કોરોનાનાં વાયરસનાં ચેપનાં વધતા જાખમને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ખૂબ જ સારી બાબત છે કે જયારે પણ દેશમાં આવી કોઈ કુદરતી આફત આવી પડે તો એનો ઉકેલ લાવવા માટે દેશનાં સત્તાધીશો દ્વારા આવા કડક પગલાં ભરવા જરૂરી છે. પરંતુ ઉતાવળીયા પગલા કયારેક દેશ, રાજય કે જીલ્લાઓને મહામુશ્કેલીમાં મૂકી દેતા હોય છે એ વાત આપણે ન ભૂલવી જાઈએ. થોડા સમય પહેલા યુ.એન. દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્લ્ડ માઈગ્રન્ટ રિપોર્ટ અનુસાર સંખ્યાની દ્રષ્ટિએ ભારત સોથી વધુ સ્થળાંતરિત વ્યકિતઓ ધરાવતો દેશ છે. ૧૭.પ મિલિયન ભારતવાસીઓ વિશ્વનાં જુદા-જુદા દેશોમાં જઈને વસેલા છે. આ વાત વ્યાજબી છે કે લોકો રોજગારી માટે કે અન્ય કામ ધંધા માટે બીજા દેશોમાં જઈને વસવાટ કરે છે. ભારતનાં લોકો મોટા પાયે દેશના વિવિધ રાજયોમાં તથા વિદેશોમાં સ્થળાંતરિત કરતા હોય છે. લોકો એક રાજયમાંથી બીજા રાજયમાં રોજગારી માટે સ્થળાંતરિત કરતા હોય છે. મહત્વનું છે કે લોકો એટલા માટે સ્થળાંતરિત કરતા હોય છે કે દેશની સરકાર શિક્ષિત વર્ગ હોય કે પછી યુવા વર્ગ હોય તેમને કયાંક ને કયાંક રોજગારી આપવામાં નિષ્ફળ નિવડે છે એટલે દેશનાં ભણેલા ગણેલા લોકો પણ ધંધો રોજગાર મળે તેવા આશયથી જયાં રોજગારી મળી શકે તેવો વિસ્તારમાં સ્થળાંતરિત કરતા હોય છે.
શરૂઆતમાં જયારે ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર હતો. તે દરમ્યાન આપણે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હતા એની તૈયારીમાં મશગુલ હતા. જયારે ચીનમાં કોરોના વાયરસ મોટી સંખ્યામાં લોકોનાં જીવ લઈ રહ્યો હતો. પરંતુ એ વાયરસ આપણા ભારતમાં ન આવે એવું આપણે માનતા હતા. જેના કારણે આપણે બધા રોજબરોજની દિનચર્યા સાથે સાંકળાયેલા હતા. અને આપણી ગાડી પણ રેગ્યુલર ચાલતી હતી પરંતુ અચાનક વડાપ્રધાન મોદી દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું જેનાં કારણે વિમાન, એસટી અને રેલ્વેનાં પૈડા થંભી ગયા. જા સરકારે ર૧ દિવસનું લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય કર્યો એની અગાઉ ૩ થી ૪ દિવસનો સમય આપ્યો હોત તો અન્ય દેશનાં કે અન્ય રાજયનાં કે અન્ય જીલ્લાનાં લોકો રોજગારી માટે શહેરોમાં વસેલા હોય તેઓ પોતાના વતન જવા માંગતા હોત તો આ સમય મર્યાદામાં જઈ શકે તેમ હતા અને આવી સુચના સરકાર દ્વારા આપવાની જરૂર હતી. પરંતુ એવું કરવામાં સરકાર થાપ ખાઈ ગઈ. અને લોકડાઉન દરમ્યાન છૂટછાટ આપી સરકારે કેટલાંક વિસ્તારમાં ઉદ્યોગ ધંધા શરૂ કરવાની સૂચના આપી અને બીજા તરફ પરપ્રાંતિય લોકોને વતન જવાની પણ છૂટ આપવામાં આવી. આ સરકારની સોથી મોટી ભૂલ ગણી શકાય. કારણ કે એક તરફ સરકાર ઉદ્યોગ ધંધા શરૂ કરવાની ફરજ પાડે છે અને બીજી તરફ પરપ્રાંતિયો તેમજ લોકોને પોતાના વતન જવાની છૂટ આપે છે. જેનાં કારણે એવું લાગે છે કે કોરોના મહામારી વચ્ચે સરકાર શું કરવા માગે છે એ ખબર નથી પડતી. કારણ કે ફેકટરી કે કંપનીમાં નોકરી કરતા લોકોએ પોતાના વતન જવાની વાટ પકડી હતી. અને આ તરફ સરકાર જાહેરાત કરે છે કે સોશ્યલ ડિસ્ટસિંગ તેમજ માસ્ક પહેરી કામ કરી શકો છો તેવી છૂટ આપે છે. વતન જવાની છૂટ અપાતા લોકો ઘેટાંબકરાની જેમ રસ્તાઓ ઉપર નિકળી પડયા છે. કેટલીક જગ્યાએ સરકારે વતન જવાની છૂટ આપી છે તો કેટલીક જગ્યાએ વતન જતા લોકોને અન્ય રાજયોની બોર્ડર ઉપરથી પાછા રિર્ટન થવું પડે છે. ખરેખર દેશની તથા રાજયોની સરકારો જનતા પાસે શું કરાવવા માંગે છે તે પહેલા નકકી કરે તો દેશની જનતા માટે સરકારનો યોગ્ય નિર્ણય હશે. હાલ તો કારીગર-મજુર વર્ગ પોતાના રાજયોમાં આવેલા વતન જવા રવાના થઈ ગયા છે અને મજુર-કારીગર વર્ગ વગર કારખાના કેમ શરૂ કરવા એ મોટો પ્રશ્ન ઉદ્યોગકારો માટે માથાના દુઃખાવા રૂપ બની ગયો છે.