સિધ્ધિ સીમેન્ટ કંપનીએ કાયમી કર્મચારીઓનો ૨૦ ટકા અને કોન્ટ્રાકટના કર્મીઓનો ૫૦ ટકા પગાર કાપતા રોષ

0

કોરોનાના લોકડાઉનને ધ્યાને રાખી મજુરો-કર્મચારીઓનો પગાર ન કાપવા અને છુટા ન કરવા વડાપ્રધાનથી લઇ મુખ્યખમંત્રી સહિતનાઓ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને અપીલ કરી રહયા છે. તેમ છતાં અમુક ઉદ્યોગપતિઓ વડાપ્રધાનની અપીલને ન ગણકારતા હોય તેમ તેઓના ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં કાપ મુકી રહયાના કિસ્સાઓ સામે આવી રહયા છે. આવો જ એક કિસ્સો ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત સિધ્ધી સીમેન્ટ કંપનીમાંથી બહાર આવ્યો છે. જેમાં કંપનીએ તેમને ત્યાં કામ કરતા કાયમી કામદારોના ૨૦ ટકા તથા કોન્ટ્રાકટર કામદારોનું વેતન ઘટાડી નાંખ્યા ઉપરાંત ૨૦ જેટલા કોન્ટ્રાકટના કર્મીઓને છુટા કરી દીધા છે. જેની સામે ભારતીય મઝદુર સંઘે વિરોધ દર્શાવી આ બાબતે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી કંપની સામે કાર્યવાહી કરવા માંગણી છે. જો કાર્યવાહી કરી કર્મચારી-મજુરોને ન્યાય નહીં અપાવવામાં આવે તો બીએમએસને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ભારતીય મઝદુર સંઘના ગીર સોમનાથ જીલ્લા મંત્રી રામપાલ સોનીએ જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લાના મોરાસા ખાતે કાર્યરત ગુજરાત સિધ્ધી સીમેન્ટ કંપની લોકડાઉનનો ગેરલાભ ઉઠાવી કંપનીમાં કામ કરતા કાયમી કામદારોના પગારમાં ૨૦ ટકા પગાર કાપવાની સાથે કોન્ટ્રાકટરના કામદારોને ફકત રૂ.૪ હજાર આપવા સ્વૈચ્છાએ સહમતી પત્રક ઉપર સહી લેવાનું ચાલુ કરેલ છે. કંપનીમાં કોન્ટ્રાકટથી કામ કરતા અંદાજે બે હજાર જેટલા કર્મચારીઓનો પગાર ૫૦ ટકા જેટલો ઘટાડી હાલ ફકત રૂ.૪ હજાર જેવો જ પગાર આપી રહી છે. કંપની કાયમી અને કોન્ટ્રાકટના કર્મચારીઓ પાસેથી યેનકેન પ્રકારે સહમતિ પત્રકમાં સહીઓ કરાવી રહી છે. જેમાં કંપનીના ફેબ્રીકેશન વિભાગમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરી રહેલ ૨૦ કર્મચારીઓએ સહી કરવાની ના પાડતા તમામને નોકરી ઉપરથી ગેરકાયદેસર રીતે છુટા કરી દેવામાં આવેલ છે. આ કાર્યવાહીને બીએમએસ વિરોધ સાથે સખ્ત શબ્દોમાં વખોડે છે. કંપનીની કર્મચારીઓ સામેની અસંવેદન કામગીરી અંગે બીએમએસએ ગુજરાતનાં મુખ્યમંત્રી, શ્રમમંત્રી, ગીર સોમનાથ જીલ્લા કલેકટર સહિતના સરકારી અધિકારીઓને લેખીત ફરીયાદ કરી છે. જેમાં છુટા કરાયેલા કર્મચારીઓને નોકરી ઉપર નહીં લેવામાં આવે તો અને પુરો પગાર નહીં આપવામાં આવે તો બીએમએસને કર્મચારીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી છે. આ બાબતની તમામ જવાબદારી સિધ્ધિ સીમેન્ટ કંપનીની રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!