ઉષા બ્રેકો કંપનીએ જૂનાગઢવાસીઓ માટે જારી કરેલ સ્પેશ્યલ ઓફરનો આજથી પ્રારંભ

એશિયાનાં સૌથી મોટા ગિરનાર પર્વત ઉપરનાં રોપ-વે યોજનાને કાર્યરત થયાંને ગણત્રીનાં દિવસો થયાં જ છે. એક તરફ જૂનાગઢવાસીઓ અને સોરઠવાસીઓનાં હૈયે આનંદની છોળો ઉછળી રહીછે. આપણા શહેર એવા જૂનાગઢમાં એવા કયાંય પણ ન હોય તેવો નજારો બની શકયો છે. તો બીજી તરફ રોપ-વેનાં ટિકીટના દરને કારણે પ્રજામાં તિવ્ર ગણગણાટ થયો છે. આ દરમ્યાન ઉષા બ્રેકો કંપનીએ જૂનાગઢવાસીઓને માટે ખાસ ઓફર જારી કરવામાં આવી છે અને આ ઓફરનો આજથી જ પ્રારંભ થયો છે. અને આજ તા.ર૯ ઓકટોબરથી ૧પ નવેમ્બર સુધીની ઓફર છે અને તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
જૂનાગઢ શહેર અને જીલ્લાની જીવાદોરી સમાન અને મહત્વાકાંક્ષી યોજના એવી રોપ-વેનું સ્વપ્ન સંપન્ન થઈ ગયું છે. ગત શનિવારથી ઉડનખટોલાની યાત્રાનો પ્રારંભ થઈ ચુકયો છે અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મહાનુભાવો અને ગિરનારની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ રોપ-વે મારફત અંબાજી મંદિર ખાતે પહોંચી અને માતાજીનાં દર્શનનો લાભ લીધો છે. આ દરમ્યાન રોપ-વેની ટિકીટનાં દર ઘટાડવાની માંગણી અને લાગણીનો સુર ઉઠવા પામેલ. જૂનાગઢવાસીઓ, અગ્રણીઓ અને સંતોએ સુર પુરાવ્યો છે. તો બીજી તરફ મિડીયા જગતે પણ લોકોની લાગણી અને અપેક્ષાને વાચા આપી છે. આ દરમ્યાન વિરોધનાં સુર વચ્ચે ઉષા બ્રેકો કંપની દ્વારા જૂનાગઢ વાસીઓ માટે વિશેષ ઓફર જારી કરવામાં આવી છે. ઉષા બ્રેકો કંપની દ્વારા તાત્કાલીક અસરથી સ્પેશ્યલ રોપ-વે ઓફર મુકવામાં આવી છે. ગિરનાર રોપવે યોજના અમલી બનાવવામાં જૂનાગઢવાસીઓએ આપેલા સહયોગની કદર કરીને મંદિર સુધી જતા વિશ્વના સૌથી લાંબા આ રોપવે માટે ઉષા બ્રેકો લિમિટેડે તેમના માટે વિશેષ ઓફરની જાહેરાત કરી છે. આ વિશેષ ઓફર હેઠળ જૂનાગઢવાસીઓ ગિરનાર રોપવે ઉપર આવવા–જવાની રાઈડનો લાભ રૂા.૫૦૦ સાથે જીએસટીના રાહત દરે લઈ શકશે. પાંચથી દસ વર્ષની ઉંમર ધરાવતાં બાળકો માટે આ દર રૂા.૨૫૦ જીએસટી સાથે રહેશે. આ વિશેષ ઓફરનો લાભ લેવા માટે જૂનાગઢનુ સરનામુ ધરાવતુ આધાર કાર્ડ રજુ કરવાનુ રહેશે. પરિવાર કે ગ્રુપ સાથે પ્રવાસ કરતા દરેક સભ્યએ જૂનાગઢનું સરનામુ ધરાવતું આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવાનુ રહેશે.ઉષા બ્રેકોના મેનેજીંગ ડિરેકટર અપૂર્વ જાવર જણાવે છે કે “અમે ગિરનાર રોપવે પ્રોજેકટના અમલીકરણ દરમ્યાન જૂનાગઢવાસીઓએ અમને જે સહયોગ આપ્યો છે તેની અમે હૃદયપૂર્વક કદર કરીએ છીએ. આ વિશેષ ઓફર અમારી તરફથી તેમના સહયોગની કદર કરવા માટે રજૂ કરવામાં આવી છે.” જૂનાગઢવાસીઓ માટેની આ વિશેષ ઓફર તા. ૨૯ ઓકટોબરથી ૧૫ નવેમ્બર સુધી અમલમાં રહેશે. સંજોગવશાત જૂનાગઢના ઈતિહાસ સાથે જોડાયેલા બે ઐતિહાસિક પ્રસંગો આ ગાળામાં આવે છે. તા. ૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે, જેમણે જૂનાગઢનાં દેશી રજવાડાંના ભારત સાથે વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા બજાવી હતી, અને ૯મી નવેમ્બરના રોજ જૂનાગઢનો સ્વતંત્રતા દિવસ છે. જૂનાગઢવાસીઓને આ ઓફરનો લાભ લેવા પણ અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!