દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાંથી અવાર નવાર પકડતી લાખો રૂપિયાની ખનિજચોરી વચ્ચે પણ સ્થાનિક તંત્ર ટુંકુ પડી રહ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે. આ દરમ્યાન ચારેક દિવસ પૂર્વે કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામેથી રાજકોટ આર.આર.સેલ વિભાગના સ્ટાફે દરોડો પાડી, કરોડો રૂપિયાની કિંમતના મશીનો ઉપરાંત આશરે રૂ.૧૪ કરોડ જેટલી કિંમતની ખનીજ ચોરી પકડી પાડી, તંત્રને ઊંઘતું ઝડપી લીધું હતું. આ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ ખનીજ વિભાગની પણ આર.આર.સેલ દ્વારા મદદ લેવામાં આવી હતી. આ પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ ખનીજ અધિકારી તથા સ્ટાફ દ્વારા બુધવારે રાત્રે કલ્યાણપુર પંથકમાં વ્યાપક ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમ્યાન કેનેડી ગામ તરફ જતા રસ્તે મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહ્યું હોવાનું સ્ટાફના ધ્યાને આવતા આ સ્થળે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી જી.આર.અરેઠીયા, સર્વેયર આર.આર.જાડેજા તથા રોયલ્ટી ઈન્સ્પેક્ટર ગૌરવ પરમાર સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી મોટા પ્રમાણમાં બોકસાઈટની ચોરી થઈ રહી હોવાનું ખુલવા પામ્યું હતું. ભાટીયા વિસ્તારમાં આ સ્થળેથી રૂપિયા ૪૪,૩૨,૫૦૦/- ની કિંમતનો ૩,૫૪૬.૫૮ મેટ્રિક ટન બોકસાઈટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, રૂપિયા ૩૦ લાખની કિંમતનું એક હિટાચી મશીન પણ આ સ્થળેથી કબ્જે લેવામાં આવ્યું હતું. જો કે આ સ્થળે કોઈપણ ખનીજચોર શખ્સ મળી આવ્યો ન હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ ખનીજ અધિકારી એન.એમ.પટેલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં રૂપિયા ૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી, કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં સરકારી જમીન ઉપર થઈ રહેલી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી અંગે માપણી સહિતની ધોરણસર કાર્યવાહી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત માસમાં અહીંના ખાણ ખનીજ વિભાગ દ્વારા દ્વારા આશરે રૂપિયા અઢી કરોડની ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. ત્યારબાદ ચાર દિવસ પૂર્વે આર.આર.સેલ દ્વારા પણ કલ્યાણપુર તાલુકામાં જ કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડાઈ હતી. ત્યારે ટૂંકા સમયગાળામાં વધુ પોણો કરોડનો મુદ્દામાલ ઝડપાતા ખનીજચોરી કરતા તત્વો કેટલા બેફામ બની ગયા હશે તેનો અંદાજ આવી શકે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews