જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે અસામાજીક તત્વોના ત્રાસથી કંટાળેલા લોકોએ સ્વયંભુ બંધ રાખી આવા તત્વો સામે કડક પગલાની માંગણી કરવામાં આવી છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢના મજેવડી ગામમાં બે દિવસ પહેલા રાતે ખામધ્રોળના બે શખ્સોએ ધમકીઓ આપીને ગામ બંધ કરાવતા તેના વિરોધમાં બે દિવસથી ગ્રામજનોમાં રોષ ભભુકયો છે અને બે દિવસમાં અડધો – અડધો દિવસ ગામ બંધ રાખતા પોલીસે ત્રણેક દિવસમાં તેમને પકડી લેવાની ખાત્રી આપતા હાલ મામલો સમેટયો છે. મજેવડી ગામના સરપંચ મહેન્દ્રભાઈ ઠાકરશીભાઈ ઢોલરીયાએ જણાવ્યું કે, ગત તા.૩૦નાં રોજ રાત્રે ૯-૩૦ વાગ્યાના અરસામાં કારમાં આવેલા બે શખ્સોએ પોલીસ હોવાનું કહીને ગામની બજારોમાં દુકાનો બંધ કરાવીને ધાક-ધમકીઓ આપી હતી જેને લઈને બીજા દિવસે વેપારી એસોસીએશનએ તા.૧ના રોજ બપોરથી રાત સુધી વેપાર-ધંધા બંધ રાખ્યા હતાં. આ અંગે તાલુકા પોલીસને રજુઆત કરવામાં આવી હતી. છતાં બે દિવસમાં કોઈ પગલા ન લેવાતા ફરીથી આજે સવારથી બપોર સુધી ગ્રામજનોએ રોષભેર બંધ પાળ્યો હતો. જેને લઈને તાલુકા પીએસઆઈ સગારકા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પોલીસે ગ્રામજનોને જણાવ્યું કે આ અંગેની તપાસ શરૂ છે. જે લોકોએ ધમકી આપી હતી તેની સાથે રહેલા મજેવડી ગામના એક શખ્સના નિવેદનમાં તે બંને શખ્સ ખામધ્રોળના હોવાનું અને હાલ તેઓ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે તેને સત્વરે બે-ત્રણ દિવસમાં પકડી કડક કાર્યવાહીની ખાત્રી આપતા આજે બપોર બાદ વેપારીઓએ ધંધા-રોજગાર ખોલ્યા હતા અને પોલીસને મહેતલ આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews