જામકંડોરણા તાલુકાના ‘ખાટલી’ નામના ખોબા જેવડા ગામડાના વતની રાજ રસિકભાઈ ગજેરાએ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે સમગ્ર ગુજરાતને આ વિદ્યાર્થી ઉપર ગર્વ થાય છે. રાજકોટની તપોવન સ્કૂલનો આ વિદ્યાર્થી રાજ ગજેરા ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી છે. કોઈપણ જાતના કોચિંગ વગર માતૃભાષામાં જ ભણેલા આ વિદ્યાર્થીએ NEETની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજું અને સમગ્ર ભારતમાં ૩૬મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી બહુ આગળ ન વધી શકે એવું માનનારા લોકોને જણાવું કે રાજ દેશની ટોચની મેડિકલ શિક્ષણ આપતી સંસ્થા ‘એઇમ્સ-દિલ્હી’માં એડમિશન મેળવવા માટે લાયક બની ગયો છે. બીજી મહત્વની વાત એ છે કે આ વિદ્યાર્થીએ અત્યાર સુધી સ્કૂલમાં રહીને જ અભ્યાસ કર્યો છે. NEETની તૈયારી માટે એણે મોંઘાદાટ કોચિંગ રાખવાને બદલે શાળાના શિક્ષકોના માર્ગદર્શન મુજબ જ તૈયારી કરીને આવું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યુ છે. આપણા ગુજરાતની જુદી જુદી શાળાઓના વિષય નિપૂણ શિક્ષકો બાળકોની ક્ષમતાને ઉજાગર કરવા માટે પૂરતા સક્ષમ છે પણ ખબર નહીં કેમ આપણને આપણા જ શિક્ષકો ઉપર વિશ્વાસ નથી ! અમુક રાજ્યમાંથી આવેલા શિક્ષકોનો જાણે કે NEET અને JEE ઉપર ઇજારો હોય એવું વાતાવરણ ઉભું કર્યું છે. આપણા સ્થાનિક શિક્ષકો પણ કંઈ કમ નથી, વિશ્વાસ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનો હાથ એના હાથમાં સોંપો અને પછી પરિણામ જુઓ. રાજ ગજેરાને અભિનંદન સાથે એની શ્રેષ્ઠતમ કારકિર્દી માટે જામકંડોરણાની જનતાએ શુભેચ્છાઓ પાઠવી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews