કોરોનાનાં કહેર વચ્ચે ધંધા-રોજગાર ઠપ્પ છે ત્યારે અર્થતંત્રને વિકસાવવા પ્રોત્સાહન પેકેજની આવશ્યકતા

0

કોરોનાનાં કહેર વચ્ચે માર્ચ માસથી જ ધંધા-રોજગાર ઉપર ખુબ જ ગંભીર અસર પહોંચી છે અને અર્થતંત્રનું ચિત્ર દિવસે-દિવસે બિહામણું બની રહ્યું છે તેવા સંજાેગોમાં વિકાસનાં કોમળ અંકુરો ઠીંગરાઈ ગયાં છે ત્યારે અર્થતંત્રને વિકસાવવા માટે નવા પ્રોત્સાહન પેકેજની આવશ્યકતા છે. લોકડાઉન લંબાવવો, ક્રમશઃ ઉઠાવવો કે એક ઝાટકે ઉઠાવી લેવો ? સાપે છંછુદર ગળ્યા જેવો ઘાટ છે. નથી આ બાજુ જવાતું કે નથી પેલી બાજુ જવાતું. માર્ચના છેલ્લાં સપ્તાહમાં દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે સરકારની, વેપારઉદ્યોગની અને જનતાને જે કંઈ ગણતરી, ધારણા કે આશા અપેક્ષા હતી તે બધી ધુળમાં મળી ગઈ છે. બે-ચાર સપ્તાહ કામકાજ બંધ રાખીને કોરોનાને ભગાડી દઈએ તો પછી ગાડી ફરીથી પાટે ચડતા વાર નહીં લાગે એમ સહુ ધારતા હતા. આજે ચાર મહિના પછી આર્થિક પ્રવૃતિનો ગ્રાફ નીચે ઉતરી ગયો છે, પણ કોરોનાનો ગ્રાફ નીચે આવવાનું નામ નથી લેતો. ર૦૦૮-૦૯ની વિશ્વવ્યાપી મંદીમાં જાગૃતિક વિકાસદર ર.૦૧ ટકા હતો ત્યારે પણ ભારતે ૩.૧ ટકા વિકાસ નોંધાવ્યો હતો. કોરોનાનો માર વૈશ્વિકમંદી કરતા કયાંય વધારે આકરો છે. આ વર્ષે જૂન ત્રિમાસીકમાં રાષ્ટ્રીય આવકમાં રપ ટકાનો ઘટાડો થવાની ધારણા છે. જયારે ર૦ર૦-ર૧માં સમગ્ર અર્થતંત્ર પાંચ ટકા જેટલું સંકોચાશે. એવો રેટિંગ એજન્સીનો અંદાજ છે. આ શુષ્ક આંકડાઓ પાછળ રોગથી અને મંદીથી બરબાદ થયેલા હજારો નાનામોટા વેપારધંધાઓ અને કારખાનાં અને બેકારીનાં ખપ્પરમાં હોમાઈ ગયેલા લાખો શ્રમજીવીઓના યાતના અને વેદના છુપાયેલી છે. જે આંકડામાં કેદ કરવી અશક્ય છે. કેટલુંક નુકશાન કાયમી હશે કેટલુંક લાંબાગાળા પછી દેખાશે. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સના અંદાજ અનુસાર મધ્યમ ગાળામાં એશિયા-પેસેફિક દેશોની રાષ્ટ્‌્રીય પેદાશ ત્રણ ટકા ઘટી જશે. જયારે કિસીલના મતે ભારતની રાષ્ટ્રીય આવકના દસ ટકા કાયમ માટે ધોવાઈ જશે. સૌથી સંતોષકારક વાત એ છે કે ચોમાસાનો પ્રારંભ ઉત્સાહપ્રેરક છે. અત્યાર સુધીમાં એકંદરે સામાન્ય કરતાં ૧૪ ટકા વધુ વરસાદ થયો છે. મોટા જળાશયોમાં દસ વર્ષની સરેરાશ કરતાં ૪૬ ટકા વધુ પાણી છે અને ભુગર્ભમાં પાણીનાં તળ ઉંચા આવ્યાં છે. પાણીની છુટ થવાથી ૧૦ જુલાઈ સુધીમાં પપ ટકા વાવણી પુરી થઈ ગઈ છે. બધા ખરીફ પાક, ચોખા, કઠોળથી માંડીને મકાઈ, બાજરો, જુવાર, સોયાબીન, તલ, મગફળી અને કપાસનાં વાવેતરમાં ગયા વર્ષનાં મુકાબલે વધારો જાેવાયો છે. હવે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં પુરતો વરસાદ પડે અને તીડનો ઉપદ્રવ ન નડે તો બમ્પર પાકની આશા રાખી શકાય. ભારતનું અર્થતંત્ર ર૦૦ લાખ કરોડનું છે. તે પાંચ ટકા સંકોચાય તો પણ રૂા.૧૯૦ લાખ કરોડનું થાય. જુનમાં લોકડાઉન હળવો કરાયા પછી તાત્કાલિક વપરાશની વસ્તુઓ બનાવતી કંપનીઓ ૯૦ ટકા ક્ષમતાએ કામ કરતી થઈ છે. કોરોનાનો ભય અને બેકારીથી છુટવા મજુરો જે રાજયમાં કામ કરતા હતાં તે રાજયોનાં શહેરમાંથી છોડીને વતન ચાલ્યા ગયેલ કારીગરોમાં ફરીથી કામ ઉપર પાછા આવવા ટ્રેન પકડી રહ્યાં છે. ઉદ્યોગકારો, બિલ્ડરો ફરીથી મજુરોને પરત બોલાવી રહયા છે. દુકાનો અને શોરૂમો ખુલે પછી તહેવારોમાં ધરાકી વધવાની આશા છે. ઉપરાંત વાણિજય મંત્રાલયે બહાર પાડેલા આયાતનિકાસના આંકડા પણ ચિંતાજનક ચિત્ર રજુ કરે છે. નિકાસનો ઘટાડો ધીમો પડ્યો છે. પણ આયાત ઘટતી જાય છે તે ઉંડી મંદીનું સુચન કરે છે. નિકાસ કરતાં આયાત વધારે ઘટવાથી જુન મહિનામાં વિદેશ વેપારમાં ૮૦ કરોડ ડોલરની પુરાંત રહી. વીસેક વર્ષ પછી નિકાસની કમાણી આયાતનાં ખર્ચને વટાવી ગઈ. ગયા વર્ષની સરખામણીમાં નિકાસ એપ્રિલમાં ૬૦ ટકા અને મેમાં ૩૬.ર ટકા ઘટયા પછી જુનમાં માત્ર ૧ર.૪ ટકા ઘટી. ૩૦માંથી ૧૮ જણસોની નિકાસ ઘટી જેમાં રત્નો અને આભુષણો, ચામડાની ચીજવસ્તુઓ અને ટેક્ષટાઈલ્સ જેવી શ્રમપ્રધાન ચીજાેનો પણ સમાવેશ થાય છે. ખનીજ તેલ સિવાયની આયાતો અને યંત્ર સામગ્રીની આયાત ૪૧.૪ ટકા ઘટી જે અર્થતંત્રમાં માંગના અભાવનું મંદીનું સુચન કરે છે. મહામારીને પગલે વપરાશ ઘટી જવાથી હજારો ઔદ્યોગિક એકમો અને વેપારધંધાને તાળાં લાગી ગયા. તેને પગલે હજુ મોટી બેકારી વધશે અને માંગ સંકોચાશે. આ ઉપરાંત ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, પ્રવાસન, રમતગમત અને મનોરંજન ક્ષેત્રે પરિસ્થિતિ સામાન્ય થતાં ઘણો સમય લાગશે. અત્યારનાં સંજાેગો જાેતાં સપ્ટેમ્બરમાં ત્રિમાસીકમાં પણ રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થશે. ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટાડો થશે. ડિસેમ્બર ત્રિમાસિકમાં ધીમો સુધારો થઈ શકે જાે ચોમાસું સામાન્ય રહે અને કોરોના જુલાઈના અંત સુધીમાં પીછેહઠ કરવા લાગે અને સરકાર રાષ્ટ્રીય આવકના એક ટકા જટલું વધારાનું પ્રોત્સાહન પેકેજ જાહેર કરે. હાલનાં સંજાેગોમાં મુડી રોકાણ અને વપરાશ બંને વધારવામાં સરકારે આગેવાની લેવી પડશે. તે વગર કોરોનાનાં આ કળણમાંથી બહાર આવતા અસહ્ય વિલંબ થશે અને તેના અનેકવિધ દુરગામી માંઠા પરિણામો આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!