ભારતીય નૌ-સેનામાં ૩૦ વર્ષ સુધી સેવા આપનાર ‘વિરાટ’ને અલંગમાં આખરી સલામી

0

ભારતીય નૌ-સેનામાં વરસો સુધી યુદ્ધ જહાજ તરીકે સેવા આપી અંતિમ સફરે પહોંચેલા આઈએનએસ વિરાટને આજે ભાવનગર નજીકનાં વિશ્વ- વિખ્યાત અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં આખરી સલામી આપવા માટે થેન્કયુ વિરાટ કાર્યક્રમ કેન્દ્રીય શીપમંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ વિરાટની ભારતીય નૌ-સેનામાં સેવાને બિરદાવી હતી અને વિશ્વ-વિખ્યાત અલંગ શીપબ્રેકીંગ યાર્ડ ઉદ્યોગને વિકસાવવાના તમામ પ્રયાસો હાથ ધરાશે તેવી હૈયાધારણ શીપબ્રેકરોને આપી હતી. આ કાર્યક્રમના પ્રારંભે ભાવનગરના શીપબ્રેકર મુકેશ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, તળાજાના કોંગી ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ અગ્રણી શીપબ્રેકરો, આમંત્રિતો અને સંબંધીત વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નિવૃત્ત થયેલા આ યુધ્ધ જહાજને અલંગના શીપબ્રેકર દ્વારા ખરીદવામાં આવતા તેની મુંબઈથી અલંગ સુધીની અંતિમ સફરનો પ્રારંભ ગત તા.ર૧ સપ્ટેમ્બરના રોજ ભાવનગરનાં અલંગ શીપબ્રેકીંગ યાર્ડ ખાતે પૂર્ણ થયો હતો. કસ્ટમ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોર્ડિંગ કરાયું હતું. કસ્ટમ ડયુટી એકટ, એસજીએસટી આઈ.જી.એસ.ટી. સહિતની અંદાજે રૂા.૧ર કરોડ વેરાના ભરવામાં આવ્યા બાદ જુદી જુદી સરકારી એજન્સીઓ દ્વારા કલીયરન્સ મળ્યું હતું. જયારે આજે ૩૧ ફુટની ટાઈડ દરિયામાં હોય તે વેળાએ બપોરે એકાદ કલાકે ટગ દ્વારા ટોઈંગ કરીને આ જહાજ અલંગ લવાયું હતું. જયારે આજે વિરાટને અંતિમ વિદાય આપવા માટે કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના પદાધિકારીઓ, હોદ્દેદારો, અધિકારીઓએ આ યુધ્ધ જહાજને અંતિમ સલામી આપી હતી. આઈ.એન.એસ. વિરાટની અંતિમ સફર આજે વિશ્વ-વિખ્યાત અલંગ શીપબ્રેકીંગ યાર્ડ ખાતે પુરી થઈ, દેશ સેવામાં છેલ્લા ૩૦ વર્ષ સુધી અવિરત રહેલા વિરાટને આખરી સલામી અને સન્માન આપવા આજે ‘થેન્કયુ વિરાટ’ નામે કાર્યક્રમ યોજાયો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ આન-બાન-શાન સાથે દેશના સંરક્ષણ માટે જહાજે આપેલ સેવાઓ બદલ દેશભકત સૈનિક માફક જ આખરી સલામી સાથે વિદાય અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આઈએનએસ વિરાટ ભારતીય નૌકાદળનું સેન્ટેરી કલાસ એરક્રાફટ કેરીયર હતું. તે ર૦૧૩માં આઈએનએસ વિક્રમાદિત્ય નામે શરૂ થયું તે પહેલા ભારતીય નૌકાદળનું મુખ્ય એરક્રાફટ કેરીયર હતું. આ જહાજને ૧૯પ૯માં રોયલ નેવીના એચએમએસ હર્મિસ અપાયું હતું. સને ૧૯૮૭માં તે ભારતને વેચવામાં આવ્યું હતું. ભારતીય નેવીને ૧ર-મે-૧૯૮૭થી લગભગ ત્રીસ વર્ષ સુધી સેવા આપી હતી. ફેબ્રુઆરી-ર૦૧પમાં નૌ-સેનાએ જણાવ્યું હતું કે વિરાટને પછીના વર્ષે નિવૃત્ત કરવામાં આવશે. બ્રિટીશ નિર્મિત છેલ્લું વહાણ ભારતીય નૌ-સેના સાથે ફરજ બજાવતું હતું. તે વિશ્વનું સૌથી જુનુ વિમાન-વાહક જહાજ હતું, ર૩ જુલાઈ-ર૦૧૬ના રોજ વિરાટ છેલ્લી વખત મુંબઈથી કોચીની મુસાફરી કરી ર૩ ઓકટોબરે તેને કોચીથી બહાર કાઢીને ર૮ ઓકટોબરના રોજ મુંબઈ પરત આવ્યું. જયાં તેને સુરક્ષિત રખાયું હતું. આઈએનએસ વિરાટ પાસે વિશ્વની સૌથી લાંબી સેવા આપતા યુધ્ધ જહાજ હોવાનો રેકોર્ડ છે કે જે પોતાના કાર્યને લાંબી મંજીલ કાપી ભાવનગર નજીકનાં વિશ્વ- વિખ્યાત અલંગ શીપબ્રેકીંગ યાર્ડ ખાતે કિનારે પહોંચ્યું છે. આ યુદ્ધ જહાજને ભાવનગરના શીપબ્રેકર શ્રીરામ ગ્રુપે આ વર્ષે જુલાઈમાં હરાજીમાં રૂા.૩૮.પ૪ કરોડમાં ખરીદ કરેલ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!