અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનના કાર્યક્રમના બે દિવસ પહેલાં જ ભગવા રંગથી રંગાયેલી નિમંત્રણ પત્રિકાનું અનાવરણ કરાયું હતું. આ નિમંત્રણ પત્રમાં પીએમ મોદી ઉપરાંત માત્ર ત્રણ લોકોનું નામ સામેલ છે જે મહેમાનોની યાદીમાંથી કરાયેલી છટણીનો સંકેત છે. કાર્ડમાં પીએમ મોદી ઉપરાંત આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામ દેખાય છે. કોરોના મહામારીના સંકટને પગલે આ કાર્યક્રમમાં લોકોને સીમિત સંખ્યામાં જ બોલાવાઈ રહ્યા છે. નિમંત્રણ પત્રમાં આ નામો ઉપરાંત ભગવાન રામની તસ્વીર પણ છે. અહેવાલો અનુસાર માત્ર ૧૭૫ લોકોને જ નિમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર સ્ટેજ પર પણ માત્ર પાંચ લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં વડાપ્રધાન મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહંત નૃત્ય ગોપાલદાસ સામેલ હશે. સૂત્રોએ વધુમાં જણાવ્યું છે કે, અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારોમાંથી એક ઈકબાલ અન્સારીને પ્રથમ આમંત્રણ અપાશે. આ માટે તેમણે કહ્યું છે કે, આ ભગવાન રામની ઈચ્છા છે. દેશની કોરોના સામેની લડતની વચ્ચે યોજનારા ભૂમિપૂજન માટે માત્ર ૧૭૫ લોકોને આમંત્રણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે, પાંચમી ઓગસ્ટે ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદી બપોરે ૧૨ વાગે અને ૧૫ મિનિટ તથા ૧૫ સેકન્ડ પર તેનો શિલાન્યાસ કરશે. તેમના હાથમાં ૪૦ કિલોની ચાંદીની ઈંટ રાખીને ભૂમિપૂજન કરવામાં આવશે. પાંચમી ઓગસ્ટે કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દૂરદર્શન ઉપર કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે અયોધ્યામાં પણ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, રામ મંદિર એવી ૨.૭૭ એકર જગ્યાએ બાંધવામાં આવી રહ્યું છે જ્યાં ૧૬મી સદીમાં બનેલી બાબરી મસ્જિદને હિંદુ કાર્યકરોએ વર્ષ ૧૯૯૨માં શહીદ કરી હતી જ્યારે વર્ષો સુધી ચાલેલા કેસ બાદ સુપ્રીમ કોર્ટે અહીં મંદિર બનાવવા અંગેનો સમાધાનકારી ચુકાદો આપ્યો હતો. હિંદુ માન્યતા અનુસાર આ જગ્યા ભગવાન રામનું જન્મસ્થળ છે.
ભૂમિપૂજન માટે આમંત્રણ મળતા અયોધ્યા કેસના પક્ષકાર ઈકબાલ અન્સારીએ કહ્યું, ‘આ ભગવાન રામની ઈચ્છા છે’
બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ જમીન વિવાદ કેસમાં એક પક્ષકાર ઈકબાલ અન્સારીને પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં થનારા રામ મંદિરના શિલાન્યાસના કાર્યક્રમમાં ભાગ લેવાનું નિમંત્રણ મળ્યું છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહેમાનો હાજર રહેશે. નિમંત્રણ સ્વીકારતા અન્સારીએ કહ્યું કે, તેઓ માને છે કે, આ ભગવાન રામની ઈચ્છા છે અને તેથી તેમણે ભૂમિપૂજન માટેનું આમંત્રણ સ્વીકાર્યું છે. એક સમાચાર એજન્સી સાથે વાતચીતમાં અન્સારીએ કહ્યું કે, રામ મંદિરના શિલાન્યાસ માટે આવનારા વડાપ્રધાન મોદીનું તેઓ સ્વાગત કરશે. હું તેમને હિંદુઓનું પવિત્ર પુસ્તક રામચરિત માનસ પુસ્તક ભેટમાં આપીશ જેના પર કપડાંમાં ભગવાન રામનું નામ ચીતરેલું છે. બાબરી કેસમાં પક્ષકાર રહેનારા હાશિમ અન્સારીના પુત્ર ઈકબાલ અન્સારીએ ૨૦૦થી ઓછા વીવીઆઈપી મહેમાનોવાળા કાર્યક્રમ માટે ૧૪૬ નંબરનું આમંત્રણ કાર્ડ મેળવ્યું છે. અન્સારીએ કહ્યું કે, અહીં ગંગા-જમુની તહેઝીબ છે અને તમામ ધર્મોનું સરખી રીતે સન્માન કરાય છે. મને શા માટે આ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું તે વિશે કદાચ ભગવાન રામની ઈચ્છા હશે. અયોધ્યામાં રહેવા માટે હિંદુઓ અને મુસ્લિમોમાં કોઈ અંતર નથી.
‘ભૂમિ પૂજન’ પહેલા શણગાર માટે ૫,૧૦૦ કળશ બનાવવાની તૈયારી
અયોધ્યામાં પાંચમી ઓગસ્ટે થનારા રામ મંદિરના બહુ અપેક્ષિત ભૂમિ પૂજન માટે ૫,૧૦૦ કળશ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્થળેથી પ્રવાસ કરશે ત્યાં મુકાશે. સરસ્વતી શિશુ મંદિર સ્કૂલના પ્રિન્સિપાલ રામ બહાદૂર સિંહે જણાવ્યું કે, કળશ તૈયાર થઇ ગયા છે અને હાલમાં તેમને શણગારવામાં આવી રહ્યા છે. તેમને અયોધ્યામાં સરસ્વતી શિશુ મંદિરના કેમ્પસમાં તૈયાર કરવામાં આવ્યા છે. રામ મંદિરના ભૂમિ પૂજન માટેની તૈયારીઓમાં બધા સામેલ છે. ભૂમિ પૂજનના પ્રસંગ માટે અયોધ્યાને દિવાળીની જેમ શણગારવાની બધાની ઇચ્છા છે. હનુમાનગઢી ખાતે જ્યારે વડાપ્રધાન મોદી પુજા કરશે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં કળશને શણગારાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews