ગીર સોમનાથ જીલ્લામાં મુંબઇથી આવેલ દેરાણી-જેઠાણીનો કોરોના પોઝીટીવ રીપોર્ટ

0

કોરોના મુકત થવાના કાંઠે પહોચેલ ગીર સોમનાથ જીલ્લામાં પંદર દિવસ પુર્વે મુંબઇથી આવેલ દેરાણી-જેઠાણી શનિવારે કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયું છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સારવાર હેઠળના કુલ ૩ પૈકી બે દર્દીઓ સ્વસ્થ થતા શુક્રવારે જ રજા આપી દેવાય હોવાથી ગીર સોમનાથ જીલ્લામાં એક જ એકટીવ કેસ હતો. દરમ્યાન શનિવારે વધુ બે કોરોનાના દર્દીઓ પોઝીટીવ આવતા ફરી ગીર સોમનાથ જીલ્લામાં ત્રણ દર્દીઓ સારવાર હેઠળ થઇ ગયા છે.
કોરોના પોઝીટીવ આવેલ ૩૭ અને ૨૯ વર્ષીય મહિલાની જાણવા મળેલ વિગતો અનુસાર બંન્ને મહિલાઓ મુંબઇની રહેવાસી છે અને બંન્નેનું પીયર ગીર સોમનાથ જીલ્લામાં આવેલુ છે. જેમાં ૩૭ વર્ષીય મહિલાનું પીયર કોડીનાર તાલુકાના મોરવાડ ગામ છે જયારે ૨૯ વર્ષીય મહિલાનું પીયર તાલાલા તાલુકાનું વિઠલપુર ગામ છે. બંન્ને મહિલા તા.૨૨-૫-૨૦ ના રોજ મુંબઇથી ગીર સોમનાથ આવી હતી અને ત્યારથી જ જીલ્લા મથક વેરાવળમાં ભાલકા વિસ્તારમાં કાર્યરત સરકારી સેલ્ટર સેન્ટરમાં કોરોન્ટાઇન હતી. બંન્ને મહિલાઓનું કોરોન્ટાઇન પૂર્વે થતા તા.૪ જુનનાં રોજ શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગે નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલેલ હતા. જે બંન્નેના રીપોર્ટ પોઝીટીવ આવતા બંન્ને મહિલાઓને કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. આ બંન્ને મહિલાઓ તા.૪ જુનાનાં રોજ પોત-પોતાના પીયર પરીવારજનોને મળવા ગયેલ હોવાનું તંત્રને ધ્યાને આવેલ હતુ. જેથી બંન્ને મહિલાઓનો સંપર્કોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરવાડ ગયેલ મહિલાના સંપર્કમાં ૮૧ લોકો અને વિઠલપુર ગયેલ મહિલાના સંપર્કમાં ૯૧ લોકો આવ્યા હોવાનું ધ્યાને આવતા તંત્રએ ચેક-અપ અને કોરોન્ટાઇન કરવા સહિતના પગલા લેવા તજવીજ હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૪૭ દર્દીઓ પોઝીટીવ આવ્યા છે. જે પૈકી ૪૪ સ્વસ્થ થઇ જતા રજા આપી દેવામાં આવેલ છે જયારે હાલ ૩ એકટીવ કેસ હોય સારવાર હેઠળ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!