ગુજરાતીઓ માટે ખુશખબર : રૂપિયા ૧પ૦૦માં સી-પ્લેનમાં અમદાવાદથી કેવડિયાની સફર કરી શકશે

અમદાવાદથી કેવડિયા જવા માટે સી-પ્લેનના ભાડા અંગે સર્જાયેલી અસમંજસનો અંત આવી ગયો છે. સી-પ્લેન ઓપરેટ કરનારી સ્પાઇસ જેટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પ્લેનનુ ભાડું રૂપિયા ૪૮૦૦ નહીં પરંતુ રૂપિયા ૧૫૦૦ જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ જયંતિ નિમિત્તે તા.૩૧ ઓક્ટોબરના રોજ અમદાવાદથી કેવડીયા સુધીની સી-પ્લેનની શરૂઆત કરાવશે. વડાપ્રધાન આ દિવસે અમદાવાદના રીવરફ્રન્ટથી સી-પ્લેનમાં બેસી કેવડીયા જશે. સી-પ્લેન મારફતે અમદાવાદથી કેવડીયા વચ્ચેનું ૨૦૦ કિલોમીટરનું અંતર માત્ર ૫૦ મિનિટમાં કાપી શકાશે. સ્પાઇસ જેટ દ્વારા આ ઉડાન માટે ૧૫ સીટર ટ્‌વીન ઓટર ૩૦૦ વિમાનનો ઉપયોગ કરાશે. કેન્દ્ર સરકારે ઉડાન યોજના હેઠળ રીજનલ કનેક્ટિવિટી સ્કીમ શરૂ કરી હતી. જેમાં એક કલાકથી ઓછા સમયની ફ્લાઇટ માટે ૨૫૦૦ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. આ યોજનામાં નાની ફ્લાઈટ ઓપરેટ થતી હોય છે. જેમાં સામાન્ય રીતે રૂપિયા ૧૫૦૦ થી રૂપિયા ૨૫૦૦નું ભાડું હોય છે. અગાઉ સી-પ્લેન માટે અમદાવાદ થી કેવડીયાનું ભાડું રૂપિયા ૪૮૦૦ નક્કી કરવામાં આવ્યું હતું.
આટલા ઊંચા ભાડા અંગે લોકોમાં ભારે નારાજગી હતી અને ભાડું ઘટાડવા લાગણી વ્યક્ત કરી હતી. દરમ્યાન સી-પ્લેન ઓપરેટ કરતી સ્પાઈસ જેટ દ્વારા સી પ્લેનનું ભાડું રૂપિયા ૧૫૦૦ રહેશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતથી લોકોમાં સી-પ્લેનમાં બેસવાનો ઉત્સાહ વધ્યો હતો. આમ કેન્દ્રની ઉડાન યોજના અંતર્ગત સી-પ્લેનનું એક તરફનું ભાડુ રૂપિયા ૧૫૦૦થી શરૂ થશે. ૩૦ ઓક્ટોબરથી સી-પ્લેન માટેનું ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ થશે. આગામી ૩૧ ઓક્ટોબરથી શરૂ થનારા દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે જે માટે બે માળની કાચની ઓફીસ તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત ટીકિટ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!