જાેરદાર પવન ફૂંકાતો હોય અને અચાનક ધોધમાર વરસાદ તૂટી પડે, લાઈટો ગુલ થાય અને આકાશમાં મેઘ ગર્જના સાથે વિજળીના ચમકારા અને કડાકા ભડાકા થતા હોય અને વરસાદ ગાજતો હોય તેવા સમયમાં નાના-મોટા સૌ કોઈને હૈયે ધ્રાસકો પડી જતો હોય છે અને વિજળીના ચમકારાની સાથે જ કડાકા, ભડાકા થતા હોય ત્યારે ચોકકસ એવું તારણ નિકળે કે, કયાંકને કયાંક વિજળી પડી હશે, હજારો પાવર વોટ ધરાવતી આ વિજળી પડવાથી અસરગ્રસ્તનું તત્કાલ મૃત્યુ થતું હોય છે તેમજ જયાં પણ પડે ત્યાં નુકશાની પણ થતી હોય છે અને વિજળી પડવાનો ભય અંકબંધ રહેલો છે. દરમ્યાન જંગલમાંથી પસાર થતી વખતે એવા ચેતવણીના બોર્ડ મારેલા હોય છે કે આ બાજુ નિકળતા નહીં, ત્યાં ભય છે, કોઈના રહેઠાણ કે ઓફિસે જતા હોય છે ત્યારે ઘણીવાર કુતરાથી સાવધાન રહેવાના બોર્ડ મારેલા હોય છે. જીઈબીના ટ્રાન્સફોર્મર હોય છે ત્યાં ડેન્જરનું ભયજનક બોર્ડ મારેલું હોય છે. અતિવૃષ્ટિના સમયે દરિયો ન ખેડવા કે નીચાણવાળા વિસ્તારોને સલામત કરવા માટેના ભયજનક સિગ્નલો લગાડવામાં આવતા હોય છે. પરંતુ અત્યાર સુધી વિજળી પડવા અંગેના કોઈ અગાઉથી ચેતવણી ન મળવાના કારણે દર વર્ષે સંખ્યાબંધ બનાવો બનતા હોય છે. પરંતુ હવે સંભવિત વિજળી પડવાના બનાવમાં અગાઉથી ચેતવણી મળી શકે તેવી દામીની એપ્લીકેશન કાર્યરત બની ગઈ છે અને જેને લઈને ખતરાની ઘંટડી અગાઉથી જ વાગી શકે છે અને જેને લઈને સંભવિત અકસ્માતોના બનાવો અટકાવી શકાય તેમ છે. ચોમાસાની ઋતુમાં અતિશય વરસાદ, મેઘ ગર્જના, વિજળી પડવાના બનાવો દર વર્ષે થતા હોય છે અને કુદરતી આપત્તિ ગણાતા આવા અકસ્માતના બનાવમાં ખાસ કરીને વિજળી પડવાના કારણે સંખ્યાબંધ લોકો તેમજ પશુઓના મૃત્યુ થતા હોય છે તેમજ અનેક સ્થળોએ વિજળી પડવાને કારણે ભારે મોટા નુકશાન પણ થતા હોવાના બનાવો બનતા હોય છે. કુદરતી આપત્તિ સામે માનવી માત્ર લાચાર બની જાય છે અને કોઈપણ પ્રકારની જાણકારી ન હોવાને કારણે ભરચોમાસામાં વિજળી પડવાના કારણે મોતનાં મુખમાં ધકેલાઈ જતા હોવાના બનાવો છાશવારે અખબારોના પાના ઉપર ચમકતા હોય છે. પરંતુ હવે આકાશમાં થતી વિજળીનું લોકેશન દર્શાવતી દામીની એપ્લીકેશન સ્ટાર્ટ થઈ છે અને આ મોબાઈલ એપ્લીકેશન દ્વારા વિજળી કઈ જગ્યાએ પડવાની છે તે અંગેની માહિતી સાથે એલર્ટ પણ કરી શકે છે અને જેને લઈને લોકો પોતાની સુરક્ષા અને સલામતી જાળવી શકશે. એટલું જ નહીં દર વર્ષે આવી વિજળી પડવાના કારણે અકસ્માતે મોતમાં ધકેલાઈ જતા લોકોનો પણ બચાવ થશે. આકાશમાં થતી વિજળીના સુરક્ષા કવચ ગણાતા દામીની એપ્લીકેશન અંગેની સંપૂર્ણ માહિતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ કૃષિ મૌસમ યોજનાનાં યાંત્રિક અધિકારી ધિમંત રસિકભાઈ વઘાસીયાએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકને વિસ્તૃત વિગતો આપી હતી. તેઓના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુમાં આકાશમાં થતી વિજળીનંુ સુરક્ષા કવચ ‘દામીની’ એપ્લીકેશન બની રહ્યું છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટ્રોપીકલ મટીરીયોલોજી, પુણે (પૃથ્વી મંત્રાલય) સંસ્થા દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં લગભગ ૪૮ સેન્સર વડે એક વિજળી લોકેશન નેટવર્ક બનાવવામાં આવ્યું છે. આ નેટવર્કને ‘દામીની’ એપ્લીકેશન નામ અપાયું છે. કૃષિ હવામાન યુનિટે જણાવ્યું હતું કે આ એપ્લીકેશન કોઈપણ વ્યક્તિ પોતાના સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરી શકે છે. આ એપ્લીકેશન વિજળી પડવાના ચોકકસ જગ્યા, મેઘ ગર્જના અને દરમ્યાન શું કરવું અને શું ન કરવું જાેઈએ વગેરે જાણકારી આપવામાં મદદરૂપ થાય છે. જાે તમે આ એપ ડાઉનલોડ કરેલ હશે તો ફોન જ આપને ચેતવણી આપશે. ફોનમાં લાલ સિગ્નલ આવશે અને સાથે પ્રભાવિત જગ્યા પણ બતાવશે જેને કારણે આપ એ જગ્યાએ જવાથી બચી શકશો. કૃષિ હવામાન યુનિટ દ્વારા એમ પણ જણાવાયું છે કે આ એપ્લીકેશન પણ હવામાન આગાહીની જેમ આકાશમાં થતી વિજળી અને ગર્જનાની પહેલેથી જ જાણકારી આપી દેશે, આના માટે તકનીકની મદદ લેવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ આ એપ્લીકેશન બધા માટે જરૂરી છે. આ એપ્લીકેશન એવી રીતે બનાવાયેલ છે કે આના દ્વારા લોકોને સચોટ જાણકારી મળી શકે અને સમય સાથે પોતાની સુરક્ષા કરી શકે. કૃષિ હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે મોટાભાગના સમયમાં આપણે મેઘગર્જના ચાલુ હોય ત્યારે પણ મુસાફરી ચાલુ રાખીએ છીએ. જાે વધારે મેઘગર્જના અને વરસાદની પરિસ્થિતિ સર્જાય તો મોટાભાગના લોકો છુપાવા માટે ઝાડ અથવા તો દિવાલની મદદ લેતા હોય છે. એટલા માટે એ પણ જરૂરી છે કે, વિજળી અને વધારે વરસાદની સ્થિતિમાં તેનાથી દૂર રહેવું જાેઈએ. દર વર્ષે ભારતમાં લગભગ ર૦૦૦ થી ૩૦૦૦ લોકો વિજળી પડવાના બનાવનો ભોગ બને છે. તેના નિવારણ માટે આઈઆઈટીએમ પુણે (પૃથ્વી મંત્રાલય, ભારત)એ દામીની એપ્લીકેશન બનાવી છે જેનો ઉદ્દેશ આકાશમાં થતી વિજળી અને ગર્જનાની પહેલેથી જાણકારી આપવાનો છે. આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘણા લોકો આ એપ્લીકેશન ડાઉનલોડ કરી ચૂકયા છે તેમ અંતમાં ધિમંત રસિકભાઈ વઘાસીયા, યાંત્રિક અધિકારી ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના (ભારત હવામાન વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી)એ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews