માંગરોળ : મકતુપુરમાં ડમ્પિંગ જગ્યાનો કબજા લેવા ગયેલ પાલિકા તંત્ર સામે ગ્રામજનોનો રોષ

0

માંગરોળના ઘન કચરાના ડમ્પિંગ માટે મકતુપુર ગામે ફાળવાયેલી જગ્યાની સફાઈ અને કબ્જો લેવા પોલીસ બંદોબસ્ત સાથે ગયેલા ન.પા. તંત્રને ભારે લોકરોષનો સામનો કરવો પડ્‌યો હતો. ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને તંગ સ્થિતિ વચ્ચે બે દિવસમાં પ્રશ્નના નિવેડાની ઉચ્ચકક્ષાએ રજૂઆત બાદ કલેકટરની મૌખિક સુચનાથી તંત્રને હાલ પુરતી કાર્યવાહી રોકી દેવાની ફરજ પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળ શહેરમાંથી દરરોજ એકત્ર થતા કચરાના નિકાલની લાંબા સમયથી સમસ્યા પ્રવર્તી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ કલેકટર દ્વારા નીમ કરાયેલી અનેક જગ્યા ઉપર આરોગ્ય અને પ્રદુષણ સહિતના કારણોથી તંત્રે લોકોના વિરોધનો સામનો કરવો પડ્‌યો છે. ત્યારે મકતુપુર ગામે દરીયાકાંઠે સરકારી ખરાબાની ત્રણ હેકટર જમીન કચરો ઠાલવવા ફાળવી હતી. અહીં પણ જોરદાર વિરોધની શક્યતાને ધ્યાનમાં લઈ ડીવાયએસપી પુરોહિત, મરીન પીઆઈ રાઠોડ, શીલ પીએસઆઈ વાધ સહિતના પોલીસ બંદોબસ્ત સાથે ન.પા.ચીફ ઓફીસર ચાવડા તથા સેનિટેશન વિભાગના કર્મચારીઓના સ્ટાફ સાથે તંત્ર જગ્યાની સફાઈની કાર્યવાહી માટે પહોંચ્યુ હતું. પરંતુ તે પૂર્વે જ મહીલાઓ રસ્તામાં બેસી ગઈ હતી અને શાબ્દિક બોલાચાલી થતા હોબાળો મચી ગયો હતો. દરમ્યાન ન.પા.ના ટ્રેક્ટર ઉપર કેટલાક પથ્થરો ફેંકાતા પોલીસને હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. લોકો વારંવાર જેસીબી આડે ઊભા રહી જતા ઘર્ષણની સ્થિતિ ઉદભવી હતી. જો કે તંગ વાતાવરણ વચ્ચે ઉચ્ચકક્ષાએથી સુચના આવતા કામગીરી અટકાવી દેવાઈ હતી. ત્યારબાદ જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા સહિતના આગેવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. જો કે આગામી દિવસોમાં કચરાના પ્રશ્ને હવે શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવાનું રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!