કેશોદના અગતરાય રોડ ઉપર આવેલાં કેબીસી શોપિંગ સેન્ટર ખાતેની નોબેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે જયાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તિઓને સારવાર માટે દાખલ કરવામાં આવે છે. કેશોદ શહેરમાં રહેતાં ડઢાણીયા પ્રવિણભાઈ દેવરાજભાઈ (ઉ.વ.૬૧) ને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં કેશોદ ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ગઈકાલે સવારે ડઢાણીયા પ્રવિણભાઈ દેવરાજભાઈએ ત્રીજા માળે આવેલા વોર્ડની બારીએથી નીચે કુદકો માર્યો હતો જેથી તાત્કાલિક ૧૦૮ દ્વારા કેશોદ સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. કેશોદ સરકારી દવાખાને ફરજ ઉપરનાં ડો. ભીમાણીએ તપાસીને મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. મૃતક પ્રવિણભાઈ દેવરાજભાઈ ડઢાણીયા કેશોદ જીઇબી કચેરીનાં નિવૃત્ત કર્મચારી હતાં. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સામાન્ય રીતે કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થયેલાં કોરોના પોઝીટીવ રીપોર્ટવાળાં દર્દીઓ માટે યોગા દ્વારા માહિતી આપી શ્વાસ ઝડપી કરવા યોગ શિક્ષક અને માનસિક તનાવ દૂર કરવા માનસિક તજજ્ઞો દ્વારા પણ દવાઓની સાથે સાથે સારવાર આપવામાં આવતી હોય છે. ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલનાં ફરજ ઉપરનાં ડોક્ટરનાં જણાવ્યા મુજબ કોરોના પોઝીટીવ રીપોર્ટ ધરાવતાં દર્દી ડઢાણીયા પ્રવિણભાઈ દેવરાજભાઈને બ્લડપ્રેશરની પણ બિમારી હતી અને સ્ટાફના જણાવ્યા મુજબ સવારે પાંચ વાગ્યા સુધી ઉંઘ્યા નહોતા. દવા આપવામાં આવેલી હતી ત્યારે સવારે સાડા નવ વાગ્યે દુઃખદ ઘટના બની હતી. કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતાં દર્દીનું પોસ્ટમોર્ટમ કેશોદના સરકારી દવાખાનામાં કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય આગળ જાણ કરવામાં આવ્યાનું મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું. કોવીડ-૧૯ ખાનગી હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે વધું તપાસ કેશોદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews