માંગરોળના વેપારીઓ, બજરંગ દળ, અને પોલીસે પરપ્રાંતિય મહિલાનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું

0

માનવીય સંવેદના ઉજાગર કરતા આ કિસ્સાની વિગતો મુજબ માંગરોળ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રખડતી, ન સમજાય તેવી ભાષામાં બોલતી અને હોટલમાંથી ફેંકી દેવાતા એંઠવાડમાંથી ખાવાનું શોધતી એક પરપ્રાંતિય મહીલાના શારીરિક લક્ષણો ઉપરથી ગર્ભવતી હોવાનું જણાંતા વેપારીઓએ આ અંગે જેઈલ રોડ ઉપર એગ્રોના વેપારી કિરીટભાઈ મકવાણાને જાણ કરી હતી. અગાઉ અનેક માનસિક અસ્થિર અને પરિવારથી વિખુટા પડી ગયેલાઓને તેના પરિવારજનો સુધી પહોંચાડનાર કિરીટભાઈ મકવાણાએ બજરંગ મંડળના પ્રમુખ કાંતિભાઈ ચાવડા, નગરપાલિકાના પ્રમુખ મો.હુસેન ઝાલા, નીતિનભાઈ પરમાર, લિનેશ સોમૈયા સહિતનાને જાણ કરી તાબડતોબ ડીવાયએસપી જે.ડી. પુરોહીતને આ બાબતે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ડીવાયએસપીની સતત દેખરેખ હેઠળ પીએસઆઈ વિંઝુડાએ આ પ્રકરણનો દોર આગળ ધપાવ્યો હતો. શરૂઆતમાં સફાઈકર્મીઓએ આ મહીલાને નવડાવી નવા કપડાં, ચપ્પલ પહેરાવ્યા હતા. ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની તપાસમાં તેણીને સાતથી સાડા સાત માસનો ગર્ભ હોવાનું માલૂમ પડ્યું હતું. આ દરમ્યાન મહીલા પોલીસકર્મીઓ સતત ખડેપગે હતા. જાે કે શારીરિક રીતે અસ્વસ્થ જણાંતા તેને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાઈ હતી. દરમ્યાન પોલીસે દુભાષિયાઓની મદદ લેતા તે અસમ-બંગાળની બોર્ડર ઉપર આવેલા નોંગાવની વતની હોવાનું અને તેનું નામ સુલ્તાના હોવાનું ખૂલ્યું હતું. પ્રાથમિક પુછતાછમાં તેનો પતિ કડીયાકામ કરતો હોવાનું તેમજ પરિવારમાં બે બાળકો હોવાનું જણાવ્યું હતું. ત્રીજી વાર ગર્ભવતી હોય, ત્યારે વેરાવળ આવતી ટ્રેનમાં બેસી જતા ગમે તેમ આ તરફ આવી ગઈ હતી. આ મહીલા સાથે કોઈ અઘટિત કૃત્ય ન થયું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરતા મહીલાના પરિવારને શોધી કાઢવામાં સફળતા મળી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!