જૂનાગઢ શહેર બી-ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ચોકકસ બાતમીના આધારે વંથલી ખાતે સસ્તા અનાજની દુકાનનાં વેપારીનાં પુત્ર દ્વારા ગોડાઉનમાંથી બારોબાર વેંચી કાઢવા માટેનાં પ૦-પ૦ કિલોના ૧પ કટા ચોખા ભરેલ રીક્ષાને જૂનાગઢ ખાતેથી ઝડપી લઈ રેશનીંગની દુકાનમાંથી વિતરણ થતા અનાજને બારોબાર વેંચી કાઢવાનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરીયાતમંદ લોકોને રાહત ભાવે, વિના મૂલ્યે અનાજ પુરૂ પાડવાની યોજના અંતર્ગત લાખો પરિવારો તેનો લાભ લઈ રહયા છે. અને સરકારની આ યોજનાને સર્વત્ર આવકાર મળી રહયો છે. ત્યારે બીજી તરફ ગરીબ માણસોને રાહતરૂપ આ યોજનામાંથી પણ ઘણાં લેભાગુ તત્વો દ્વારા રોકડી કરી લેવામાં આવતી હોવાની ચકચારી વિગતો પ્રકાશમાં આવી છે. એકલા જૂનાગઢ જીલ્લામાં નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની દુકાનોએથી મળતું અનાજ ચોખા, ઘઉં, ચણાનો પુરવઠો બારોબાર વેંચી નાંખી દેવામાં આવતી હોવાની અનેક ફરીયાદો પ્રાપ્ત થઈ છે અને આવી ફરીયાદોને અનુમોદન આપતો એક બનાવ જાહેર થયો છે. વંથલી ખાતે આવેલ એક સસ્તા અનાજની દુકાનેથી વેંચાયેલું અનાજ ઘઉં પ૦-પ૦ કિલોનાં ૧પ કટા પકડાતા ચકચાર જાગી ઉઠી છે. ચોકકસ બાતમીનાં આધારે આ જથ્થાને ઝડપી લેનાર બી-ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને આ બનાવ અંગે વધુ તપાસ વંથલી મામલતદારને સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર તાજેતરમાં કોરાના કોવીડ-૧૯ના વાયરસ અનુસંધાને સરકાર દ્વારા બીપીએલ તથા એપીલ કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ ઘઉં, ચોખા વગેરે દિનદિયાલ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન મારફતે વિતરણ કરવામાં આવે છે. પરંતુ અમુક લેભાગુ તત્વો આ અનાજનો જથ્થો બારોબાર ઉંચા દામથી વેંચી નાખતાં હોવાની વ્યાપક ફરીયાદો લોકોમાં ઉઠવા પામેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાશમશેટ્ટી દ્વારા અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવાની સુચના આપેલ છે. જેના પગલે નાયબ પોલીસ અધિકારી પી.જી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન નાયબ પોલીસ અધિકારીશ્રી આર.વી. ડામોરનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કામગીરીમાં બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. સોલંકી તથા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશને હાજર હતાં. તે દરમ્યાન પો.કો. પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ રાયજાદાને મળેલ બાતમી અને હકિકતનાં આધારે જૂનાગઢ રેલવે સ્ટેશન પાસે વોચ રાખવામાં આવી હતી. તે દરમ્યાન છકડો રીક્ષા નં.જીજે-૧૧-ઝેડ- ૧૧૮૪ ની રેલવે સ્ટેશન ચોકમાંથી નિકળતા તેને રોકી રીક્ષાને ચેક કરતા તેમા કોઈ આધાર બીલ વગર ચોખાના પ૦-પ૦ કિલોના ૧પ બાચકા ભરેલ મળી આવ્યા હતાં. જેથી રીક્ષા ડ્રાઈવર મયુરભાઈ શનીરામ સુખાનંદીની પુછપરછ કરતા આ ચોખાના કટા વંથલી ખાતે પટેલ ચોકમાં આવેલ દિનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન ચલાવતા પ્રફુલભાઈ રામજીભાઈ ત્રાંબડીયાના દિકરા પ્રીતેશે તેના ગોડાઉનમાંથી ભરી આપેલ અને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ જીઆઈડીસી પાસે જવાનું કહેલ અને અગાઉ પણ ઘંઉના પ૦-પ૦ કિલોના ૧પ કટા ભરેલ રીક્ષાના ચાર ફેરા જૂનાગઢ જીઆઈડીસીમાં આવેલ રામનાથ મીલમાં પહોંચાડેલ હોવાનું જણાવ્યું હતું.જેના પગલે વંથલી ખાતે પટેલ ચોકમાં આવેલ દિનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજનીદુકાન ચલાવતા પ્રફુલભાઈ રામજીભાઈ ત્રાંબડીયાએ સરકાર તરફથી બીપીએલ તથા એપીલ કાર્ડ ધારકોને દેવામાં આવતું અનાજ ઘંઉ તથા ચોખાના બીન કાયદેસર રીતે બારોબાર વેંચાણ કરતો હોવાનું જણાય આવતા આ અંગે મામલતદાર જૂનાગઢ (અન્ન અને પુરવઠા વિભાગ)ને લેખીતમાં જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.બી. સોલંકી તથા ડી.સ્ટાફ પો.કો. પરેશભાઈ બાવનભાઈ હુણ તથા પો.કો. અજયસિંહ મહીપતસિંહ ચુડાસમા તથા પો.કો. ભગતસિંહ ભલાભાઈ વાળા તથા પો.કો. પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ રાયજાદા તથા પો.કો. કલ્પેશભાઈ ગેલાભાઈ ચાવડા તથા પો.કો. મુકેશભાઈ મગનભાઈ મકવાણા વગેરે પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી બજાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews