૬ તાલુકામાં પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડુતોની ખરાઇ કરવા ટીડીઓને આદેશ

0

ગીર સોમનાથ જીલ્લામાં ગતઅઠવાડીયે જાહેર થયેલા પ્રધાનમંત્રી કિસાન યોજના કૌભાંડ મામલે મિડીયાના અહેવાલ બાદ સફાળા જાગેલા જીલ્લા પંચાયતના તંત્રે ગીર સોમનાથ જીલ્લાના તમામ ટીડીઓને યોજનાના લાભાર્થી ખેડુતોની ખરાઇ કરવા તપાસ કરી રીપોર્ટ કરવા આદેશ કર્યો છે. રીપોર્ટ આવ્યા બાદ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની રીકવરી સહિતની કાર્યવાહી કરવા તંત્રે કમ્મર કસી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. તો બીજી તરફ ગીર સોમનાથ જીલ્લામાં ખેડુતો ન હોય તેવા હજારોની સંખ્યામાં બોગસ રજીસ્ટ્રેશન થયાની અને જીલ્લામાં ફરજ બજાવતા વી.સી.ઇ. અને કોમ્પ્યુટર ઓપરેટરોની સમગ્ર કૌભાંડમાં શંકાસ્પદ ભૂમિકા હોવાની સરકારી ચર્ચાએ જોર પકડયું છે. દેશમાં ખેડુત સ્વમાનભેર પોતાનું ગુજરાન ચલાવી શકે અને જીવી શકે તે હેતુથી કેન્દ્ર સરકારે કિસાન સન્માન યોજના શરૂ કરી હતી. જેમાં સરકાર એક વર્ષમાં ત્રણ હપ્તામાં કુલ રૂા.૬ હજારની રકમ ખેડુતોના ખાતામાં સીધા જમા કરાવે છે. આ યોજનામાં ગત વર્ષે ગીર સોમનાથ જીલ્લાના અનેક ખેડુતો વંચિત રહયા હોવાની ફરીયાદો ઉઠી હતી. પરંતુ આ કિસાન સન્માન યોજનામાં જીલ્લામાં હજારોની સંખ્યામાં ડમી ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવી ગેરકાયદેસર રીતે લાભ લીધો હોવાનો ગત અઠવાડીયે ખુલાસો થયો હતો. જેમાં હજારો બોગસ ખેડુતોને યોજનાના બે થી ત્રણ હપ્તાની રકમ સીધી ખાતામાં ચુકવાઇ ગઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે જીલ્લા પંચાયતનું તંત્ર મોડું મોડું પણ સફાળુ જાગ્યું હોય તેમ હરકતમાં આવી કાર્યવાહી કરવા કમ્મર કસી છે. આ અંગે જીલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.વાઘમશીએ એક વાતચીતમાં જણાવેલ કે, આ યોજનાનો લાભ લેવા માટે ભારત સરકારના પોર્ટલમાં ખેડુતો પોતે પોતાની રીતે રજીસ્ટ્રેશન કરી શકે તેવી સુવિધા છે. હાલ જીલ્લામાં ૧૧ હજાર જેટલી એન્ટ્રીઓ થઇ હોવાનું પ્રાથમીક તપાસના અંદાજમાં જાણવા મળેલ છે. ગીર સોમનાથ જીલ્લા વિકાસ અધિકારીની સુચના મુજબ જીલ્લાના ૬ ટીડીઓને પોતાના તાલુકાઓના ગામોમાં થયેલ આવી એન્ટ્રીઓની તપાસ કરી રીપોર્ટ કરવાનો આદેશ કરવામાં આવેલ છે.
આ કૌભાંડમાં જવાબદાર કર્મચારીઓની સંડોવણી અંગે જણાવેલ કે, તપાસ પુર્ણ થયા બાદ જે રીપોર્ટ આવશે ત્યારે ખબર પડશે. તેમાં કોઇ જવાબદારની સંડોવણી આવશે તો તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લેભાગુ કૌભાંડીઓ સામે ત્વરીત પગલા લેવા ખેડુતોની માંગણી
દરેક કૌભાંડોમાં ફકત તપાસોના નાટકો થાય છે. તેમ આ કૌભાંડમાં તપાસનું નાટક ન થાય અને ખેડુતોના હકકના પૈસા જે લેભાગુ લોકો લઇ ગયા છે. તેની પાસેથી રીકવરી અને કૌભાંડમાં સંડોવાયેલાઓની સામે ત્વરીત ધોરણે કાયદેસરની પરીણામલક્ષી કાર્યવાહી થાય તેવી ખેડુતવર્ગમાંથી માંગણી ઉઠી છે.
સુત્રાપાડાના એક ગામની ખરાઇમાં જ ચોંકાવનારો ખુલાસો થયો
ગીર સોમનાથ જીલ્લામાં આ કૌભાંડનું એપી સેન્ટર ગણાતા એવા સુત્રાપાડા તાલુકાના એક ગામ લોઢવામાં તલાટીમંત્રીએ યોજાનાના લાભાર્થીઓની ખરાઇની કરેલ કામગીરીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ગઈકાલે ટીડીઓએ લોઢવાના લાભાર્થીઓની યાદી તલાટીમંત્રીને સોંપી છે. જેના આધારે ૩૦૦ લાભાર્થીઓની ખરાઇ કરવામાં આવેલ હતી જેમાંથી ૮૦ ટકા જેટલા ડમી ખેડુતો હોવાનું જાણવા મળેલ છે. હજુપણ ગામના અન્ય લાભાર્થીઓની ખરાઇનું કામ બાકી હોય જે એક-બે દિવસમાં પુર્ણ થયા બાદ કુલ કેટલા ડમી ખેડુતોએ લાભ લીધો છે તેની સાચી હકકીત જાણવા મળશે તેમ લોઢવાના સરપંચ ગોવિંદભાઇ ભોળાએ જણાવેલ છે. આ કૌભાંડ અંગે આરટીઆઇ એકટીવીસ્ટ ભગવાનભાઈ સોલંકીએ જણાવેલ કે, જીલ્લાના એક લોઢવા ગામમાંથી જ ૮૦ ટકા ડમી ખેડુતો મળી આવ્યા છે. તો પછી ગીર સોમનાથ જીલ્લો, રાજ્ય અને દેશમાં કેટલા કૌભાંડીઓ ડમી ખેડુતો બની લાખો-કરોડ રૂપીયા ચાઉં કરી ગયા હશે તે કહેવું મુશ્કેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!