Thursday, January 21

પક્ષાપક્ષીથી દૂર રહી પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે ગુજરાત જીતશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ત્વરિત સારવાર મળે અને સંક્રમણ ઓછું થાય એ માટે પક્ષાપક્ષીથી ઉપર રહીને પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે અને ગુજરાત જીતશે. આજે વિધાનસભામાં કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે ગુજરાત સરકારે કરેલી કામગીરી સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા લવાયેલ સરકારી સંકલ્પોમાં સહભાગી થતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સો વર્ષ પહેલાં સ્પેનિશ ફ્લૂ રોગ ફેલાયો હતો અને લોકો સંક્રમિત થઈ મોતને ભેટ્યા હતા. આ મહામારી પણ સો વર્ષ બાદ આવી છે, ત્યારે દેશ-દુનિયા સતત ચિંતિત છે. જેનું મૂળ કારણ હજુ સુધી વેક્સિન નથી. દેશમાં પણ કોરોનાની મહામારીનો વ્યાપ વધ્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંક્રમણને રોકવા માટે હિંમતભર્યા ર્નિણયો લઈને જે પગલાં લીધાં છે એના પરિણામે અન્ય દેશો કરતાં ભારતમાં સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. વિકસિત દેશો પણ મહામારી સામે લડી રહ્યા છે. ત્યાં પણ મૃત્યુ થયાં છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, સરકારની જવાબદારી છે કે રાજ્યમાં સંક્રમણ અટકે આપણા સૌની જવાબદારી છે સંક્રમણ ઓછું ફેલાય તે માટેની સુદૃઢ વ્યવસ્થા કરવી અને બીજી જવાબદારી સંક્રમિતોને પૂરતી ત્વરિત અને ગુણવત્તાલક્ષી સારવાર, એ અમારી સરકારે આપી છે. જેના પરિણામે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટક્યું છે અને કેસો પણ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણા ઓછા છે, એ માત્ર ને માત્ર અમારી નાગરિકોને સુશ્રૂષા આપવાની નીતિને આભારી છે. તેમણે ઉમેર્યું કે આપણે આ લડાઈ હજી લાંબી લડવાની છે. આગામી બે-ત્રણ માસમાં વેક્સિન મળે એવી સંભાવના છે, ત્યારે નાગરિકોને ઉચિત સારવાર અને દવા આપવી એ પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ જેવા રોગો સામે પણ ગુજરાત મક્કમતાથી લડ્યું છે અને જીત્યું છે. ત્યારે કોરોના સામે પણ જીતશે એવો મને દૃઢ વિશ્વાસ છે. કોરોનાના કાળમાં સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર એક થઈને ખડેપગે સેવાઓ આપી રહ્યું છે, એ બદલ સૌ અધિકારી-કર્મચારીઓ અને કોરોના વોરિયર્સને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, વિપક્ષ દ્વારા કાયમ ટ્રમ્પના કાર્યક્રમને આધાર બનાવીને રાજનીતિ કરવામાં આવે છે. તેની કડક શબ્દોમાં આલોચના કરતાં કહ્યું કે, રાજ્યમાં ૨૮ માર્ચના રોજ રાજકોટ ખાતે પ્રથમ કેસ આવ્યો ત્યારથી અમારી સરકારે સતર્કતાથી કામગીરી આરંભી. અમદાવાદમાં જ્યારે સંક્રમણ વધ્યું, ત્યારે ખાનગી હોસ્પિટલોનો સહયોગ લઈને કામગીરી આરંભી અને ધન્વંન્તરિ રથનો નવતર પ્રયોગ પણ અમલી કર્યો. જેના પરિણામે શહેરમાં સંક્રમણ અટકાવી શક્યા, જેની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લઈને આપણા મોડલને અનુસરવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સંક્રમણ અટકે એ માટે જનજાગૃતિ સહિત સંક્રમિત નાગરિકોને સારવાર મળે એ માટે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં ટૂંકાગાળામાં શરૂ કરી અને ત્યાર બાદ મોટા ભાગના જિલ્લાઓમાં પણ આવી હોસ્પિટલો ઊભી કરી અંદાજે ૪૯ હજાર પથારીની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી દીધી છે. તેમણે ઉમેર્યું કે કોરોનાના કપરા કાળમાં શરૂઆતમાં ટેસ્ટિંગ માટે સેમ્પલ પૂના મોકલવા પડતા હતા, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અને ૈંઝ્રસ્ઇની ગાઇડલાઇન અનુસાર રાજ્યમાં ટેસ્ટિંગની લેબોરેટરીઓ કાર્યરત કરવામાં આવી અને ટેસ્ટિંગની ક્ષમતા વધારીને વધુને વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે આપણે રોજબરોજ થતા કેસોની સંખ્યા અન્ય રાજ્યો કરતાં ઓછી રાખી શક્યા છીએ અને સંક્રમણ અટકાવી શક્યા છીએ. તેમણે ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાકાળમાં આર્થિક તંત્રને પૂર્વવત્‌ કરવા માટે આર્ત્મનિભર ભારત પેકેજ જાહેર કર્યું, જેના આધારે અમારી સરકારે પણ અર્થતંત્રને બુસ્ટ કરવા માટે રૂા.૧૪ હજાર કરોડનું આર્ત્મનિભર ગુજરાત પેકેજ જાહેર કરીને લોકોને નાણાં પણ પહોંચાડી દીધાં છે. ખેડૂતો માટે પણ આજે અમે રૂા. ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે, તે ચોક્કસ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે એવો મને દૃઢ વિશ્વાસ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!