સતત વિવાદમાં રહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનની બે વિદ્યાર્થીનીઓ શ્રુષ્ટિ ગોવિલકર અને કલાવતી કંસારાના પીએચ. ડી. પ્રવેશ રદ્દ કરવાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. હાઇકોર્ટ દ્વારા કુલપતિ અને કુલસચિવને નોટિસ ફટકારવામાં આવી હતી. આ કેસની વધુ સુનાવણી તા. ૭-૯-૨૦૨૦ ના રોજ રાખેલ હતી પરંતુ યુનિવર્સિટીના વકીલ દ્વારા યુનિવર્સિટીના આ પદાધિકારીઓને કોરોના પોઝિટિવ આવતા હાઇકોર્ટમાં સમયસર જવાબ રજુ કરી શકવા અસમર્થતા દર્શાવી હતી અને જવાબ રજુ કરવા ત્રણ સપ્તાહનો સમય માંગ્યો હતો.
વિદ્યાર્થીનીઓના વકીલ હર્ષ ગજ્જરે ત્રણ અઠવાડિયાના સમય સામે વાંધો દર્શાવતા હાઇકોર્ટે યુનિવર્સિટીના પદાધિકારીઓની કોરોના બીમારીને ધ્યાને લઇ બે સપ્તાહમાં જવાબ રજુ કરવા મુદત આપી છે અને વધુ સુનાવણી તા. ૨૨-૯-૨૦૨૦ ના રોજ રાખેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૧૮ માં લેવાયેલ પીએચ. ડી. પ્રવેશ પરીક્ષામાં આ બંને વિદ્યાર્થીનીઓ ઉચ્ચ ગુણાંક સાથે પ્રથમ પ્રયત્ને પાસ થયેલ હતી અને બે વરસ બાદ સિન્ડિકેટ દ્વારા આ બંને વિદ્યાર્થીનીઓના પ્રવેશ રદ્દ થતા તેઓએ ન્યાય માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. અંગ્રેજી ભવન દ્વારા શ્રુષ્ટિ ગોવિલકરના માર્ગદર્શક તરીકે પ્રો. જયદિપસિંહ ડોડીયા અને કલાવતી કંસારાના માર્ગદર્શક તરીકે ડો. મુકેશ ભેસાણિયાને ફાળવવામાં આવ્યા હતા પરંતુ અંગ્રેજી ભવનના સિનિયર અધ્યાપકો વચ્ચેની આંતરિક લડાઈને કારણે તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતી બંને વિદ્યાર્થીનીઓને હાઇકોર્ટમા યુનિવર્સિટીના સત્તાધીશો સામે કાનૂની જંગના મંડાણ કરવાની ફરજ પડી છે.
આ ઘટનાથી ઉચ્ચ શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને યુનિવર્સિટીની આબરૂનું ધોવાણ થયું છે કારણ કે આવી તેજસ્વી વિદ્યાર્થીનીઓની કારકિર્દી સાથે ચેડાં કરવાની મેલી મુરાદ કોઈ કાળે ચલાવી લેવાય નહિ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews