કેશોદ સ્મશાનમાં ડિઝલ ભઠ્ઠીમાં ગેરરીતિઓ આચરનારાને સદબુદ્ધિ આપવા રામધુન યોજાઈ

0

કેશોદ શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ગણતરીના દિવસો પહેલાં એક કરોડ બાર લાખ એંસી હજારનાં ખર્ચે અગ્નિદાહ આપવા ડિઝલ ભઠ્ઠી લોકાર્પણ કરવામાં આવી હતી. આ ડિઝલ ભઠ્ઠી શરૂ થવાની સાથે કાંઈક ને કાંઈક તાંત્રિક ખરાબી સર્જાઈ હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની ગયેલ છે. ચોમાસામાં વરસાદ પડતાની સાથે બાંધકામમાં પાણી પડવા ઉપરાંત લાદી બેસી જાવી, ઉખડી જાવી જેવી અનેક ક્ષતિઓ સામે આવતાં સામાજિક કાર્યકર રાજુભાઈ બોદર દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે એકાદ માસ જેવો સમય વીતી જવા છતાં જવાબદાર સત્તાધિશોનાં પેટનું પાણી હાલતું ચાલતું ન હોતું. કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં શહેરના નગરશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સત્તાધિશોને સદબુદ્ધિ આપવા રામધુનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક કલાક રાખવામાં આવેલ રામધુન કાર્યક્રમમાં શહેરના જુદા-જુદા સામાજિક સંસ્થાઓનાં હોદ્દેદારો-આગેવાનોએ હાજરી આપી નગરપાલિકા સત્તાધિશો દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિઓ બદલ સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો. કેશોદ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા માતબર રકમ ફાળવવામાં આવેલ હોય ત્યારે અનુભવી એજન્સી પાસે કામ કરાવવાને બદલે મળતીયાઓને કામ આપવામાં આવ્યું હોવાથી ગુણવત્તા જાળવવાને બદલે ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાનું શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે. કેશોદ નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એવી સુફિયાણી વાતો કરવામાં આવે છે પરંતુ પરિણામલક્ષી કામગીરી નજરે ચડતી નથી ત્યારે આ વિવાદ ક્યાં પહોંચશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે. સામાજિક કાર્યકર રાજુભાઈ બોદર દ્વારા એવું જણાવ્યું હતું કે સત્તાધિશો હકારાત્મક અભિગમ અપનાવીને કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નગરશ્રેષ્ઠીઓ સાથે ચર્ચા વિચારણા કરી કાર્યક્રમો યોજવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!