રાજ્યની સંવેદનશીલ રાજય સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય રોજગારી સ્વરૂપે આપવા મનરેગા યોજના અને નરેગા યોજના હેઠળ કામો કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતાં. જે યોજનાઓ હેઠળના દરેક વિસ્તારોમાં કામો શરૂ કરવામાં આવેલ હતાં. ત્યારે કેશોદ તાલુકાના કણેરી ગામે મનરેગા યોજના અને નરેગા યોજનામાં ગરીબ પરિવારોને રોજગારી આપી આર્થિક સહાય આપવાને બદલે લાગતાં વળગતાનાં નામો નોંધી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ખૂલ્લું પડ્યું છે. કેશોદ તાલુકાના કણેરી ગામે લોકડાઉન દરમ્યાન મનરેગા યોજના અને નરેગા યોજનામાં બોગસ શ્રમિકો દર્શાવી ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓની મીલીભગતથી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખિતમાં ફરિયાદ ગ્રામ પંચાયતના સદસ્ય બાલુભાઈ હીરાભાઈ કટારાએ જીલ્લા વિકાસ અધિકારી જૂનાગઢને આધાર પુરાવા સાથે કરી છે. કેશોદ તાલુકાના કણેરી ગામે મનરેગા યોજના હેઠળ કણેરી ગામેથી રંગપુર ગામે જવાનાં રસ્તાનું ડબલ્યુ.બી.એમ. રોડનાં કામમાં મસ્ટર રોલમાં બોગસ શ્રમિકો દર્શાવી ખોટાં પૈસા ઉધારી ગેરરીતિઓ આચરવામાં આવી છે તેમજ એસ્ટીમેન્ટ મુજબ ગુણવત્તા વાળું મટેરીયલ રેતી, કાંકરી વાપરવામાં આવી નથી. કેશોદના કણેરી ગામે વસવાટ કરતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી વચ્ચે રોજગારી આપવાને બદલે વૃધ્ધ, અંધ, અપંગ, ગંભીર બિમારી વાળાં વ્યક્તિઓને શ્રમિકો તરીકે દર્શાવવામાં આવેલા છે. કણેરી ગ્રામ પંચાયતના સરપંચનાં પત્ની પ્રવિણાબેન હિગરાજીયા, કણેરી આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા શ્વેતાબેન ડઢાણીયા ઉપરાંત બહારગામ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ શ્રમિકો દર્શાવી મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે. કેશોદના કણેરી ગ્રામ પંચાયતના સદસ્ય બાલુભાઈ હીરાભાઈ કટારાએ લેખિતમાં કરેલી રજૂઆતમાં કણેરી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, ટેકનીકલ આશીસટન્ટ, સરપંચની મીલીભગતથી અને તાલુકા વિકાસ અધિકારીની મીઠી નજર હેઠળ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. મનરેગા યોજના અને નરેગા યોજનામાં શ્રમિકો બોગસ દર્શાવવામાં આવ્યા હોય એવાં તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે કરેલી ફરિયાદમાં ઉચ્ચ કક્ષાએથી પગલાં ભરવામાં આવશે કે ભીનું સંકેલી ફરિયાદ અભેરાઈએ ચડાવી દેવામાં આવશે. કેશોદના રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ચોક્કસ સક્ષમ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આખા તાલુકામાં ક્યાંકને ક્યાંક ગેરરીતિઓ આચરવામાં આવેલ છે જે ખૂલ્લી પડવાની સંભાવના વર્તાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews