ગિરનાર રોપવે સાઈટ ઉપર જરૂરી સુવિધા ઉભી કરવા માંગણી

0

આગામી દિવસોમાં જ ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજીના દર્શનનો લાભ અબાલ, વૃધ્ધ, નાના બાળકો અને જેઓ ગિરનારના પગથીયા ચડી શકતા નથી તેવા તમામ ભાવિકો લાભ લઈ શકશે અને તે માટેની ઘણા લાંબા સમય થયા જેની પ્રતિક્ષા હતી તે જૂનાગઢ સહીત સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપવે યોજના શરૂ થવા જઈ રહી છે. આ ડ્રીમ પ્રોજેકટ વહેલી તકે પુરો થાય તે માટેના પ્રયાસો યુધ્ધના ધોરણે ચાલી રહ્યા છે. રોપવે યોજના શરૂ થવાની સાથે જ પ્રવાસીઓની સંખ્યામાં પણ ખુબજ વધારો થવાનો છે અને રોજગારીની નવી દિશા ખુલવાની છે. ત્યારે રોપવે યોજનાની સાથે સાથે ગિરનાર રોપવે સાઈટ ઉપર અન્ય વધારાની સુવિધા પણ શરૂ કરવી અત્યંત જરૂરી છે અને તે માટે જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને સાત જેટલા મુદાઓને આવરી લઈ અને ગિરનાર રોપવે સાઈટ ઉપર જરૂરી સુવિધા ઉભી કરવા પ્રજાની લાગણી માંગણી અને રજૂઆત કરી છે. મુખ્યમંત્રીશ્રીને પાઠવેલા પત્રમાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ જે રજૂઆત કરી છે તેમાં અનેક પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે તેમાં મુખ્યત્વે જૂનાગઢ રોપ-વે બનતા જ ટુરિસ્ટોની સંખ્યામાં થનાર વધારાને ધ્યાનમાં લઇ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે સુદર્શન તળાવ ખાતે બે માળનું પાર્કીંગ બનાવવું અને એ પાર્કીંગને ઓવર બ્રીઝથી સીધો જ મેઈન રોડ સુધી રસ્તો બનાવવો, આ ઉપરાંત હાલ સરકારશ્રી દ્વારા ડોળી વાળા માટે ૧૦૪ દુકાનો બનાવવાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ છે પરંતુ જે ડોળી લાયન્સસ ધારકો હતા એવા આશરે ૭૫ વ્યક્તિઓના અવસાન થયા છે, જેને દુકાનનો લાભ હાલ મળવાનો નથી જેનો વારસદારોનો સરકાર સામે કેશ હાલ હાઈકોર્ટમાં ચાલે છે, અહી આવતા પ્રવાસીઓને દતાત્રેય જવું હોય તો અંદાઝે ૩૬૦૦ થી ૪૦૦૦ પગથીયા થાય અને અંબાજીથી જૈન શૈસાવન દેરાસર, સીતાવન, ભરતવન, હનુમાનધારા જવું હોય તો ૩૫૦૦ જેટલા પગથીયા થાય છે. આમ અંબાજી મંદિર આસપાસ ડોળીનો પોઈન્ટ આપવો જોઈએ જેથી અંબાજીથી દતાત્રેય અને જૈન દેરાસર કમંડલ કુંડ જવા જે અશક્ત લોકો છે એ ડોળી દ્વારા દર્શનનો લાભ લઇ શકે અને હાઈકોર્ટમાં ડોળી વાળાઓએ કેસ દાખલ કરેલ છે અને તેમાંથી જે વ્યક્તિઓ અવસાન પામેલ છે તે ડોળી ધારકોના આશ્રિતોને આ લાયસન્સની સગવડ આપવી જોઈએ. જેથી આવનાર પ્રવાસીઓની સગવડતા જળવાઈ રહે, વધુમાં રોપ-વે બનતા જ એની કેપેસીટી પ્રમાણે દર કલાકે ૮૦૦ વ્યક્તિઓ અંબાજી મંદિર પહોંચશે. આશરે ૨૦૦૦ વ્યક્તિઓ અંબાજી મંદિરે ભેગા થવાનો અંદાઝ છે. આટલા ટુરિસ્ટો ને યોગ્ય સુવિધા પૂરી પાડી શકાય તે અર્થે યોગ્ય પ્રમાણમાં યુરીનલ ટોઈલેટ બોકસ બનાવવાની કામગીરી હાથ ધરવા માંગણી કરી છે. હાલ અમારી જાણ મુજબ કુલ ૪ યુરીનલ જ બ્લોક બનાવવાના હોય એવું જાણવા મળેલ છે. જે ટુરિસ્ટોની સંખ્યાના પ્રમાણમાં ખુજ ઓછું પ્રમાણ ગણાશે. આ ઉપરાંત અંબાજી ઉપર આવેલ હેલીપેડની જગ્યા હાલ ઉપયોગ વગરની હોય આ જગ્યા ફરતે રેલીંગ નાખી મુસાફરોને વિશ્રામ અર્થે ઉપર ડોમ બનાવી અને આ જગ્યાએ નાનું ફૂડ ઝોન, પીવાના પાણી અને શૌચાલયની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો આવનાર મુસાફરોની સુવિધામાં વધારો થઇ શકે, અંબાજી ખાતે વાયરલેસ ઓફીસ હાલ જર્જરિત હાલતમાં હોય નવી વાયરલેસ ઓફિસનું નિર્માણ કરવું અને પોલીસ ચોકી કાર્યરત કરવી. જેથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ઉપર કંટ્રોલ રાખી શકાય. યાત્રીકોની આરોગ્યની કાળજી લેવા અર્થે હેલ્થ સેન્ટર શરૂ કરવું, ગીરનાર ઉપર યાત્રિકોને રોકાવા માટે ગૌમુખી ગંગા પાસે વર્ષો જૂની ૨૨ રૂમની ધર્મશાળા હતી જે હાલ ખુબ જ જર્જરિત હાલત માં હોય યાત્રીકોને રોકાવા માટેની સુવિધા અર્થે આ ધર્મશાળાને સરકારી ખર્ચે રીનોવેશન કરાવવી,ગીરનાર પર્વત ઉપર આવેલ ધાર્મિક જગ્યાઓના મહંત કે પૂજારીઓને રોપવેમાં કાયમી આવવા-જવા અને જરૂરી સામગ્રી લઈ જવા માટે કાયમી ફ્રી પાસ આપવો. ઉપરોક્ત મુદ્દાઓથી સ્થાનિક લોકો દ્વારા થયેલ રજુઆતને જૂનાગઢની પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની માંગણી ઉકેલવા રજૂઆત કરી છે. આ તમામ બાબતોનો યોગ્ય અમલ થાય અને યોગ્ય સુવિધાઓનો લાભ લોકોને મળે અને તો જ સાચા અર્થમાં આ જગ્યાને પ્રવાસનધામ તરીકે જૂનાગઢ શહેરમાં વિકસાવી શકાશે. આ તમામ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે ભલામણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને વિસ્તૃત રજૂઆત સાથેના પાઠવેલા આ પત્રની એક નકલ જાણ અને રજૂઆત માટે ગુજરાત રાજયના પ્રવાસન વિભાગના મંત્રી
શ્રી જવાહરભાઈ ચાવડાને પણ મોકલવામાં આવી છે. તેમ જણાવી વધુમાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ ગિરનાર રોપવે સાઈટ ઉપર આવનારા દિવસોમાં જે સુવિધાની જરૂરીયાત છે તે અંગેની કાર્યવાહી ઝડપભેર કરવામાં આવે તેવી અપેક્ષા પણ રાખી છે. ખાસ કરીને પાર્કિંગ ઓનલાઈન રોપ-વે બુકીંગ જેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!