોનાં રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને ૬૧ સેમ્પલ ભેંસાણનાં હોવાનું જાણવા મળે છે. દરમ્યાન ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં ડોકટર પ્રતિક વેકરીયાએ જૂનાગઢ જીલ્લા અને ખાસ કરીને ભેંસાણ પંથકની જનતાને માટે વિડીયોમાં એક સંદેશો જારી કરી અને લોકોને સંપૂર્ણ કાળજી, સાવચેતી અને જરાય ગભરાયા વિનાં સામનો કરવાની અપીલ કરી છે. જે વિડીયો વાયરલ થયો છે તેમાં ડોકટર પ્રતિક વેકરીયાએ જણાવ્યું છે કે ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં જે બે લોકો એટલે કે એક તે પોતે અને બીજા તેનાં સાથી કર્મચારીનો રિપોર્ટ જે પોઝિટીવ આવેલ છે પરંતુ અત્યારે હાલની તકે તેઓ બંને સંપૂર્ણ સ્વસ્થ છે. કોરોનાનાં જે લક્ષણો દેખાવા જાઈએ તે શ્વાસમાં તકલીફ, શરદી, ઉધરસ, તાવ જેવા કોઈ લક્ષણ અત્યારે દેખાતા નથી અને અમે બંને સંપૂર્ણ સ્વસ્થ છીએ. આ સાથે જ ડો.પ્રતિક વેકરીયાએ જૂનાગઢ જીલ્લાની અને ભેંસાણ પંથકની જનતા જાગ સંદેશો જારી કર્યો છે અને તેમાં હિંમત આપતા જણાવેલ છે કે કોરોનાની આ બિમારી સામે જરાય ગભરાવવાની જરૂર નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે તેમજ ડર રાખ્યા વિનાં સાવચેતીનાં પગલા તમામ લોકોએ જાળવવાની જરૂર છે. આ તકે તેમણે એવું પણ જણાવ્યું હતું કે પોતે એક તબીબ દરજ્જાની વ્યકિત હોય અને જા તેઓ કોઈ ગંભીર રોગચાળાનો ચેપ ન લાગે તે માટે સતત સાવચેતી અને જાગૃતિ રાખતાં હોય અને તેમ છતાં તેઓને કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે જે ઉપરથી ધડો લઈ લોકોએ જરા પણ ગાફેલ રહેવાની જરૂર નથી, બેદરકારી દાખવવાની જરૂર નથી. પોલીસ અને તબીબો કે જે લોકોની સારવાર તેમજ લોકડાઉનનું અમલીકરણ થાય તે માટે સતત જાગૃતિ મુજબ પગલાં લઈ રહ્યાં છે અને તેઓ જા બિમાર પડશે તો અન્ય લોકોની સારવાર કે માર્ગદર્શન કોણ આપી શકશે અને એટલા માટે જ ફરી એકવાર ચિંતા રાખ્યા વિનાં ફકત પરેજી પાળો, આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સાવચેતીનાં તમામ પગલાં લેવા ભેંસાણ પંથક અને જૂનાગઢ જીલ્લાની જનતાને અપીલ કરી છે અને હાલ તેઓની તબિયત તંદુરસ્ત અને સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.