Thursday, January 21

ભવનાથ વિસ્તાર કોરોના ઝોન બને તે પહેલાં ત્વરીત પગલાં લેવા માંગણી

૩૩ કરોડ દેવતાનો વાસ છે તેવાં ભવનાથ વિસ્તાર કે જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે અને લોકોનું આસ્થાનું અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાતાં એવા આ વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા કોરોના પોઝિટીવ કેસોનાં દર્દીઓની સારવાર માટે વોર્ડ ઉભા કરવામાં આવેલ છે ત્યારે ભવનાથ નજીક આવેલાં ગિરનાર અભ્યારણ્ય તેમજ ભવનાથ વિસ્તારની જનતા અને અહીં આવનારા શ્રધ્ધાળુઓને માટે ભવિષ્યમાં ચેપી રોગનાં વાયરસ અંગેનો ખતરો તોળાઈ તેવી ગંભીર દહેશત વ્યકત કરી અને હાલનાં તબક્કે કોરોના કેસનાં પોઝિટીવ દર્દીઓને વધુ સારી રીતે સારવાર મળે અને તેઓ વહેલી તકે સ્વસ્થ બની જાય તેવી લાગણી અને માંગણી સૌનાં હિતમાં વ્યકત કરી અને આ બાબતે ત્વરીત પગલાં ભરવાની માંગણી સર્વોદય નેચર કલબનાં પ્રોજેકટ ચેરમેન અમૃતભાઈ દેસાઈએ વ્યકત કરી છે અને સંબંધિત વિભાગોને તેમજ વડાપ્રધાનશ્રીને પણ ટ્‌વટ કરી અને રજુઆતો કરી હોવાનું જાણવા મળે છે.
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના મહામારીનાં સંક્રમણને ખાળવા માટે સરકાર, વહીવટી તંત્ર, મનપા તંત્ર, પ્રેસ અને મિડીયા, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ અને કોરોના વોરિયર્સ અનેક સામાજીક સંસ્થાઓ વગેરે દ્વારા સતતને સતત લોકજાગૃતિનાં કાર્યક્રમો તેમજ જરૂરીયાતમંદ લોકોને સહાયભૂત થવાની સેવાકીય પ્રવૃત્તિ સંતો તેમજ ધાર્મિક જગ્યાઓનાં દાતાઓ અને અનેક સેવાભાવીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને આ સેવાકીય પ્રવૃત્તિ કોઈપણ જાતનાં રાગ, દ્વેષ કે ભેદ-ભાવ વિનાં અનેક એનજીઓ, સંસ્થા પણ કાર્યરત બની છે અને તેની સર્વેની કામગીરી આવકારદાયક છે અને સેવાકીય મંડળો, ધાર્મિક જગ્યાઓનાં સહયોગ અને દાતાઓ થકી આ કાર્ય ચાલી રહ્યું છે અને તેને સરાહના પણ થઈ રહી છે. પંરતુ લોકડાઉનનાં-૪માં તબકકા પછી ભવનાથ મંદિરો સંભવતઃ ખુલી જાય તેવી સંભાવના છે. જૂનાગઢ શહેર અને જીલ્લો કોરોનાનાં સંક્રમણને ખાળવા અત્યાર સુધી સેફ રહ્યો હતો. પરંતુ ગત તા.પ-પ-ર૦ર૦નાં સૌપ્રથમ કોરોના પોઝિટીવ કેસોની એન્ટ્રી થયા બાદ જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં કોરોનાનાં કેસો બહાર આવી રહ્યાં છે. છેલ્લાં ચિત્ર અનુસાર જૂનાગઢ જીલ્લામાં કુલ ર૮ કેસોમાંથી ૧ર દર્દીઓ સ્વસ્થ હતાં તેઓ ડિસ્ચાર્જ થયા છે અને હાલ ૧૬ એકટિવ કેસો રહેલાં છે. દરમ્યાન અન્ય વિસ્તારોમાંથી આવેલાં લોકોને હોમ કવોરન્ટાઈન કરવા માટે ભવનાથ વિસ્તારમાં જગ્યા ફાળવવામાં આવી હતી અને ત્યાં જ તેમને રાખવામાં આવતાં હતાં. આ દરમ્યાન કોરોના પોઝિટીવ કેસોનાં દર્દીઓને પણ ભવનાથ વિસ્તારમાં સારવાર આપવામાં આવી રહી હોય જેને લઈને સ્થાનિક રહીશો તેમજ અન્ય લોકોમાં તેની સામે વિરોધનો સુર ઉઠવા પામ્યો હોવાની સર્વોદય નેચર કલબનાં પ્રોજેકટ ચેરમેન અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું છે.
સૌરાષ્ટ્‌ ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં સર્વોદય નેચર કલબનાં પ્રોજેકટ ચેરમેન અમૃતભાઈ દેસાઈએ વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેઓએ જૂનાગઢ શહેર અને જૂનાગઢ જીલ્લાના સરકારી તંત્રને વિનમ્ર વિનંતી કરી અને કોરોના પોઝીટીવ ૧૦ દર્દીઓને ભવનાથ તળેટીમાં રાખવામાં આવ્યા છે તે બાબત ફેરવિચારણા કરવામાં આવે તેવી રજુઆત કરી અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આ દર્દીઓને અન્ય ખસેડવામાં આવે તેવું જણાવેલ હતું. અન્યથા જુની સીવીલ હોસ્પિટલની ખાલી પડેલી જગ્યાએ પણ સ્થળાંતર કરવા જોઈએ તેમ જણાવેલ છે. કારણ કે ભવનાથ વિસ્તારમાં ગિરનાર અભ્યારણ્ય વિસ્તાર નજીક આ ગંભીર મહામારીના દર્દીઓને રાખવાએ ભવિષ્યમાં ખતરો ઉભો થઇ શકે છે તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત ભવનાથ તળેટીમાં રાખવામાં આવેલા પોઝીટીવ દર્દીઓને કારણે સંભવિત મુશ્કેલીને ધ્યાને લેવી જોઈએ. જેમાં ખાસ કરીને ભવનાથ તળેટીમાં ભુગર્ભ ગટર વ્યવસ્થા નથી તેના કારણે તળેટીના તમામ ધર્મશાળા, ધાર્મિક સ્થાનો વગેરેની ગટરો ખુલ્લા વોકળામાંથી સોનરખ નદીમાં ભળે છે. તેમજ ત્યાં નેશ વિસ્તારમાં રહેતા માલધારી અને ઢોર-ઢાખર પણ આ ખુલ્લા વોકળા પાસે જ રહેતા હોય આ ગંભીર મહામારીનો ચેપ તેમને પણ લાગવાની શક્યતા રહેલી છે. ઉપરાંત વન્ય પ્રાણીઓમાં આ રોગચાળો પ્રસરે તેવી ભીતી વ્યકત કરી છે. તથા સનાતન ધર્મશાળા ખાતે પોઝીટીવ દર્દીઓને રાખતા હોય અને માનવિય ભુલ અથવા તો સ્ટ્રોંગ વાયરસના અવશેષો કોઈ ખુણે ખાચરે રહી જાય તો ભવિષ્યમાં જ્યારે આ સ્થળ યાત્રાળુઓને રહેવા માટે ખોલવામાં આવે ત્યારે આવનાર યાત્રાળુઓની સુરક્ષાને પણ ખતરો ઉભો થઇ શકે છે. તેમજ સનાતન ધર્મશાળા પાછળ જ રોપ-વે ની સાઇટ પણ આવેલી છે જ્યાં તેના શ્રમિકો રહે છે. વધુમાં સનાતન ધર્મશાળાની અંદર અને આસપાસ વિસ્તારમાં ખુબ જ પક્ષીઓ રહે છે તેમને પણ આ ચેપ લાગવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત ગિરનાર અભ્યારણ્ય વિસ્તારની બીલકુલ નજીક આ વિસ્તાર હોવાથી વન્ય પ્રાણીઓની સતત અવરજવર પણ હોય આ અંગે ભવિષ્યમાં ખતરો ઉદ્‌ભવે તો તે બાબત પણ ખુબ જ ગંભીર ગણવી જોઈએ. આ બધી બાબતોને ધ્યાને લઈને કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓને ભવનાથ તળેટીમાંથી ખસેડી નવી સિવિલ હોસ્પિટલમાં અથવા ખાનગી હોસ્પિટલમાં અન્યથા જુની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે તે ખુબ જરૂરી છે જૂનાગઢ જિલ્લાના કુલ દર્દીઓ પૈકીના દસ દર્દી જે સનાતન ધર્મશાળા ખાતે સારવાર લઇ રહ્યા છે તેમાંથી એક પણ દર્દી હજુ સ્વસ્થ થયાં નથી અને રજા અપાઈ નથી જ્યારે સીવીલ હોસ્પિટલ ખાતેના દર્દીઓ પૈકી ૧૨ દર્દી સાજા થઈ ઘરે જઈ શક્યા છે. તેમ જણાવી અમૃતભાઈ દેસાઈએ સંબંધિત વિભાગોને આ બાબતે તત્કાલ યોગ્ય કરવાની માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!