જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં તરશીંગડા ગામે એક દંપતિ પોતાની વાડીએથી વાવણી કરી અને ઘરે પરત ફરી રહ્યાં હતાં તે દરમ્યાન મેઘલ નદીનાં પુલ ઉપર ઉપરવાસનાં ભારે પાણીનાં પ્રવાહમાં બળદગાડું તણાવા લાગતાં આ દંપતિમાંથી પતિ અને બળદ બચી ગયા હતાં જયારે તેમનાં પત્નિનો કોઈ પત્તો ન લાગ્યો હતો અને શોધખોળ ચાલુ હતી. દરમ્યાન આજે સવારે ભાખરવડ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને તેમનાં પરીવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જવાબદાર રોડ વિભાગનાં અધિકારી, કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમીસ કરવાની માંગણી કરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલે પણ વિવિધ તાલુકામાં ભારે વરસાદ પડ્યાનાં અહેવાલ છે. જૂનાગઢ શહેરમાં માત્ર ૩૦ જ મીનીટમાં ૧૧ મીમી વરસાદ નોંધાયો હતો અને જેને કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. ગિરનાર જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ હતો. જયારે ભવનાથ તળેટી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતાં. જૂનાગઢ જીલ્લાનાં માળીયા તાલુકાનાં તરશીંગડા વિસ્તારમાં અડધાથી સાડા ત્રણ ઈંચ, મેંદરડામાં બે ઈંચ, માણાવદરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. વિસાવદરમાં વરસાદનાં ઝાપટા પડ્યાં હતાં. આમ વિવિધ તાલુકામાં હળવાથી ભારે વરસાદનાં ઝાપટા તો કયાંક જારદાર વરસાદ તુટી પડ્યો હતો. દરમ્યાન માળીયા હાટીના તાલુકાનાં તરશીંગડા ગામે ગઈકાલે બપોરનાં ૪ વાગ્યાની આસપાસ મુળ કેરાળા ગામનાં અને હાલ તરશીંગડા ગામે ભાગીયું રાખીને રહેતાં જેન્તીભાઈ સગર ગઈકાલે તરશીંગડાની સીમમાંથી પોતાનાં ખેતરે વાવણીકાર્ય કરી અને બળદગાડા સાથે પરત ફરી રહ્યાં હતાં. ત્યારે આંબલગઢ-તરશીંગડા રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતા એ દરમ્યાન મેઘલ નદીનાં બેઠા પુલ ઉપરથી પસાર થતી વખતે પાણીનાં પ્રવાહમાં બળદગાડા સાથે તણાવા લાગ્યા હતાં. જેન્તીભાઈ સગરનો બચાવ થયો હતો. જયારે તેમનાં પત્ની ભાવનાબેનનો ગઈકાલે રાત્રીનાં મોડે સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો અને તંત્ર દ્વારા તેમની શોધખોળ ચાલુ હતી. દરમ્યાન આ બનાવ અંગે માળીયા પોલીસ સ્ટેશનનો આજે સવારે સંપર્ક સાધતા માળીયા પોલીસ સ્ટેશનનાં હેડકોન્સ્ટેબલ દિપસિંહ જાગીદાસભાઈ સીસોદીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગઈકાલે જે મેઘલ નદીનાં પુલ ઉપરથી બળદગાડુ તણાઈ જતાં તેમાંથી દંપત્તિ પૈકીનાં જેન્તીભાઈ સગરનો બચાવ થયો હતો. જયારે તેમનાં પત્ની ભાવનાબેનનો મોડે સુધી પત્તો લાગ્યો ન હતો અને શોધખોળ ચાલુ હતી. દરમ્યાન આજે સવારે ફરી શોધખોળ કરવામાં આવતાં ભાવનાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દંપત્તિ ખંડીત થયું હતું અને તેમનાં પરીવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બીજી તરફ આ બનાવને લઈને જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. ચોમાસાનાં સમયે નદી અને વોકળાનાં પુલીયા ઉપર લોકોની સલામતી માટે ચેતવણી તેમજ પાણીની માપ-સાઈઝ અંગેનાં બોર્ડ લગાવવાનાં હોય છે પરંતુ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેઘલ નદીનાં પુલ ઉપર આવા કોઈ બોર્ડ કે સુચના આપવામાં આવી ન હતી કે બોર્ડ લખાયેલ ન હતાં. તેવી માહિતી જીલ્લા કોંગ્રેસ સમિતિને મળી છે ત્યારે કલેકટરને કરાયેલ રજુઆતમાં આવા ગંભીર બનાવ વખતે રોડ વિભાગનાં જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તે માટે જાખમવાળા પુલીયા કે નાલાં સહિતનાં રસ્તા ઉપર આવતાં સ્થળોને ચેતવણીનાં બોર્ડ લગાવવાની પણ માંગણી કરવામાં આવી હોવાનું જૂનાગઢ જીલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વી.ટી.સીડાની યાદીમાં જણાવેલ છે. આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા પણ પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews