ગુજરાત સરકારે દેશભરમાં જાહેર કરાયેલા અનલોક-૧ હેઠળ ધર્મસ્થાનો, શોપીંગ મોલ, રેસ્ટોરન્ટ્સ વગેરે ખોલવાની મંજુરી આપી છે પણ સ્કુલો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ નહીં ખુલે એવી જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે પણ ફરી સ્પષ્ટતા કરી છે કે, ૧પ ઓગષ્ટ સુધી તો સ્કૂલો નહીં જ ખુલે અને તે પછી પણ યોગ્ય સમીક્ષા કરી નિર્ણય લેવાશે. રાજયના લાખો વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ મોટા રાહતના સમાચાર છે. પોતાના સંતાનોના સ્વાસ્થ્યની ચિંતા કરતા વાલીઓને આ નિર્ણયથી ભારે રાહત થશે. રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરતાં કહ્યું કે, વાલીઓ, શિક્ષણવિદો સાથે ચર્ચા કર્યા બાદ આરોગ્ય વિભાગની સલાહ મુજબ સ્કૂલો ખોલવા અંગે અંતિમ નિર્ણય થશે. સમાજનો સૂર હશે તેમજ થશે એવી સ્પષ્ટતા પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. ચુડાસમાએ કહ્યું છે કે, આરોગ્ય અધિકારીઓ પાસેથી છેલ્લી સ્થિતિની જાણકારી મળ્યા પછી સ્કુલો ચાલુ કરવા સરકાર વિચારશે તેમ જણાવ્યું હતું.