દેવભૂમિ દ્વારકા જીલ્લાનો નાયબ મામલતદાર લાંચની રકમ માંગતા ઝડપાયો


દેવભૂમિ દ્વારકા જીલ્લાની કચેરીઓમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા એક કર્મચારી સામે આજથી આશરે અઢી વર્ષ પૂર્વે લાંચ અંગેની નોંધાયેલી ફરિયાદ અરજી બાદ આ મુદ્દે એફ.એસ.એલ.ની ખરાઈ કર્યા પછી એ. સી. બી.પોલીસે તેની સામે લાંચ રૂશ્વત અંગેનો ગુનો નોંધી તેમની અટકાયત સહિતની જરૂરી તજવીજ હાથ ધરી છે. આ અંગેની એ.સી.બી. દ્વારા જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાની ભાણવડ તાલુકા સ્થિત મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને ખંભાળિયામાં દ્વારકા ગેઈટ વિસ્તારમાં રહેતા મજીદ કાસમભાઈ બ્લોચ નામના વર્ગ-૩ ના કર્મચારી પાસે સ્થાનિક રહીશ દ્વારા ગત તા. ૦૬/૦૧/૨૦૧૮નાં રોજ જન્મના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની કામગીરી અર્થે અરજી કરવામાં આવી હતી. આ માટે મજીદભાઈ બ્લોચ પાસે ગયેલા અરજદાર પાસેથી તેમણે રૂપિયા પાંચ હજારની રકમની માગણી કરી હતી. બાદમાં રકઝક અંતે રૂપિયા ૧૫૦૦/- આપવાનું નક્કી થયું હતું. જે પૈકી નાયબ મામલતદારે રૂપિયા એક હજાર રોકડા લઈ લીધા હોવાનું પણ જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અરજદાર દ્વારા ઓડિયો તથા વિડીયો સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ બાબતે આધાર-પુરાવા સાથે તેમના દ્વારા એ.સી.બી. વિભાગને અરજી કરવામાં આવી હતી. જેથી એ.સી.બી. વિભાગના રાજકોટ એકમના મદદનીશ નિયામક એચ.પી. દોશીના સુપરવિઝન હેઠળ આ તમામ ઓડિયો-વીડિયો રેર્કોડિંગનું એફ.એસ.એલ. લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવતા તેની ખરાઈ કરવામાં આવી હતી. જેની ખરાઇ અંતે ઉપરોક્ત નાયબ મામલતદાર સામે લાંચ અંગેનો કેસ અહીંના એ.સી.બી. કચેરીના ઈન્ચાર્જ પી.આઈ.એ.ડી. પરમાર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. આના અનુસંધાને એ.સી.બી. પોલીસ દ્વારા હાલ દ્વારકામાં ફરજ બજાવી રહેલા નાયબ મામલતદાર મજીદ બ્લોચની અટકાયત સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંગેની ધોરણસર તપાસ રાજકોટના એ.સી.બી.પી.આઈ. એમ. એમ. સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!