વેરાવળ-સોમનાથમાં બિસ્માાર બની ગયેલા રોડ-રસ્તાનઓનું સત્વરે સમારકામ કરાવવા અને નબળી ગુણવતાવાળા રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાકટરો સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં લેવાની માંગણી સાથેની લેખીત રજુઆત સોમનાથ સેવા સંઘના યુવાનોએ ચીફ ઓફીસરને કરી છે. જો નબળી ગુણવતાવાળા કામો કરનાર કોન્ટ્રાકટર સામે ટુંક સમયમાં પગલા ભરવામાં નહીં આવે તો સંઘ દ્વારા કોર્ટના દરવાજા ખખડાવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
વેરાવળ-સોમનાથ શહેરના જુદા-જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં થોડા સમય પૂર્વે બનેલા મોટાભાગના મુખ્ય અને શેરી-ગલીઓના રસ્તાઓ અતિ બિસ્માર બની ગયા છે. મોટાભાગના રસ્તાઓ ઉપર મસમોટા ગાબડાઓ પડી ગયા છે તો અમુક રસ્તાઓ ઉપર તો ડામર વરસાદી પાણીમાં વહી ગયેલો જોવા મળે છે. જેથી અતિબિસ્માર બની ગયેલા રસ્તાઓના લીધે રાહદારીઓ અને શહેરીજનોને નિકળવા સમયે હાલાકી ભોગવવી પડી રહી છે. જયારે ઉબડ ખાબડ રસ્તાઓના લીધે નાના-મોટા અકસ્માતના ભય સાથે લોકોને પસાર થવુ પડે છે. શહેરમાં છેલ્લા એકાદ વર્ષના સમયગાળામાં બનેલા મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા હોવાથી અનેક સવાલો શહેરીજનોમાં ઉઠયા છે. જેમ કે, પાલીકા વિસ્તારમાં આવેલ રેયોન કંપની, સોમનાથ મંદિર ટ્રસ્ટ જેવી સંસ્થાઓ પોતાની કોલોનીઓ અને વિસ્તારોમાં સી.સી.-પેવર બ્લોક અને ડામર રોડ બનાવે છે. ત્યાંના રોડ-રસ્તાઓ વર્ષો સુધી તુટતાં કે ખાડા પડતા નથી. તો પછી વેરાવળ-સોમનાથમાં પાલીકા અને પીડબલ્યુડી તંત્ર દ્વારા બનાવાતા રોડ-રસ્તાઓ કેમ તુટી અને ધોવાય જાય છે ? આ બિસ્માર રસ્તાઓનું સમારકામ પંદર દિવસની અંદર નહીં થાય તો સેલ્ફી વીથ ખાડા અભિયાન અને “ખાડા ત્યાં વૃક્ષારોપણ” જેવા લોકજાગૃતિના અભિયાન છેડવાની ફરજ પડશે.
જોડીયા શહેરમાં દર વર્ષે કરોડોના ખર્ચે રોડ-રસ્તા બને છે અને ટુંકાગાળામાં બિસ્માર બની જવાની સમસ્યા શહેરીજનો માટે માથાના દુઃખાવા સમાન બની ગઇ છે. જેનું મુળ કારણ એ છે કે, શહેરમાં રસ્તાઓ બનાવતા સમયે નિયમોનું ચુસ્ત પાલન થતુ નથી કે પછી તેનું ટેન્ડરીંગ મુજબ ઇન્સ્પેકશન પણ થતુ નથી. જેના કારણે હલકી ગુણવતાના રસ્તાઓ બની જાય છે. હાલ બિસ્માર બની ગયેલા રસ્તાઓના સમારકામનો ખર્ચ પણ જે તે બનાવનાર કોન્ટ્રાકટર પાસેથી જ વસુલ કરવામાં આવે તેવી માંગણી છે. અને જો આ બાબતે પાલીકા તંત્ર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે કોર્ટના દ્વાર ખખડાવવા પડશે.
ત્રીપુટીઓની સાંઠગાંઠનું પરીણામ નબળા રસ્તાઓ હોવાની લોકચર્ચા
અત્રે નોંધનીય છે કે, જોડીયા શહેરમાં નબળી ગુણવતાના રસ્તાઓ બનવા પાછળ લોકોમાં અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જેમ કે, રસ્તાઓના પાલીકાના કરોડોના ટેન્ડરમાંથી શાસકો, અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની ત્રીપુટી સાંઠગાંઠ કરી મસમોટી મલાઇ તારવી લેતા હોવાથી રસ્તાઓ ટકાઉ મજબુત બનતા નથી. જયારે રસ્તાઓ બને છે ત્યારે કામગીરીની ઇન્સ્પેકશન કરવાની જેમની જવાબદારી છે તેવા અધિકારીઓ એસી ઓફીસોમાં બેસીને કાગળ ઉપર કાર્યવાહી કરતા હોવાથી રસ્તાની ગુણવતા કેવી હોય તે સમજી શકાય છે. આવી અનેક ચર્ચાઓ લોકોમાં થઇ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews