ગીર સોમનાથ જીલ્લાની રેયોન, જીએચસીએલ, સીઘ્ઘી સીમેન્ટ કંપનીમાં દોડતા ટ્રકોના ટ્રાન્સપોર્ટીંગમાં છેલ્લા દસકા દરમ્યાન આનુસંગીક ખર્ચાઓના વધેલા ભાવો મુજબ આવક-જાવકના ભાડા ન વધ્યા હોવાથી ટ્રક માલીકોને નુકશાની થઇ રહી છે. જેથી ત્રણે કંપનીઓ પાસે ભાડા વધારાની માંગણી કરેલ હોય જેનો કોઇ પ્રત્યુતર ન મળતા ગીર સોમનાથ જીલ્લા ટ્રક માલીકો વેલફેર એસો. દ્વારા તા.૧૬ ઓકટોબરથી ગીર સોમનાથ જીલ્લાની ત્રણેય કંપનીઓમાં દોડતા ટ્રકોના પૈડા થંભાવી દઇ હડતાળ ઉપર ઉતરવાનો ર્નિણય જાહેર કર્યો છે.
આ અંગે ટ્રક માલીક વેલફેર એસો.ના પ્રમુખ સતીષભાઇ વાળાએ જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લાની ત્રણેય કંપનીઓમાં રોમટીરીયલ્સ સહિતની સામગ્રીનું ટ્રાન્સપોર્ટીંગમાં દોડતા ટ્રકોના માલીકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહયા છે. જેમાં ડીઝલના સતત વધતા ભાવો, સ્પેેર પાર્ટસમાં થતો વધારો, લોડીંગ-અનલોડીંગ મજુરીના ખર્ચાઓ કે જે માલીકના શીરે હોવા જોઇએ તેના બદલે ટ્રક માલીકો ઉપર નાંખવામાં આવે છે. ટોલટેકસમાં કાયમી થતો વધારો, રસ્તોઓની માળખાકીય સુવિધાનો અભાવ, ટ્રકના ઇન્સ્યોરન્સ, પાસીંગ સહિતના પ્રિમિયમના ખર્ચામાં થતો સતત વધારો, ડ્રાઇવરોના સમયાંતરે વધતા પગારો, ટ્રાન્સપોર્ટીગના સમયસર ન મળતા ભાડા જેવી અનેક સમસ્યાઓને લીધે ટ્રક વ્યવસાય મૃતપાય થવાના આરે પહોંચી ગયો છે. જેની પાછળનું એકમાત્ર કારણ એ છે કે, જેમ ટ્રક માલીકોના ખર્ચાઓ વધે છે તે મુજબ કંપનીઓ ભાડા વધારતી ન હોવાના કારણે ઓછા ભાડામાં ટ્રક ચલાવવું મુશ્કેલ બન્યુુ છે. આમને આમ ચાલતુ રહેશે તો ટુંકાગાળામાં ટ્રક માલીકો ખત્મ થઇ જાય તેવી સ્થિતિ ઉદભવી છે. જેથી ત્રણેય કંપની પાસેથી તાત્કાલીક અસરથી આવક-જાવકના ભાડામાં પ્રતિ કિ.મી. રૂા.૨.૮૦નો વધારવા માંગણી લેખીતમાં એસો.એ અઠવાડીયા પૂર્વે કરવામાં આવી હતી. જેનો કોઇ પ્રત્યુતર કંપનીઓએ આપ્યો ન હોવાથી એસો.ના સભ્યો-ટ્રક માલીકો સાથે બેઠક યોજી હતી. જેમાં તા.૧૬ ઓકટોબરથી એસો.માં નોંધાયેલા ૧૨૦૦થી વધુ ટ્રકોના પૈડા થંભાવી દઇ હડતાલ ઉપર ઉતરવાનો સર્વાનુમતે ર્નિણય કરવામાં આવેલ છે.
વધુમાં જણાવેલ કે, ઉદાહરણ તરીકે ૨૦૧૨માં ડીઝલનો ભાવ રૂા.૫૨.૭૮ અને રેડીયલ ટાયર રૂા.૩૮ હજારમાં મળતા ત્યારે વેરાવળથી અમદાવાદનું ભાડુ રૂા.૭૩૦ હતુ. આજે ૨૦૨૦માં ડીઝલ રૂા.૭૭.૮૦ અને ટાયર રૂા.૪૪ હજારમાં મળે છે ત્યારે આ રૂટનું ભાડુ રૂા.૮૪૦ છે. જેમાં જોઇએ તો ડીઝલમાં રૂા.૨૫ અને ટાયરમાં રૂા.૬ હજાર જેવા અસહય ભાવ વધારા સામે ભાડુ તો ફકત રૂા.૧૧૦ જ વઘ્યું છે. આના ઉપરથી સમજી શકાય કે ટ્રાન્સપોર્ટમાં ઉતરોતર ભાડા ઘટયા છે અને ખર્ચાઓ અસહય રીતે વઘ્યા છે. જે ટ્રકમાલીકોને કોઇ સંજોગોમાં પરવડે તેમ નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews